કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના એરપોર્ટ રોડ પર ૧૯ વર્ષિય સાક્ષી ખાનિયા (ભાનુશાલી) નામની કોલેજ છાત્રાનું ગળું કાપી હત્યા કરવાના ગુનામાં પકડાયેલા સહ આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ૨૮-૦૮-૨૦૨૫ની સાંજે સાક્ષી કોલેજથી બહાર નીકળી ભુજ તરફ જતી હતી ત્યારે તેના ગાંધીધામના પડોશી મિત્ર મોહિત મુળજી સિધ્ધપુરાએ છરી વડે હુમલો કર્યો હતો. મુખ્ય આરોપી મોહિત અંજાર રહેતા મિત્ર જયેશ જેન્તીલાલ ઠાકોર જોડે બાઈક પર ભુજ આવેલો. સાક્ષી પર હુમલા સમયે જયેશ વચ્ચે પડતા મોહિતે જયેશને પણ છરી મારેલી અને તે ઘાયલ થયેલો. હત્યા કેસમાં જયેશે મોહિતને મદદ કરી હોવાના આરોપ સાથે તેને સહ આરોપી બનાવાયો હતો.
મોહિતની જામીન અરજી ફગાવી દેવાની રજૂઆત કરીને જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલ કરી હતી કે મોહિત સાક્ષી પર હુમલો કરવાનો છે તે અંગે તેને પહેલાંથી જ્ઞાન હતું.
♦ભુજ આવતા અગાઉ મોહિતે અંજારની એક દુકાનમાંથી છરી ખરીદેલી અને તે સમયે જયેશ સાથે હતો
♦બાઈક જયેશની માલિકીનું હતું
♦સાક્ષીએ મોહિતનો ફોન નંબર બ્લોક કરેલો હોઈ બનાવના દિવસે જયેશે તેના ફોન પરથી સાક્ષીને ત્રણથી ચાર ફોન કરેલાં.
♦બેઉ જણ ભુજની કોલેજમાં અંદર આવીને સાક્ષીનો ફોટો બતાવીને તેને શોધતા હતા. આમ, જયેશને પહેલાંથી જ મુખ્ય આરોપીના ઈરાદા અંગે જાણ હતી છતાં તેને ગુનો આચરવામાં સંપૂર્ણ મદદ કરી હતી.
સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ બંને પક્ષના ધારાશાસ્ત્રીઓની દલીલો, તપાસકર્તા અધિકારીની એફિડેવીટ વગેરે જોઈ સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને જયેશની અરજી ફગાવી દીધી છે. જો તેને જામીન પર છોડાય તો તે બહાર આવીને ગુનામાં પોતાની કોઈ ભૂમિકા નથી તેવું સાબિત કરવા ફરિયાદ પક્ષ અને સાક્ષીઓ પર દબાણ લાવવા પ્રયાસો કરી શકે છે તેની દહેશત વ્યક્ત કરીને કૉર્ટે ગુનાની ગંભીરતા અને સજાની જોગવાઈને અનુલક્ષીને અરજી ફગાવી દીધી છે.
Share it on
|