કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચકચારી સોપારી તોડકાંડમાં ચાર પોલીસકર્મીઓ સહિત ૬ જણ સામે દાખલ થયેલી ફોજદારી ફરિયાદના પગલે સમગ્ર પ્રકરણને લઈ તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાંક તેને પોલીસની નિષ્પક્ષ કામગીરી માની રહ્યાં છે. જો કે, કેટલાંક લોકો તોડકાંડમાં સામેલ કહેવાતાં મોટાં માથાંઓને છાવરી લેવાયાં હોવાની ગોસિપ કરી રહ્યાં છે. અત્યારસુધી એવું મનાતું હતું કે દાણચોરીથી ભારતમાં ઘૂસાડાયેલી સોપારી અથવા કોઈ શંકાસ્પદ પદાર્થનું પરિવહન થતું હતું ત્યારે પોલીસે ટ્રકી પકડી. પાર્ટીએ ૩.૭૫ કરોડ રૂપિયા આપી મામલો તત્સમય પૂરતો રફેદફે કરી દીધો. માલ સગેવગે થઈ ગયાની પાકી ખાતરી પછી તોડની રકમ પાછી મેળવવા માટે અરજીનો પેંતરો થયો. આ પેંતરામાં કહેવાતા યુવા નેતાએ ભજવેલી ભૂમિકા પાછળની મંશા અંગે પણ શંકાઓ ઉપસ્થિત થયેલી. પરંતુ, એફઆઈઆર દાખલ થયા બાદ તોડકાંડમાં નવો વળાંક આવ્યો છે.
ફરિયાદ બાદ પણ કેટલાંક મહત્વના મુદ્દા ભારે ચર્ચાસ્પદ બન્યાં છે, જાણો મુદ્દાસર
♦ફરિયાદીના જણાવ્યા મુજબ સોપારીનો જથ્થો મુંદરાની મોહિત એન્ટરપ્રાઈઝ નામની પેઢીનો હતો, જે તેના ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવ્યો હતો. જો ફરિયાદીને સોપારીના જથ્થા સાથે કશી લેવા-દેવા નહોતી તો ગોડાઉન સીલ થવાની વાતથી તે ડરી શા માટે ગયો?
♦પોલીસે ગોડાઉનમાંથી સોપારી ભરીને લઈ જતી ટ્રકને મુંદરાના ઝીરો પોઈન્ટ પાસે પકડેલી. ટ્રકમાં ભરેલી સોપારીનું મૂલ્ય ૧ કરોડ ૫૪ હજાર રૂપિયા હતું. ૧ કરોડની સોપારી ભરેલી ટ્રકને જવા દેવા માટે કોઈ ૩.૭૫ કરોડ રૂપિયા આપવા તૈયાર થાય? ટૂંકમાં, ગોડાઉનમાં સોપારીનો મોટો જથ્થો હોવાની, સોપારીનો જથ્થો દાણચોરીથી આયાત કરાયાની અને આખું પ્રકરણ બહાર ના આવે તે માટે ૩.૭૫ કરોડ રૂપિયા ચૂકવાયાં તે ચર્ચા વધુ ઘેરી બની છે
♦ફરિયાદી કસ્ટમ ક્લિયરન્સ અને વેરહાઉસીંગની કંપની ધરાવે છે, ત્યારે સોપારીનું કસ્ટમ ક્લિયરન્સ ક્યારે થયેલું, કઈ પેઢીએ કરાવેલું તે મુદ્દે પણ તપાસ થાય તો સ્મગલિંગથી સોપારી આવી હોવાના થઈ રહેલા તર્કવિતર્કો પર પૂર્ણવિરામ આવી જાય
♦પોલીસને પતાવટ પેટે ૩.૭૫ કરોડ રૂપિયા ચૂકવાયાં તેના અઢી મહિને ખોટી રીતે પૈસા પડાવાયાં હોવાની જાણ થતાં ફરિયાદીએ રેન્જ આઈજીને આ મામલે અરજી આપેલી. આ ‘જાણ’ કોણે કરેલી તે મામલે ફરિયાદમાં કોઈ વિશેષ સ્પષ્ટતા નથી
♦૨૭ જૂને આપેલી અરજી મામલે ડીસાના DySP ચાર ચાર મહિના સુધી તપાસ કરતાં રહ્યાં અને અચાનક ગઈકાલે ૧૦ ઓક્ટોબરે વિધિવત્ FIR દાખલ થઈ. સામાન્યતઃ પોલીસ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરે તો તેની સામે તપાસ કરી પૂરાવા સાથે ચાર્જશીટ દાખલ કરવાનો સમયગાળો પણ મહત્તમ બે મહિનાનો હોય છે.
♦પોલીસ કર્મચારીઓએ કર્મચારીનું અપહરણ કરીને, શેઠને ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ કરોડની ખંડણી માંગી તે આરોપ જ ખૂબ ગંભીર છે, રક્ષકે જ્યારે ભક્ષકની ભૂમિકા ભજવી હોય ત્યારે ચાર ચાર મહિના સુધી ફરિયાદ દાખલ કરવામાં થયેલો વિલંબ ગળે ઉતરે તેવો નથી. ખરેખર તો અનિલ પંડિત તત્કાળ ફરિયાદ નોંધાવવા તૈયાર નહોતો તો પોલીસે તત્કાળ સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કરવાની જરૂર હતી
♦અનિલ પંડિતે ફરિયાદમાં પંકજ ઠક્કર નામના શખ્સને મિત્ર તરીકે ગણાવ્યો છે. પંકિલના પિતા સુનીલે થોડાંક માસ અગાઉ વાયરલ કરેલી ઑડિયો ક્લિપમાં અનિલ પંડિત પંકજ ઠક્કરનો માણસ હોવાનો આરોપ કરેલો. પંકજ ઠક્કર સ્મગલિંગના કેસોનો આરોપી છે. તોડકાંડમાં પંકજ ઠક્કરે ફરિયાદીના મિત્ર તરીકેની સક્રિય ભૂમિકા ભજવેલી છે
♦સોપારી કઈ પેઢીની હતી, કોને મોકલાતી હતી તે અંગે ટેક્સ ઈનવોઈસ અને ઈ-વે બીલ સાથેના પૂરાવા જોડાયાં છે. પરંતુ, ૩.૭૫ કરોડ રૂપિયાની ચૂકવણીમાં આટલી મોટી રકમ કયા અધિકૃત સોર્સમાંથી મેળવીને અપાયેલી તે અંગેની મની ટ્રેઈલ સ્પષ્ટ થતી નથી.
Share it on
|