|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગાંજો, ચરસ સહિતના માદક પદાર્થોના સેવન માટે વપરાતાં રોલીંગ પેપર, સ્મોકીંગ કોનના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર ગૃહ વિભાગે પ્રતિબંધ મૂક્યા બાદ કચ્છભરમાં પોલીસે ઠેર ઠેર દરોડા પાડ્યાં છે. ગઈકાલે ગાંધીધામમાં ચાર દુકાનોમાં દરોડા પાડીને પોલીસે આ રોલીંગ પેપર અને કોનનો જથ્થો જપ્ત કર્યો હતો. દરમિયાન, લાકડીયાથી લઈને માંડવી, મુંદરામાં વધુ દસ દુકાનદારો પાસેથી આવા પ્રતિબંધિત પેપર અને કોનનો જથ્થો સીઝ કર્યો છે. જે રીતે, ઠેર ઠેર આ પ્રતિબંધિત પેપર અને કોનનું વેચાણ થતું હતું તે જોતાં કચ્છમાં કેટલી ભયાનક હદે ડ્રગ્ઝનું દૂષણ વ્યાપી ગયું છે તેનો પણ સ્પષ્ટ પુરાવો મળી રહ્યો છે.
ભચાઉમાં ત્રણ વેપારી ઝડપાયાં
ભચાઉમાં જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલા હબીબ પાન સેન્ટરમાં દરોડો પાડીને પોલીસે ૩૬ નંગ રોલીંગ કોન (કિંમત રૂ. ૫૪૦) ૮૧ રોલીંગ પેપર (કિંમત રૂ. ૮૧૦) અને ગોગો બ્રાન્ડના ૪૫ નંગ રોલીંગ પેપર (કિંમત રૂ. ૪૫૦) મળી કુલ ૧૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી દુકાનદાર સદ્દામ હબીબ કુંભાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી છે. તો, નજીકમાં આવેલા એ-વન પાન સેન્ટરમાંથી ૧૦૬ નંગ ગોગો થ્રી પેપર (કિંમત રૂ. ૧૦૬૦), ૨૩ ગોગો કોન (કિંમત રૂ. ૩૪૫) અને ૧૩ નંગ ગોગો રોલીંગ પેપર (કિંમત રૂ. ૧૩૦) મળી કુલ ૧૫૩૫ રૂપિયાના મૂલ્યનો જથ્થો જપ્ત કરી મયૂર રામજી સોલંકી નામના દુકાનદાર સામે ફરિયાદ નોંધી છે. પોલીસે કસ્ટમ સર્કલ પાસે આવેલી રાઠોડ પાન નામની દુકાનમાંથી ૧૪ નંગ ગોગો પેપર (કિંમત ૧૪૦), ૪૮ રોલીંગ કોન (કિંમત ૭૨૦) અને ૩૦ નંગ રોલીંગ પેપર કોન (કિં. ૩૦૦) મળી કુલ ૧૧૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પ્રવિણ શામજી રાઠોડ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે.
મુંદરામાં બે વેપારી પાસેથી જથ્થો જપ્ત
મુંદરાના બારોઈ રોડ પર સ્ટેટ બેન્કની બાજુમાં આવેલી ગોપી સોડા શોપમાંથી પોલીસે ૫૦ ગોગો રોલીંગ પેપર (કિં. ૨૫૦૦) જપ્ત કરી દુકાનદાર યશપાલસિંહ ચંદુભા જાડેજા સામે કાર્યવાહી કરી છે. તો, નજીકમાં આવેલી ઉમિયા પાન નામની દુકાનમાંથી ૩૦ નંગ ગોગો કોન (કિં. ૧૫૦૦) જપ્ત કરી દીપક અરુણભાઈ ગોહિલ નામના દુકાનદાર સામે ગુનો નોંધ્યો છે.
♦લાકડીયામાં પોલીસે લખમસરી વિસ્તારમાં જય મેલડી નામની દુકાનમાં દરોડો પાડીને ૩૨ નંગ ગોગો કોન (કિં. ૩૨૦) ઝડપી વેપારી સવજી વીરજી કોલી સામે ગુનો નોંધ્યો છે.
♦ગાંધીધામ બી ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશનના ગેટ બહાર કેબિનમાં તપાસ કરીને ૧૩૮ નંગ ગોગો પેપર અને રોલ (કિં. ૧૩૮૦) ઝડપી મહેશ તારાચંદ લાલવાણી નામના વેપારી સામે કાર્યવાહી કરી છે.
♦આદિપુર પોલીસે કપિલમુનિ કોમ્પ્લેક્સમાં મૈત્રી ચા પાર્લર નામની દુકાનમાં દરોડો પાડીને ૨૨૪ નંગ ગોગો કોન (કિં. ૩૩૬૦) અને ૬૩૮ નંગ રોલીંગ પેપર (કિં. ૬૩૮૦) સાથે ગૌતમ શંકરભાઈ ખાંડેકા નામના વેપારી સામે કાર્યવાહી કરી છે
♦અંજાર પોલીસે મેઘપર બોરીચી મકલેશ્વર રોડ પર આવેલી રીલેક્સ પોઈન્ટ નામની દુકાનમાંથી ૪૭ નંગ ગોગો પેપર અને ૨૭ નંગ રોલીંગ પેપર (કિં. ૭૪૦) જપ્ત કરીને ધરમવીરસિંઘ માધવસિંઘ ચૌધરી નામના વેપારી સામે ગુનો નોંધ્યો છે
♦માંડવી પોલીસે માંડવી ભુજ હાઈવે પર આવેલા પ્રગતિ કોમ્પ્લેક્સમાં આવેલી ક્રિષ્ના પાન પાર્લરમાંથી ૫૬૦ નંગ ગોગો સ્મોકીંગ કોન (કિં. ૮૪૦૦) કબજે કરીને પ્રતાપદાન લહેરીદાન બારોટ નામના વેપારી સામે ગુનો દાખલ કર્યો છે.
કચ્છભરમાં પોલીસની કાર્યવાહી ચાલું છે ત્યારે હજુ પણ આ પ્રતિબંધિત પદાર્થનું વેચાણ કરતાં દુકાનદારો અને માલ ઝડપાય તેની શક્યતા છે.
Share it on
|