કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં ચોતરફ બેફામ ખનિજ ખનન અને પરિવહન વચ્ચે ખાણ ખનિજ ખાતાની ફ્લાઈંગ સ્ક્વૉડની તવાઈ જારી રહી છે. સ્ક્વૉડે શુક્ર અને શનિવારે ત્રણ અલગ સ્થળે કાર્યવાહી હાથ ધરી એક એક્સકેવેટર, એક લોડર મશીન અને ૧૧ ડમ્પર સીઝ કર્યાં છે. ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક મેહુલ શાહે આપેલી વિગતો મુજબ ૧૭મીની રાત્રે ભચાઉના લાકડિયા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરીને અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઈના ક્લેનું પરિવહન કરી રહેલાં પાંચ ડમ્પર સીઝ કરવામાં આવ્યાં હતાં. શુક્રવારે સાંજે અન્ય એક ટીમે મુંદરાના બોરાણા ખાતે તપાસ હાથ ધરીને સાદી રેતીનું ગેરકાયદે ખનન અને વહન કરતા એક લોડર, એક ટ્રેક્ટર અને બે ડમ્પર સીઝ કર્યાં હતાં. તદુપરાંત, રોયલ્ટી પાસમાં દર્શાવેલાં જથ્થા કરતાં ગેરકાયદે ઓવરલોડ કપચી (બ્લેકટ્રેપ)નું વહન કરતું એક અન્ય ડમ્પર સીઝ કરવામાં આવ્યું હતું. શનિવારે ભુજના કાંઢવાંઢ ખાતે ગેરકાયદેસર સાદી રેતીનું ખનન અને પરિવહન કરવા સબબ એક એક્સકેવેટર મશીન, એક ડમ્પર, એક્સકેવેટર મશીનને લાવવા લઈ જવા ઉપયોગમાં લેવાતા એક ટ્રેલરને સીઝ કરવામાં આવ્યું હતું. તમામ લોકો સામે કાયદેસર દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે.
Share it on
|