click here to go to advertiser's link
Visitors :  
11-Jul-2025, Friday
Home -> Kutch -> Finally Congress lose Lakhpar and Abdasa Taluka Panchayat
Wednesday, 13-Sep-2023 - Bhuj 40861 views
કચ્છની બે તાલુકા પંચાયત પરથી કોંગ્રેસનો ‘પંજો’ હટાવી ભાજપે ‘કમળ’ ઉગાડ્યું
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છની દસમાંથી કેવળ બે તાલુકા પંચાયતો પૂરતી રહી ગયેલી સત્તા કોંગ્રેસે બાકીની અડધી ટર્મ માટે ગુમાવી દીધી છે. તાલુકા પંચાયતોના પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચૂંટણી ટાણે ભાજપના ‘ઓપરેશન લોટસ’ના પગલે કોંગ્રેસે લખપત અને અબડાસા તાલુકા પંચાયત ગુમાવી છે.

કચ્છની તમામ છ વિધાનસભા બેઠકો, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતમાં ઉગેલાં ‘કમળ’ સામે પશ્ચિમ છેવાડાની અબડાસા અને લખપત તાલુકા પંચાયતને ‘પંજા’ની પકડમાંથી મુક્ત કરવા ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ભાજપે ચોકઠાં ગોઠવવાનું શરૂ કરી દીધેલું. ઘરને સાચવવા કોંગ્રેસના જિલ્લાસ્તરના આગેવાનો જ નહીં અમદાવાદથી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ કચ્છ દોડી આવેલાં. છેલ્લી ઘડીએ ‘ઘીના ઠામમાં ઘી ઢળી જવાની’ કોંગ્રેસને આશા હતી પરંતુ આજે ચૂંટણી ટાણે ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ની આશંકા વાસ્તવિક્તામાં ફેરવાઈ ગઈ.

લખપતમાં કોંગ્રેસના બે સદસ્યનું ક્રોસ વોટીંગ

લખપત તાલુકા પંચાયતની ૧૬ બેઠકમાંથી ૯ બેઠક જીતીને અગાઉ કોંગ્રેસ સત્તા પર આવેલી. ૭ બેઠક સાથે ભાજપ વિપક્ષમાં બેઠેલો. જો કે, આજે પ્રમુખપદની ચૂંટણી ટાણે કોંગ્રેસના બે સદસ્યો ભચીબેન રબારી અને દિનેશ સથવારાએ ભાજપના ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટીંગ કરતાં ભાજપના ઉમેદવાર દયાબા જશુભા જાડેજા પ્રમુખપદે અને જુગરાજસિંગ સરદાર ઉપ પ્રમુખપદે ચૂંટાઈ આવ્યાં હતાં. કોંગ્રેસના ઉમેદવાર જેનાબેન પડીયારને ૭ મત મળ્યાં હતાં. ગઈકાલે ‘નો રીપીટ’ થીયરી પર પહેલાં પ્રમુખપદે સારાબાઈ કુંભારે ફોર્મ ભરેલું પરંતુ પાછળથી આગલી ટર્મના પ્રમુખ જેનાબેને પોતાને રીપીટ કરવા જીદ્દ પકડતાં તથા તેમની જીદ્દ ભારે પડી જવાની દહેશતથી કોંગ્રેસે જેનાબેનને મેન્ડેટ આપતાં જેનાબેને પણ પ્રમુખપદનું ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસે સારાબાઈ કુંભારને તો મનાવી લીધાં પણ ધારણા મુજબ અન્ય બે સદસ્યોએ ક્રોસ વોટીંગ કરીને ખેલ પાડી દીધો.

અબડાસામાં કોંગ્રેસના ત્રણ સભ્યે ખેલ પાડ્યો

અબડાસા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પૈકી ૧૦ બેઠકો સાથે સત્તાસ્થાને આવેલી કોંગ્રેસે આજે ત્રણ સભ્યોના બળવાથી સત્તા ગુમાવી છે. આજે પ્રમુખપદની ચૂંટણી ટાણે કોંગ્રેસના બે સભ્યો હુરબાઈ માંજોઠી અને મહાવીરસિંહ જાડેજાએ ભાજપના ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટીંગ કર્યું હતું જ્યારે શિવજીભાઈ મહેશ્વરી નામનો સભ્ય વ્હિપનો અનાદર કરીને ‘ઘેરહાજર’ રહ્યો હતો. જેથી પ્રમુખપદે ભાજપના મહાવીરસિંહ જાડેજા અને ઉપ પ્રમુખપદે રમીલાબેન ગજરા (ભાનુશાલી)નો બે મતની સરસાઈથી વિજય થયો હતો. ભાજપના ઉમેદવારને મળેલાં દસ મત સામે કોંગ્રેસના ઉમેદવારને સાત મત મળ્યાં હતાં.

બળવાખોરો સામે પક્ષાંતરધારાનું શસ્ત્ર ઉગામાશે

જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા પી.સી. ગઢવીએ ભાજપે સત્તાના જોરે કોંગ્રેસના સભ્યોને લલચાવી, ડરાવીને સત્તા મેળવી હોવાનો આરોપ કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ સાથે દ્રોહ કરનાર સભ્યો સામે પક્ષાંતર વિરોધી ધારાનું શસ્ત્ર ઉગામાશે તેમ જણાવી ભાજપે અબડાસા અને લખપતની જનતાએ કોંગ્રેસને આપેલા જનાદેશનો દ્રોહ કરી સત્તા મેળવી હોવાનો આરોપ કર્યો હતો.

Share it on
   

Recent News  
પાવર સરપ્લસ સ્ટેટના બણગાં! કચ્છમાં ઉદ્યોગોને નવા જોડાણ કે લોડ વધારો નથી મળતો
 
પ્રેમ પ્રકરણમાં લવ જેહાદનો મુદ્દો ઉછાળી નફરત ફેલાવતાં અસામાજિક તત્વોને ઓળખો
 
સ્પામાં યુવતીઓ સાથે છેડછાડ, એસિડ એટેક કરનારી અંજારની ત્રિપુટી ગુજસીટોકમાં ફીટ થઈ