click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Kutch -> Gujarat ATS and ICG busts Cocaine smuggling racket at Mundra
Wednesday, 27-May-2026 - Bhuj 14947 views
અંધકારમાં દરિયામાં કોથળા ફેંકાયા ને ATS ICGના કાફલાએ ૧૧૫૦ કરોડનું કોકેઈન ઝડપ્યું
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંદરાના ખાનગી CFSમાંથી ૧૮૨ કરોડનું જિહાદી ડ્રગ્ઝ તરીકે પ્રચલિત કેપ્ટાગોન ડ્રગ્ઝ ઝડપ્યાના પખવાડિયાની અંદર ગુજરાત ATSએ ૧૧૫૦ કરોડનું ૧૧૮.૯૭ કિલોગ્રામ કોકેઈન ઝડપ્યું છે. બાતમીના આધારે ATSએ ભારતીય તટરક્ષક દળ અને પશ્ચિમ કચ્છ SOGની મદદથી ગત મધરાતે મુંદરા પોર્ટથી પાંચ કિલોમીટર દૂર આઉટર એન્કરેજમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને આ મહત્વની સફળતા મેળવી છે.
અંધારામાં દરિયામાં કોથળા ફેંકાયા ને પોલીસને ખબર પડી ગઈ

પાકિસ્તાનના કરાચીથી મુંદરા આવી રહેલા એક કન્ટેઈનર શીપમાં ડ્રગ્ઝ હોવાની અને ભારતમાં તેની ડિલિવરી થવાની હોવાની બાતમીના પગલે ATSએ કોસ્ટગાર્ડની મદદથી રાતના અંધારામાં પોર્ટ પર લાંગરવાની રાહમાં આઉટર એન્કરેજ એરિયામાં રહેલા જહાજોની સઘન તપાસ હાથ ધરી હતી.

તપાસ સમયે રાતના અંધારામાં એક શીપમાંથી અચાનક દરિયામાં કોઈક ચીજ વસ્તુ ફેંકાતી હોવાનો અવાજ સંભળાતાં સૌ સતર્ક થઈ ગયાં હતા.

MV યુરોપ નામના કન્ટેઈનર શીપમાંથી આ વસ્તુઓ ફેંકાઈ હોઈ પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો. પોલીસને આવતી જોઈ શીપમાં રહેલો એક શખ્સ પણ કૂદકો મારીને દરિયાના પાણીમાં ગરક થઈ ગયો હતો.

પાંચ કોથળામાંથી કોકેઈનના ૧૧૫ પેકેટ મળ્યાં

તપાસ કરી રહેલી ટીમે તુરંત દરિયામાં ફેંકાયેલા ડ્રગ્ઝના છ કોથળા પૈકી પાંચ કોથળા જપ્ત કરી લીધા હતા. આ કોથળાઓમાંથી ૧૧૮.૯૭ કિલોગ્રામના કોકેઈન ડ્રગ્ઝના ૧૧૫ પેકેટ જપ્ત કર્યાં હતા. આંતરરાષ્ટ્રીય કિંમત મુજબ જપ્ત થયેલા ડ્રગ્ઝનું મૂલ્ય ૧૧૫૦ કરોડ રૂપિયા હોવાનું ઈન્ડિયન કોસ્ટગાર્ડે જાહેર કર્યું છે.

દરિયામાં કૂદી પડેલો વિદેશી યુવક પાણીમાં ગરકાવ

ATSની આ મહત્વની સફળતા અંગે ગુજરાતના પોલીસ વડા કે. લક્ષ્મી નારાયણ રાવે જણાવ્યું કે શીપમાં સવાર આફ્રિકન દેશ તાન્ઝાનિયાના નાગરિક જુમા નાસિર ઓમરને પકડી લેવાયો છે. દરિયામાં કૂદી પડેલો શખ્સ જુમાને નામનો યુવક હતો. સમુદ્રમાં ફેંકી દેવાયેલા કોકેઈનનો છઠ્ઠો કોથળો અને દરિયામાં કૂદી પડેલાં જુમાનેની શોધખોળ કરવા ભારે પ્રયાસો હાથ ધરાયાં છે પરંતુ કોઈનો પત્તો મળ્યો નથી.

કોથળાઓ પર એપલ એરટેગ લગાડાયેલાં 

જપ્ત થયેલાં કોકેઈનના કોથળાઓ પર ચાર એપલ એરટેગ લગાડાયેલાં હતા. ખોવાયેલી ચીજવસ્તુ ક્યાં પડી છે તે જાણવા માટે એપલ એરટેગનો ઉપયોગ થાય છે.

એપલ એરટેગ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ છે, તે GPS ટેકનોલોજીનો નહીં પરંતુ બ્લૂટૂથ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

આ એરટેગ સતત બ્લૂટૂથ લૉ એનર્જી સિગ્નલ છોડ્યાં કરે છે અને આઈફોન, આઈપેડ કે મેક જેવી સિસ્ટમ મારફતે તેને એકદમ સચોટ રીતે ટ્રેક કરી શકાય છે. શીપમાંથી બે ગાર્મિન GPS અને સેટેલાઈટ કૉમ્યુનિકેટર્સ પણ જપ્ત કરાયાં છે. ગાર્મિન GPS સેટેલાઈટ આધારીત નેવિગેશન સિસ્ટમ છે અને ભારતમાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે.

બ્રાઝિલમાં નવેમ્બર ૨૦૨૫માં ડ્રગ્ઝ લોડ કરાયેલું

ડૉ. રાવે જણાવ્યું કે ઝડપાયેલાં જુમા નાસિર ઓમરની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે સાયપ્રસ દેશનો ફ્લેગ ધરાવતા આ જહાજના મોટર રૂમમાં નવેમ્બર ૨૦૨૫થી ડ્રગ્ઝનો જથ્થો છૂપાવાયો હતો. કોકેઈનનો જથ્થો બ્રાઝિલથી લોડ કરાયો હતો. ત્યારબાદ આ શીપ લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને કરાચી થઈ ગુજરાતના મુંદરા આવ્યું હતું.

દિલ્હીથી બે વિદેશી નાગરિકની ધરપકડ

કોકેઈનનો જથ્થો મુંદરાથી દિલ્હી મોકલવાનો હતો. દિલ્હીમાં રહેતા બે વિદેશી નાગરિકોને માલ મળવાનો હતો. જેના પગલે ATSએ દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી કેલ્વિન ચુકવુમા નામના નાઈજીરીયન યુવક અને યુગાન્ડાના બાયરુહાંગા જેમ્સ નામના યુવકની ધરપકડ કરી લેવાઈ છે. બેઉને વિશેષ પૂછપરછ માટે દિલ્હીથી અમદાવાદ લવાઈ રહ્યાં છે.

જહાજના મોટર રૂમમાં ડ્રગ્ઝ છૂપાવાયું હતું

પોલીસને આશંકા છે કે કસ્ટમની તપાસમાં પકડાઈ જવાય નહીં તે માટે ડ્રગ્ઝનો જથ્થો કન્ટેઈનરમાં નહીં પરંતુ મોટર રૂમમાં છૂપાવાયો હતો. દરિયામાં નાની બોટમાં ડ્રગ્ઝ ઠાલવીને લઈ જવાનું હશે. તપાસ એજન્સીથી બચવા કદાચ દરિયામાં પેકેટ નાખી દેવાય તો પાછળથી એપલ એરટેગની મદદથી તેને લોકેટ કરી રીકવર કરી લેવાનો પ્લાન હશે. ડ્રગ્ઝની આ હેરાફેરીમાં મુખ્ય સૂત્રધારો કોણ છે તે અંગે આરોપીઓની સઘન પૂછપરછમાં ભેદ ખૂલવાની શક્યતા છે.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત