કચ્છખબરડૉટકોમ, ગઢશીશાઃ દિવાળીના સપરમા દિવસોમાં પશ્ચિમ કચ્છમાં સતત બીજા દિવસે હત્યાનો બીજો બનાવ બનતાં ભારે ચકચાર પ્રસરી ગઈ છે. નાણાંની લેતી દેતીના મનદુઃખમાં ઉશ્કેરાઈને એક મિત્ર કમ પાર્ટનરે બીજા મિત્રના ગળામાં છરી મારી દઈને ઘાતકી હત્યા કરી નાખી હોવાનો બનાવ બહાર આવ્યો છે. હત્યા બાદ કર્યા આરોપીએ સીધા પોલીસ મથકે જઈ આત્મસમર્પણ કરી દીધું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ માંડવી તાલુકાના કોડાય ગામે રહેતા વિજય મનુભાઈ વૈષ્ણવ (ઉ.વ. ૪૭)ની તેમના પાર્ટનર પરિમલ બિહારીલાલ પંડ્યાએ ઘાતકી હત્યા કરી નાખી છે. બેઉ જણ પાણી પુરવઠા અને નર્મદા નિગમમાં સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે ભાગીદારી પેઢી ધરાવતા હતા. બેઉ જણ વર્ષોથી એકમેકના ખાસ મિત્રો હતા અને કોડાય ગામે અડોશ પડોશમાં રહે છે.
આજે સવારે નવેક વાગ્યાના અરસામાં બેઉ જણ બોલેરોમાં બેસીને કામ અર્થે ગઢશીશા તરફ જવા નીકળ્યા હતા.
રસ્તામાં બેઉ વચ્ચે નાણાંની લેતી દેતીના હિસાબ મામલે માથાકૂટ થઈ હતી. જેમાં ઉશ્કેરાઈને પરિમલ પંડ્યાએ ગઢશીશા રાજપર રોડ પર રાજપર ગામની સીમમાં નિર્જન ખેતર બાજુ વિજય વૈષ્ણવના ગળામાં છરી મારી હત્યા કરી દીધી હતી.
મૃતક મિત્રને સ્થળ પર જ પડતો મૂકીને પરિમલ સીધો કોડાય પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતે પોતાના મિત્રની હત્યા કરી હોવાની જાણ કરી હતી.
ઘટનાસ્થળ ગઢશીશા પોલીસ મથકની હદમાં આવતું હોઈ ગઢશીશા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે સ્થળ પર દોડી જઈને વિજયના મૃતદેહને ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પરિમલને વિજય પાસેથી મોટી રકમ લેવાની નીકળતી હતી, જે મામલે ડખો થયો હતો.
ગઢશીશાના પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. ટાપરીયા સહિતના સ્ટાફે બનાવ અંગે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. ગઈકાલે નખત્રાણાના વિગોડી ગામે બેકાર પુત્રએ કામધંધો કરવા ઠપકો આપતાં સગાં પિતાની હત્યા કરી નાખ્યાના બીજા દિવસે હત્યાનો બીજો બનાવ બહાર આવતાં પોલીસ ખાતામાં દોડધામ મચેલી રહી છે.
Share it on
|