|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના કુકમા ગામે રહેતી લેડી પોલીસ કોન્સ્ટેબલે પડોશમાં રહેતા સસ્પેન્ડેડ ફાયર ઑફિસર અનિલ મારુ પર હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો તળે ફરિયાદ નોંધાવેલી. ફરિયાદમાં કરાયેલા આરોપ અતિશયોક્તિપૂર્ણ જણાતાં હોવાનું કહીને ગુજરાત હાઈકૉર્ટે આરોપી અનિલ મારૂને નિયમિત જામીન પર મુક્ત કર્યો છે. ૧૭ ઓક્ટોબરના રોજ મારુ પર જખૌ પોલીસ મથકે ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ કર્યો હતો કે તે પોતાની સ્કોર્પિયો કારથી જતી હતી ત્યારે મારુએ તેને અટકાવીને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરીને, કારમાંથી બહાર ખેંચીને હુમલો કરવા સાથે છેડતી કરેલી. એટલું જ નહીં, તેની કારથી પોતાની કારને ટક્કર મારીને એસિડ એટેકની ધમકી આપેલી.
સામા પક્ષે, અનિલ મારુએ પણ બે દિવસ બાદ લેડી કોન્સ્ટેબલ, તેના પિતા અને ભાઈ પર વળતી ફરિયાદ નોંધાવી હતી.
તેમાં અનિલે આરોપ કરેલો કે તેણે આશાને અગાઉ રૂપિયા આપીને મદદ કરેલી. આશાએ વધુ એકવાર રૂપિયા માંગતા નાણાં આપવાનો ઈન્કાર કરતાં તેને ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને આરોપીઓએ માર માર્યો હતો.
હત્યાના પ્રયાસની કલમના તત્વો જણાતાં નથી
આ ગુનામાં અનિલ મારુની ધરપકડ થયાં બાદ સેશન્સ કૉર્ટે જામીન અરજી રીજેક્ટ કરતા મારુએ હાઈકૉર્ટના દ્વાર ખટખટાવ્યાં હતા. જેમાં આજે જસ્ટિસ નિખિલ કેરિયલે મારુના જામીન મંજૂર કરતાં જણાવ્યું કે અંગત સંબંધોમાં ખટાશ આવવાથી અતિશયોક્તિપૂર્ણ આરોપ થયાં હોવાનું જણાય છે. તપાસમાં સ્પષ્ટ થયું છે કે ફરિયાદી કોન્સ્ટેબલના ખાતામાં ૧.૭૭ લાખ જમા થયેલાં છે.
પ્રથમદ્રષ્ટિએ અરજદાર પર થયેલી ફરિયાદમાં હત્યાના પ્રયાસ (બીએનએસ ૧૦૯ (૧)ની કલમ હેઠળના તત્વો જણાતાં નથી.
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ કેરિયલે અગાઉની સુનાવણી વખતે તપાસકર્તા પોલીસ અધિકારીઓને પૂછ્યું હતું કે એક કોન્સ્ટેબલના બેન્ક ખાતામાં ત્રાહિત વ્યક્તિ દ્વારા આટલી મોટી રકમ તબદીલ થાય તો તેણે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાનો નિયમ છે કે કેમ? આ મામલે તમે તપાસ કરી છે? કારને સામાન્ય સ્ક્રેચ પડે તેમાં હત્યાના પ્રયાસની કલમ તળે ગુનો દાખલ થાય? ફરિયાદી પોલીસ કર્મચારી છે એટલે આ કલમ લગાડી છે? જસ્ટિસે હુકમ કરતા સ્પષ્ટતા કરી છે કે તેમના આ અવલોકન માત્ર પ્રાઈમાફેસી અને કેવળ આ જામીન અરજી પૂરતાં મર્યાદિત છે.
લેડી કોન્સ્ટેબલ પરની ક્રોસ FIRમાં ગંભીર કલમો ઉમેરાઈ
લેડી કોન્સ્ટેબલ આશા પાયણ અને તેના પિતા ગોવિંદભાઈ, ભાઈ વિશાલ વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમાં પોલીસે માત્ર હળવી કલમો લગાડી હોવાનો મારુએ આરોપ કરી ગુનાને અનુરુપ અન્ય ગંભીર કલમો ઉમેરવા રજૂઆત કરેલી. આ કેસમાં હાઈકૉર્ટે અખત્યાર કરેલા કડક વલણ દરમિયાન તાજેતરમાં માધાપર પોલીસે મારુએ નોંધાવેલી ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮ (રૂપિયા બાબતે બ્લેકમેઈલ કરવું), ૧૨૭ (બંધક બનાવવું), ૧૧૮ (૧) (હુમલો કરી ઈજા પહોંચાડવી) અને ૧૨૩ (ગુનો કરવાના હેતુથી ભેદી પદાર્થ ખવડાવવો પીવડાવવો)નો ઉમેરો કર્યો હતો.
બંને ફરિયાદો દાખલ કરવામાં અને તેની તપાસ કરવામાં માધાપરના પૂર્વ પીઆઈ ડી.એમ. ઝાલાની ભૂમિકા સંદિગ્ધ રહી હોવાનો પણ ગંભીર આરોપ થયો છે. પશ્ચિમ કચ્છ પોલીસની તટસ્થતા અને શાખ સામે સવાલો સર્જતા આ પ્રકરણમાં ઝાલા સામે ઉચ્ચ સ્તરેથી કડક પગલાં લેવાય તેવી શક્યતા છે.
Share it on
|