કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં ગત ઑગસ્ટ માસમાં અમૂલ ડેરીનું દહીં આરોગ્યાં બાદ સેંકડો લોકોને ફૂડ પોઈઝનીંગ થઈ જવાની ઘટના અંગેનું રહસ્ય ઘેરાયું છે. કારણ કે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમૂલ ડેરીના દહીંને ક્લિનચીટ આપી છે. અમૂલના દહીંના સેમ્પલ્સનો રીપોર્ટ ‘નીલ’ આવ્યો છે, એટલે કે દહીંમાં કોઈ ખરાબી નહોતી, તે ખાવાલાયક હતું. અમૂલ દહીં જો ખાવાલાયક હતું તો પછી એકસાથે વિવિધ તાલુકાઓમાં સેંકડો લોકોને ઝાડા ઊલ્ટી થવાનું બીજું કયું કારણ હતું તે મુદ્દે સવાલ સર્જાયો છે. ગત ૧૮ ઑગસ્ટથી અમૂલનું દહીં આરોગનાર લોકોને ઝાડા ઊલટી થવાના કેસ પ્રકાશમાં આવતાં ફૂડ વિભાગે વિવિધ તાલુકા અને શહેરોમાંથી દહીંના સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું. ત્રણેક દિવસ સુધી વિવિધ વિસ્તારોમાંથી ઝાડા ઊલટીના સામૂહિક દર્દીઓ નોંધાવાનું શરૂ થતાં જિલ્લામાં ભારે દેકારો મચી ગયો હતો.
આરોગ્ય વિભાગે ૬૦૦ લોકો બીમાર પડ્યાં હોવાનો આંકડો જાહેર કરેલો. હકીકતે અનેક દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હોઈ સાચો આંકડો ઘણો ઊંચો હતો.
ઘટનાના પગલે અમૂલ ડેરીએ દહીં ખાવાલાયક હોવાનો દાવો કરીને દહીંનો કેટલોક જથ્થો માર્કેટમાંથી પાછો ખેંચી લીધો હતો.ફૂડ વિભાગે એક-બે દિવસમાં દહીંના સેમ્પલનો રીપોર્ટ આવી જવાનું કહેલું પરંતુ ભેદી કારણોસર સવા મહિનાના વિલંબ બાદ આ રીપોર્ટ જાહેર કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન વિભાગના કચ્છના ડેઝિગ્નેટેડ ઑફિસર અમિત પટેલે જણાવ્યું કે જે જે સ્થળે લોકો બીમાર પડ્યાં તે સૌના કિસ્સામાં અમૂલનું દહીં ખાધું હોવાની બાબત એકસમાન હોઈ દહીંના સેમ્પલ મેળવાયેલાં. પરંતુ, તમામનો રીપોર્ટ નીલ આવ્યો છે.
નિર્દોષ લોકો બીમાર પડ્યાં, અનેક લોકોને ખાનગી દવાખાનાઓમાં સારવાર માટે હજારો રૂપિયા ખર્ચવા પડ્યાં પણ તેઓ કોના પાપે બીમાર પડેલાં તેનો ભેદ અકબંધ જ રહ્યો છે.
જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં સમાન આ ગંભીર ઘટનાનું ખરું કારણ શું હતું તે રહસ્ય કદાચ કાયમ માટે રહસ્ય જ બની રહેશે. બોલો, ભારત માતા કી જય.
Share it on
|