|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ખાણ ખનિજ વિભાગ બાદ હવે ભુજમાં બે સમાજ કલ્યાણ નિરીક્ષક લાંચ લેતાં એન્ટી કરપ્શન બ્યૂરોના છટકામાં આબાદ સપડાયાં છે. ભુજ એસીબી પોલીસ સ્ટેશને ભુજના બહુમાળી ભવનમાં ટ્રેપ ગોઠવીને આસિફ મુસ્તફા કુરેશી (ઉ.વ.૨૮) અને કાનજી અરવિંદભાઈ ભટ્ટી (ઉ.વ. ૩૨)ને ચાર હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યાં છે. બંને જણ કરાર આધારીત કર્મચારી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મંજૂર થયેલાં મકાન માટે મળતી સહાયના અલગ અલગ હપ્તા જમા કરાવી આપવા પેટે બેઉ જણે અરજદાર પાસે ૪ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
અરજદારે આ અંગે ભુજ એસીબીને ફરિયાદ આપતાં પીઆઈ જે.જે. ચૌધરી અને સ્ટાફે છટકું ગોઠવી બેઉને રંગેહાથ દબોચી લીધાં છે.
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉ ભુજમાં એસીબીએ ખાણ ખનિજ કચેરીના કરાર આધારીત IT એક્ઝિક્યુટીવને વચેટિયા મારફતે ૫૦ હજારની લાંચ લેતા ઝડપ્યો હતો.
ટૂંકા ગાળામાં ACBની ઉપરાછાપરી બબ્બે સફળ ટ્રેપથી લાંચિયા અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
Share it on
|