|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માવતરે રીસામણે બેસેલી પત્નીને આડા સંબંધ હોવાની શંકા રાખીને પતિએ તેના બે સાગરીતો સાથે યુવકને માર મારી આખી રાત રૂમમાં ગોંધી રાખીને બીજા દિવસે માધાપરથી કારમાં અપહરણ કરીને આદિપુરના સાસરિયે લઈ ગયો હોવાનો બનાવ બહાર આવ્યો છે. જે શંકા હતી તેવું કાંઈ સાબિત ના થતાં પતિ અને તેના સાગરીતો યુવકને સસરાના ઘર પાસે છોડીને નાસી ગયાં. માધાપરમાં મીઠાઈની દુકાનમાં નોકરી કરતા ૨૪ વર્ષિય રાહુલ ચૌધરી (રહે. મૂળ થરાદ)એ પોલીસને જણાવ્યું કે પાંચ માસથી તે માધાપરની દુકાનમાં નોકરી કરે છે. કુકમા ગામે ભાડાના મકાનમાં રહે છે. અગાઉ તે આદિપુરમાં મૈત્રી રોડ પર આવેલી ખાવડા સ્વીટ નામની દુકાનમાં નોકરી કરતો હતો. આ દુકાનમાં મેનેજર તરીકે ગંગારામ ચૌધરી (રહે. મૂળ રાજસ્થાન) તરીકે કામ કરે છે. ગંગારામની દીકરી કવિતાના જયેશ ચૌધરી (રહે. મૂળ વાવ, થરાદ) સાથે લગ્ન થયેલાં છે. જયેશ માધાપર નવા વાસમાં ક્રિષ્નાનગરમાં રહે છે અને આશાપુરા સ્ટીલ નામની દુકાન ધરાવે છે.
મંગળવારે તપાસ કરવા યુવકનો ફોન લઈ ગયાં
મંગળવારે સાંજે રાહુલ માધાપરની દુકાને હાજર હતો ત્યારે કવિતાનો પતિ જયેશ ચૌધરી તેના સાગરીત કાનજી ચૌધરી સાથે દુકાને આવેલો. કાનજી અગાઉ ખાવડા સ્વીટમાં નોકરી કરતો હોઈ રાહુલ તેને ઓળખતો હતો. બેઉ જણે ‘તારા ફોનનું કામ છે’ કહી તેની પાસે રહેલો મોબાઈલ ફોન માંગેલો. રાહુલે બેઉને તેનો ફોન આપી દીધેલો.
ફોન પરત લેવા ગયો ત્યારે ઘરે લઈ ગોંધી રાખ્યો
અડધો કલાક બાદ રાહુલ શેઠની એક્ટિવા લઈને મોબાઈલ ફોન પરત લેવા માટે જયેશની દુકાને ગયેલો. જયેશે ફોન રૂમ પર પડ્યો હોવાનું જણાવીને તેને પોતાની સાથે રૂમ પર આવી ફોન લઈ જવા જણાવતાં રાહુલ તેની પાછળ એક્ટિવા લઈને તેના ઘરે આવેલો. જયેશ કપટપૂર્વક રાહુલને પોતાના ઘરે લઈ આવેલો અને પહેલાંથી ત્યાં હાજર કાનજી અને વાલજી ચૌધરી નામના સાગરીતોની મદદથી તેને લાફા મારીને રૂમમાં બંધ કરી દીધેલો. ત્રિપુટીએ આખી રાત રાહુલને રૂમમાં ગોંધી રાખેલો અને પોતે બહાર બેસી રહેલાં.
બીજા દિવસે કારમાં અપહરણ કરી આદિપુર લઈ ગયાં
બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે ‘કવિતા તારા કોન્ટેક્ટમાં છે, અમે કહીએ એમ તારે કરવું પડશે’ તેવી ધમકી આપીને ત્રિપુટી રાહુલને સ્વિફ્ટ કારમાં બેસાડી આદિપુરમાં કવિતાના ઘર નજીક લઈ ગયેલી. ત્રિપુટીએ રાહુલના ઈન્સ્ટાગ્રામ પરથી કવિતાને ઘર બહાર આવવા મેસેજ કરેલા પરંતુ કવિતા બહાર આવી નહોતી. જેથી ત્રિપુટી રાહુલને લઈ અંજાર આવેલી. ફરી રાત્રે આઠ વાગ્યે તેને લઈ આદિપુર પહોંચેલી. છેવટે કંટાળીને રાહુલને કવિતાના ઘર પાસે ઉતારીને નીકળી ગયેલી.
યુવકે જમાઈના કરતૂત અંગે સસરાને વાત કરી
રાહુલ કવિતાના ઘરે ગયેલો અને તેના પિતા ગંગારામને તેના જમાઈ જયેશ અને સાગરીતોએ આચરેલાં કાંડ અંગે વાત કરેલી. ગંગારામે રાહુલના પિતાને જાણ કરતા તેના પિતા આદિપુર આવી રાહુલને સીધા માધાપર પોલીસ મથકે લઈ આવ્યા હતા. માધાપર પોલીસે માર મારીને ગેરકાયદે ગોંધી રાખવા, કારમાં અપહરણ કરવા સબબની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|