click here to go to advertiser's link
Visitors :  
06-Jun-2026, Saturday
Home -> Kutch -> Head Clerk Swindles Rs 1.76 Crore Government Funds Via Secret Accounts in Bhuj
Friday, 05-Jun-2026 - Bhuj 859 views
ભુજની મેન્ટલ હોસ્પિટલના હેડ ક્લાર્કે સરકારી ૧.૭૬ કરોડ રૂપિયાની ઉચાપત કરતા ચકચાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના હેડ ક્લાર્કે બે બેન્ક ખાતાં ખોલાવીને ૨૦૧૯થી લઈ અત્યાર સુધીમાં સરકારી રૂપિયા ૧ કરોડ ૭૬ લાખ ૮૧ હજાર ૫૯૦ની ઉચાપત કરી હોવાનું બહાર આવતાં કચ્છના આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. જિલ્લાના સિવિલ સર્જન ડૉ. કિશોરકુમાર રૉયે હેડ ક્લાર્ક બલભદ્રસિંહ ખેંગારજી જાડેજા (રહે. રાવલવાડી રિલોકેશન સાઈટ, રઘુવંશીનગર પાસે, ભુજ) અને તેના મળતિયા મિતેશ ધીરજલાલ ચુડાસમા સામે ગુનાહિત કાવતરું રચી સરકારી નાણાં હજમ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આંતરિક ઑડિટમાં કૌભાંડનો થયો પર્દાફાશ

ફરિયાદી ડૉ. રોયે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું કે ગાંધીનગરની વડી કચેરી દ્વારા વર્ષ ૨૦૧૭થી ૨૦૨૬ દરમિયાન થયેલી નાણાંકીય લેવડદેવડનું આંતરિક ઑડિટ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડી.જી. નાકરાણી નામના ICICI બેન્ક ખાતામાં ૨૦૨૧થી ૨૦૨૬ દરમિયાન જિલ્લા તીજોરી કચેરી દ્વારા ૧ કરોડ ૧૫ લાખ ૬૨ હજાર ૭૧૧ રૂપિયા જમા કરાવાયાં હોવાનું બહાર આવેલું. આ ખાતામાં જુદાં જુદાં ટ્રાન્ઝેક્શન મારફતે વધુ ૯ લાખ ૫૨ હજાર ૯૫૧ રૂપિયા જમા થયેલાં. પરંતુ આ નાણાં કોણે જમા કરાવેલાં તે સ્પષ્ટ થયું નથી. આમ, આ બેન્ક ખાતામાં કુલ ૧ કરોડ ૨૫ લાખ ૧૫ હજાર ૬૬૨ રૂપિયા જમા થયા હતા.

તપાસમાં વધુ એક ખાતાનું કૌભાંડ બહાર આવ્યું

જિલ્લા તીજોરી કચેરી દ્વારા સિવિલ સર્જન કચેરીને જુદાં જુદાં હેડ હેઠળ મળનારાં સરકારી નાણાં તીજોરી કચેરી દ્વારા આ ખાનગી બેન્ક ખાતામાં જમા થયેલાં. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસને અરજી કરાયેલી. પોલીસે આ બેન્ક ખાતાંની વિગતો તપાસતાં તે ખાતું મિતેશ ધીરજલાલ ચુડાસમા (રહે. કૈલાસનગર, એસટી વર્કશોપ પાસે, ભુજ) નામના શખ્સના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો પર ખોલાવવામાં આવ્યું હતું.

આ બેન્ક ખાતાંના હિસાબોની તપાસમાં એડમીનિસ્ટ્રેટિવ ઑફિસર, GKGH, ભુજ નામના પંજાબ નેશનલ બેન્કમાં ખોલાવાયેલા વધુ એક શંકાસ્પદ બેન્ક ખાતાની વિગતો સામે આવેલી. આ ખાતામાં ભુજની વિવિધ ખાનગી હોસ્પિટલોએ ચેક અને અન્ય માધ્યમથી ૫૧ લાખ ૬૫ હજાર ૯૨૮ રૂપિયા જમા કરાવ્યાં હોવાનું બહાર આવ્યું હતું.

બેન્ક ખાતું ખોલાવવા માટે સિવિલ સર્જન કચેરીના વહીવટી અધિકારીએ બેન્ક મેનેજરને પત્ર લખેલો અને તેમાં આપેલો મોબાઈલ નંબર બલભદ્ર જાડેજાનો હતો તથા એકાઉન્ટ ખોલાવનાર કર્મચારી તરીકે બલભદ્રે સહી કરી હતી.

બિલોની કલર ઝેરોક્સ મારફતે નાણાં મેળવાયાં

વાહન અકસ્માત યોજના હેઠળ જે ખાનગી હોસ્પિટલોના બિલો જનરલ હોસ્પિટલ, ભુજને રજૂ કરવામાં આવે છે તે બિલના નાણાંનું ચૂકવણું જિલ્લા તીજોરી કચેરી ઈ પેમેન્ટ દ્વારા જે-તે ખાનગી હોસ્પિટલના બેન્ક ખાતામાં જમા કરાવે છે. તપાસમાં બહાર આવેલું કે આઉટસોર્સ એજન્સીના આવતા બિલની અસલ કોપી પરથી ઝેરોક્સ કરાવી, અસલ બિલના આધારે મૂળ એ જ એજન્સીને Escrow Account મારફતે નાણાં ચૂકવવામાં આવતાં.

ત્યારબાદ બે કે ત્રણ માસના ઝેરોક્સ બિલો એકત્રિત કરીને એક સાથે એ જ બિલો ફરીવાર પેમેન્ટ માટે રજૂ કરવામાં આવતાં. જેમાં પંજાબ નેશનલ બેન્કના ખાતાનો નંબર રજૂ કરવામાં આવતો.

એ જ રીતે, કોઈ સંજોગોમાં બેન્કની ડિટેઈલ સાથે વિગતો ના મળે અને પેમેન્ટ રીજેક્ટ થાય તો સાદી રસીદથી બિલ મેળવી પાર્ટી ચેક મેળવી પેમેન્ટ કરાય છે. તે સંજોગોમાં પાર્ટીના નામનું એકાઉન્ટમાં દર્શાવેલું નામ અને બિલમાં દર્શાવેલ નામ સમાન હોવાથી તે પાર્ટીના નામનો ચેક મેળવી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવાય છે.

૨૦૨૫માં બલભદ્રને બરતરફ કરી દેવાયેલો, હવે FIR

આ કૌભાંડ બહાર આવતા ૨૨-૦૯-૨૦૨૫ના રોજ બલભદ્રને બરતરફ કરી દેવાયો હતો. જો કે, ડી.જી. નાકરાણીવાળા બેન્ક એકાઉન્ટમાં છેલ્લે ૧૩-૦૫-૨૦૨૬ના રોજ ટ્રાન્ઝેક્શન થયું હોઈ જાડેજા દ્વારા તે ખાતામાં હજુ પણ ગોલમાલ કરાતી હોવાની શંકા દર્શાવાઈ છે. જાડેજાએ તેના સાગરીત મિતેશ ચુડાસમા અને અન્ય લોકોની મદદથી આ કૌભાંડ આચર્યું હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. બંને ખાતામાં જમા થતાં નાણાં અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાતા હતા તથા એટીએમથી રોકડાં કાઢી લેવાતાં હતા. ૨૦૧૯થી બલભદ્ર આ કૌભાંડ આચરી રહ્યો હતો,

કચેરીને જે નાણાં મળવાના હોય તે બારોબાર બલભદ્રના ખાતામાં જમા થતાં હતા છતાં સાત સાત વરસ સુધી એકેય જવાબદાર અધિકારીને આ કૌભાંડ ધ્યાને ના આવ્યું તે બાબત આઘાતજનક અને આશ્ચર્યકારક છે.

હજુ ૨૦૨૧માં જમા થયેલાં બિલોની ભૌતિક ચકાસણી ચાલુ છે. આ તપાસ બાદ હજમ થયેલી રકમનો આંકડો હજુ વધવાની શક્યતા છે. આ કૌભાંડમાં મેન્ટલ હોસ્પિટલ અને સિવિલ સર્જન કચેરીના અન્ય કર્મચારીઓ અધિકારીઓના પગ તળે પણ રેલો આવવાની શક્યતા સેવાઈ રહી છે.

Share it on
   

Recent News  
ટ્રાયલ શરૂ ના થયાના આધાર પર જામીન માગનારા જમીન કૌભાંડના આરોપીને ઝટકો
 
ગાંધીધામઃ વાહનોના ફિટનેસ ટેસ્ટ અને રી-પાસિંગ બદલ લાંચ લેતો કર્મચારી ઝડપાયો
 
માંડવીઃ રહેણાક મકાનમાં દરોડો પાડી LCBએ દેશી તમંચો, એરગન સાથે હથિયારો જપ્ત કર્યાં