|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં કૌટુંબિક સગાંના ઘરે બે માસ લાંબા રોકાણ દરમિયાન સગાંની ૧૪ વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મ આચરી પોતાની સાથે દિલ્હી ભગાડી જનારા યુવકને કૉર્ટે ૨૦ વર્ષનો સખ્ત કારાવાસ ફટકાર્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ૦૭-૦૫-૨૦૨૨ના રોજ ઉત્તર પ્રદેશના ૨૭ વર્ષિય અખિલેશ ગુરુચરણ શર્મા વિરુધ્ધ નોંધાયેલાં કેસમાં ભુજની પોક્સો કૉર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. કામ-ધંધાની શોધમાં ભુજ આવેલા અખિલેશ શર્માએ પોતે જે સંબંધીના ઘરે રોકાયેલો તે સંબંધીની દીકરી પર જ નજર બગાડી હતી.
બે માસના રોકાણ દરમિયાન તેણે સગીર બાળા સાથે મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરીને કોઈને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપેલી.
થોડાંક સમય બાદ પરિચિત મારફતે બાળાનું અપહરણ કરાવી, ઉદયપુર બોલાવી ત્યાંથી તેને દિલ્હી લઈ ગયેલો. દિલ્હીની એક હોસ્પિટલમાં રૂમ રાખીને દુષ્કર્મ આચરેલું. આ કેસમાં ૨૩ દસ્તાવેજી આધારો અને ૧૨ સાક્ષીઓની જુબાની તપાસીને ભુજની વિશેષ પોક્સો કૉર્ટના ખાસ જજ જે.એ. ઠક્કરે અખિલેશ શર્માને પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ દોષી ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે ૫૮ હજારનો દંડ ફટકાર્યો છે.
કૉર્ટે ઈપીકો કલમ ૩૬૩ અને ૩૬૬ હેઠળ પણ દોષી ઠેરવી અનુક્રમે ૩ અને પાંચ વર્ષની કેદની સજા અને આર્થિક દંડ ફટકાર્યો છે.
ઈપીકો કલમ ૩૭૬ હેઠળ પણ આરોપી દોષી ઠર્યો છે પરંતુ પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ સજા મળતાં અલગથી સજા નથી કરી. ગુનાનો ભોગ બનનાર બાળાને વળતર પેટે દંડની રકમ ઉપરાંત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત ૪ લાખ રૂપિયા ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને હુકમ કર્યો છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને સાક્ષીઓ તપાસી દલીલો કરી હતી.
Share it on
|