|
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના વેરસલપર (રોહા) ગામે રહેતા ખેડૂત દંપતીને લાલચ આપીને બે ચીટર ભાઈએ છેલ્લાં છ વર્ષ દરમિયાન સાડા ૭ લાખ રૂપિયા મેળવીને વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે ગુનો દાખલ કરી બેઉ ચીટર ભાઈને દબોચી લીધા છે. વેરસલપરના ૨૭ વર્ષિય નરોત્તમ મોહનલાલ પટેલે પોલીસને જણાવ્યું કે આરોપી લતીફ ફકીરમામદ ફકીર (રહે. સુખપર રોહા, હાલ રહે. રહીમનગર, ભુજ) તેમની આંબાની વાડીના બધા આંબાને વર્ષોથી ખરીદતો હતો. ૨૦૧૮માં નરોત્તમના પિતાનું અને મોટા બાપાનું મૃત્યુ નીપજેલું. ઘરના મોભ જેવા બબ્બે સ્વજનોના નિધન બાદ લતીફે ફરિયાદીને ઘરમાં કોઈ દૈવી નડતર હોવાનું જણાવીને પોતે એક પીરબાબાને ઓળખે છે અને તે આ તકલીફ દૂર કરી દેશે તેમ જણાવેલું.
મુશ્કેલીમાં ઘેરાયેલાં ફરિયાદીને વિશ્વાસમાં લઈને લતીફ તેના ભાઈ ફિરોજ ફકીર ઊર્ફે પીરમામદ ફકીરમામદને ફકીર બનાવીને લઈ આવેલો.
બેઉ ભાઈઓએ નડતર દૂર કરવા ધાર્મિક અને તાંત્રિક વિધિના નાટક શરૂ કરેલાં.
નડતર દૂર કરવાના ડિંડકના નામે ફરિયાદીને ખંખેર્યાં બાદ બેઉ જણે વાડી અને ઘરના આંગણા નીચે ધન ભરેલાં ચરૂ દટાયેલાં હોવાનું ડિંડવાણું ચલાવીને ટુકડે ટુકડે રૂપિયા ખંખેર્યાં કર્યાં હતા.
છેલ્લે નવેમ્બર માસથી ફરિયાદીના બધા રૂપિયા અને ઘરેણાં ડબલ થઈ જવાની વિધિના નામે રૂપિયા પડાવ્યા હતા. જો કે, બેઉ જણ છ વર્ષથી વિધિના નામે પોતાની ફિલ્લમ ઉતારીને રૂપિયા પડાવતાં હોવાનું સમજાતાં નરોત્તમે પોલીસને રજૂઆત કરી હતી. નખત્રાણા પીઆઈ એ.એમ. પટેલે બેઉ ભાઈ સામે ફરિયાદ દાખલ કરીને તેમને દબોચી લઈ ગહન પૂછપરછ હાથ ધરી છે.
Share it on
|