કચ્છખબરડૉટકોમ, રાપરઃ કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ છેલ્લાં બે દિવસમાં માર્ગ અકસ્માતની સર્જાયેલી ત્રણ દુર્ઘટનામાં કિશોર સહિત ચાર જણના અકાળે મૃત્યુ નીપજ્યાં છે. ગાગોદરમાં એક્સિડેન્ટની બે અલગ અલગ દુર્ઘટનામાં ભાવિ વરરાજા સહિતના ત્રણ યુવકો મોતને ભેટ્યાં છે. માનકૂવામાં ટ્રક ટ્રેલરે બાઈકને ઠોકર મારતાં ૧૬ વર્ષના કિશોર વયના ચાલકનું મોત નીપજ્યું છે. મેવાસા નજીક સામસામી બાઈક અથડાતાં બેનાં મોત
રાપર તાલુકાના ગાગોદરથી સામખિયાળી તરફ જતાં નેશનલ હાઈવે પર મેવાસા નજીક રવિવારે મધરાત્રે બે મોટર સાયકલ સામસામી ભટકાતાં બેઉના ચાલકોના મોત નીપજ્યાં છે. રાપરના ત્રંબૌ નજીક કારૂવાંઢનો હાજાભાઈ સામાભાઈ કોલી (૪૦) બાઈક પાછળ પરિચિત દિલીપભાઈ કાનજીભાઈને બેસાડીને હાઈવે પરથી જતો હતો ત્યારે રોંગસાઈડમાં બાઈક ચલાવી રહેલા મેવાસા ગામના બિપીન હિરાભાઈ સોલંકી (૨૧) સાથે તેમની બાઈક ટકરાઈ હતી. દુર્ઘટનામાં ગંભીર ઈજાથી હાજા કોલી અને બિપીન સોલંકીના મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે, દિલીપને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ગાગોદર પોલીસે હાજાના મોટાભાઈની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સસાધાર પાસે ટ્રીપલ બાઈક અકસ્માતમાં ૧નું મોત
રાપરની છોટાપર ગોલાઈથી આગળ સસાધાર નજીક આજે સવારે ૧૦ વાગ્યે એકસાથે ત્રણ બાઈકચાલકો ટકરાતાં સોમાણીવાંઢના ૨૨ વર્ષિય રાજેશ ભચુભાઈ કોલી નામના યુવકનું મોત નીપજ્યું હતું. અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે રાજેશના આગામી સપ્તાહે લગ્ન નિરધાર્યાં હોઈ તે અન્ય પરિચિતો સાથે કિડીયાનગર બાજુથી રાપર તરફ ખરીદી કરવા નીકળ્યો હતો. સૌ બે બાઈક પર જતા હતા, રાજેશ બાઈકની પાછળ બેઠો હતો. દરમિયાન, સસાધાર નજીક વાડીના ખાંચામાંથી અચાનક એક બાઈકસવાર સીધો રોડ પર આવી જઈને તેમને ટકરાયો હતો. ઘટના અંગે ગાગોદર પોલીસે તપાસ હાથ ધરી છે.
માનકૂવામાં ટ્રકની ઠોકરે સગીર બાઈકચાલકનું મોત
રવિવારે રાત્રે સાડા નવના અરસામાં માનકૂવા ગામે એમઆરએફ ટાયરના વર્કશોપ સામે ટ્રેલરે બાઈકને પાછળથી ટક્કર મારતાં નખત્રાણાના વડવા કાંયા ગામના ૧૬ વર્ષના ચેતન શાંતિલાલ કોલી નામના કિશોરનું છાતી અને માથાં પર ટાયર ફરી વળતાં મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બાઈક લઈને ચરિયાણ માટે નીકળેલાં પશુઓની દેખરેખ માટે નીકળ્યો હતો. નખત્રાણાથી ભુજ તરફ જઈ રહેલાં ભારે વાહને ટક્કર મારતાં તે બાઈક પરથી નીચે પટકાયો હતો અને ભારે વાહનના પૈડાં તળે કચડાઈ ગયો હતો. બનાવ અંગે મૃતકના પિતાએ માનકૂવા પોલીસ મથકે GJ-12 CT-8198 નંબરના ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|