click here to go to advertiser's link
Visitors :  
26-Jul-2026, Sunday
Home -> Kutch -> Four dies in different road accidents in Kutch including toddler
Tuesday, 26-May-2026 - Bhuj 32226 views
કચ્છના માર્ગો પર કાળચક્ર ફર્યું: માસૂમ બાળક સહિત ચાર જણે અકાળે જીવ ગુમાવ્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના માર્ગો પર વધુ એકવાર કાળચક્ર ફરી વળતાં ચાર લોકોના અકાળે મૃત્યુ નીપજ્યાં છે. મૃતકોમાં એક વર્ષના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. ભચાઉમાં હિટ એન્ડ રનમાં શ્રમજીવી યુવકે જીવ ખોયો છે.
ચીરઈ પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત

ભચાઉના નાની ચીરઈ ગામે ફ્રીડમ પેટ્રોલ પંપ સામે રસ્તો ઓળંગી રહેલા ૩૦ વર્ષિય કમલેશ મોરારભાઈ કોલીને અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું છે. અકસ્માત સર્જનારો અજાણ્યો ચાલક વાહન સમેત સ્થળ પર ભાગી ગયો હતો. મરણ જનાર કમલેશ (રહે. મૂળ પલાંસવા, રાપર) નાની ચીરઈ નજીક નંદગામમાં રહેતો હતો અને મીઠાના કટ્ટા ઉતારવાની મજૂરી કરતો હતો. સોમવારે રાત્રે ૮ વાગ્યાના અરસામાં મજૂરીએથી પરત ફરતી વખતે પેટ્રોલ પંપ સામે આવેલી દુકાનેથી છોકરાંઓ માટે ખાવાનું લઈને ઘરે જવા રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. ગંભીર રીતે ઘાયલ કમલેશને સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું.

પિયાવા પાસે એક્સિડેન્ટઃ યુવકનું માથું વચ્ચેથી કપાઈ ગયું

માંડવી ભુજ હાઈવે પર પિયાવા પાસે કેનાલ નજીક મીની લોડીંગ ટેમ્પો-જીતો અને બાઈક વચ્ચે સર્જાયેલાં અકસ્માતમાં ગઢશીશા પાસે આવેલા નાની વિરાણી ગામના લહેરી નારાણભાઈ મહેશ્વરી (ઉ.વ. ૪૨)નું ગંભીર ઈજાથી સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. દુર્ઘટના એટલી ભયંકર હતી કે મૃતકની ખોપરી વચ્ચેથી કપાઈ ગઈ હતી. આજે બપોરે સાડા ત્રણથી ચારના અરસામાં દુર્ઘટના ઘટી હતી. કોડાય પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મરણ જનાર લહેરી નજીકની વાડીમાં મજૂરી કરતો હતો.

ચાંદ્રાણીમાં ટ્રેક્ટર નીચે માસૂમ બાળક ચગદાયું

અંજારના ચાંદ્રાણી ગામે નિર્માણાધીન મકાનમાં કડિયાકામ કરતા શ્રમજીવી પિતાએ એક વર્ષનો માસૂમ પુત્ર દુર્ઘટનામાં ગુમાવ્યો છે. સોમાભાઈ ભગોરા સોમવારે સાંજે કામમાં મશગૂલ હતા અને એક વર્ષનો પુત્ર હેમલ ટ્રેક્ટર પાસે રમતો હતો. દરમિયાન કોઈકે અચાનક ટ્રેક્ટર ચાલું કરી દેતાં હેમલ ટ્રેક્ટરના પૈડાં તળે ચગદાઈ જતાં મૃત્યુ પામ્યો હતો.

ખાવડા આર.ઈ. પાર્ક પાસે ડમ્પર-ટ્રેલરમાં ટક્કર

ખાવડા રીન્યૂએબલ એનર્જી (આર.ઈ.) પાર્ક નજીક પરોઢે પોણા ચાર વાગ્યે પવનચક્કીને લઈને રોંગસાઈડમાં આવી રહેલા ઓવર ડાયમેન્શનલ વાહન સાથે ધડાકાભેર ડમ્પર ટકરાતાં ડમ્પર ચાલક સંદિપકુમાર દિનેશચંદ્ર (ઉ.વ. ૩૦, મૂળ રહે. ઉત્તરપ્રદેશ)નું ગંભીર ઈજાથી સ્થળ પર તત્કાળ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો ડમ્પરની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સંદિપનો મૃતદેહ કેબિનમાં ફસાઈ ગયો હતો. મૃતક ગાંધીધામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને આરઈ પાર્કમાં મોરમ ખાલી કરીને પરત ગાંધીધામ જતો હતો ત્યારે કાળ ભેટી ગયો હતો.

Share it on
   

Recent News  
ગાંધીધામના મચ્છુનગર પુલિયા નજીક અડધા કરોડનો ઈંગ્લિશ દારૂ ભરેલું ટેન્કર પકડાયું
 
ભુજમાં ગેરકાયદે સગીર બાળકોને આશ્રય આપતી કેરળની સંસ્થાના સંચાલકને કૉર્ટનો ઝટકો
 
૧૪ વર્ષની બાળા પર દુષ્કર્મના ગુનામાં સામત્રાના યુવકને અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદ