કચ્છખબરડૉટકોમ, ભુજઃ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પૂર્વ ખજાનચી અને પૂર્વ રાજ્યસભા સાંસદ ઈશ્વરલાલ શંકરલાલ જૈન લાલવાણીની મહારાષ્ટ્ર અને કચ્છમાં આવેલી ૩૧૫.૬૦ કરોડની સ્થાવર અને જંગમ મિલકતો EDએ ટાંચમાં લીધી છે. ૭૭ વર્ષિય લાલવાણીની જલગાઁવ, મુંબઈ, થાણે, સંભાજીનગરના સીલોદ અને કચ્છમાં પવનચક્કીઓ, જમીનો, સિલ્વર અને ડાયમંડ જ્વેલરી તથા બેનામી પ્રોપર્ટી સહિત ૭૦ પ્રોપર્ટી EDએ અટૅચ કરી છે. ઈશ્વરલાલ લાલવાણીની NCP સુપ્રીમો શરદ પવારના ખાસ માણસમાં ગણના થાય છે. લાલવાણી મહારાષ્ટ્રની રાજમલ લખીચંદ જ્વેલર પ્રા. લિ. નામની ફ્લેગશીપ કંપની ઉપરાંત R.L. Gold Pvt LTD, મનરાજ જ્વેલર્સ સહિત વિવિધ કંપનીના પ્રમોટર છે.
સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI)માંથી તેમની કંપનીએ ૩૫૨.૪૯ કરોડની લોન મેળવેલી. જે ભરપાઈ ના થતાં બેન્કે CBIમાં ફોજદારી ધારાઓ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
તપાસમાં ખૂલ્યું કે કંપનીના પ્રમોટરોએ ખોટાં દસ્તાવેજો રજૂ કરી બેન્કમાંથી લોન મેળવેલી અને ઑડિટરોની સાંઠગાંઠ થકી બોગસ ખરીદ વેચાણના દસ્તાવેજો ઊભાં કરીને નાણાંકીય વ્યવહારોમાં ‘રાઉન્ડ ટ્રીપીંગ’ કરી લોનની રકમ અન્ય ખાતાંઓમાં તબદીલ કરી ચોપડે ખોટ દર્શાવી હતી. તપાસમાં શૅલ (Shell) કંપનીઓમાં થયેલી નાણાંની હેરફેરના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરીંગ એક્ટ (PMLA) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગત ઑગસ્ટમાં આ ગૃપના અન્ય પ્રમોટર એવા ઈશ્વરલાલના પુત્ર મનીષ અને પુત્રવધૂની પણ પૂછતાછ કરાઈ હતી.
Share it on
|