કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં દેશી વિદેશી દારૂ સાથે ગાંજો, ભાંગ, એમડી જેવા ડ્રગ્ઝના છૂટક વેચાણની બદી પણ વધી રહી છે. ભુજમાંથી પોલીસે ૯૦ હજારની કિંમતના ૯ ગ્રામ એમડી ડ્રગ્ઝ સાથે એક યુવકની ધરપકડ કરી છે. અંજારમાં શાકભાજી કરિયાણાની દુકાનમાં ગાંજો અને ભાંગની ગોળીઓના છૂટક વેચાણનો પર્દાફાશ થયો છે.
ભુજમાં ૯૦ હજારના ૯ ગ્રામ MD સાથે એક ઝડપાયો
બાતમીના આધારે એસઓજીએ શહેરના ક્રિષ્ના વિજય પેટ્રોલ પંપવાળી ગલીમાં રેઈડ કરીને ઑટો રીક્ષામાં એમડી ડ્રગ્ઝનું છૂટક વેચાણ કરતા ઈબ્રાહિમશા ઓસમાણશા શેખડાડા (તાજવાણી) (ઉ.વ. ૩૫, રહે. શેખ ફળિયું, આલાવારા કબ્રસ્તાન પાસે, ભુજ)ને ૯૦ હજારના ૯ ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્ઝ સાથે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં ઈબ્રાહિમે જણાવ્યું કે નૌશાદ ઊર્ફે મોહસીન બકાલી સમા (કોડકી રોડ, ભુજ) સાથે ભાગીદારીમાં તે એમડીનું છૂટક વેચાણ કરે છે. ઝડપાયેલું એમડી ડ્રગ્ઝ નૌશાદે તેને વેચાણ માટે આપ્યું હતું.
અંજારમાં કરિયાણા સાથે ગાંજા ભાંગનું વેચાણ!
અંજારની વેલસ્પન કંપનીના ગેટ નંબર બે સામે આવેલી ગુરુકૃપા સોસાયટીથી આગળ શાકભાજી અને કરિયાણા સાથે બંધાણીઓને છૂટક ગાંજો અને ભાંગની ગોળીઓ વેચતા ભાવેશ ઊર્ફે ભેરારામ દેવાસી (રહે. મૂળ પાલી, રાજસ્થાન) નામના વેપારીને એસઓજીએ ઝડપી પાડ્યો છે. દુકાનમાંથી પોલીસે ૨૩ હજારના મૂલ્યનો ૨ કિલો ૩૦૦ ગ્રામ ગાંજો અને ૭૩૦૦ રૂપિયાની કિંમતની ૧૪ કિલો ૬૦૦ ગ્રામ વજનની ભાંગની નાની નાની ૨૯૨૦ નંગ ગોળીઓ ભરેલા ૭૩ પેકેટ કબજે કર્યાં છે.
ભાંગની ગોળીઓના પેકેટ પર ‘ઈન્દોરી દબંગ પાચક વિજયા વટી’ એવું લખાણ છપાયેલું છે!
ભાવેશ ઝીપલૉકવાળી પ્લાસ્ટિકની નાની નાની પડીકીઓમાં ગાંજા અને ભાંગનું છૂટક વેચાણ કરતો હતો. ગાંજો આપનાર તરીકે નિશાસિંગ (રહે. વરસામેડી)નું નામ ખૂલ્યું છે. જ્યારે ભાંગ કોઈક અજાણ્યો શખ્સ દુકાન પર રૂબરૂ આવીને આપી જતો હતો. ભાવેશ પાસેથી ભાંગ આપનાર શખ્સનો મોબાઈલ નંબર મળ્યો છે. એસઓજી પીઆઈ ડી.ડી. ઝાલાના માર્ગદર્શનમાં ત્રણે વિરુધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો છે.
બોલેરોના ચોરખાનામાંથી ૪૬૨ બિયર ટીન જપ્ત
બાલાસર પોલીસે બોલેરોના ચોરખાનામાં છૂપાવીને બિયરના ટીન લાવી રહેલા રાપરના બે યુવકોની ધરપકડ કરીને ૧ લાખ ૧૬૪૦ રૂપિયાની કિંમતના ૪૬૨ નંગ બિયર ટીન કબજે કર્યાં છે. બાતમીના આધારે બાલાસર પીએસઆઈ વી.એ. ઝા અને સ્ટાફે મૌવાણા ચેકપોસ્ટ પર બોલેરો અટકાવીને બિયરનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે ભરત હરજીભાઈ ચાવડા (રહે. પ્રાગપર, રાપર) અને નવીન રાધુભાઈ ચાવડા (રહે. હેલિપેડ વિસ્તાર, રાપર) વિરુધ્ધ પ્રોહિબિશનની ધારાઓ તળે ગુનો દાખલ કર્યો છે.
ભચાઉમાં પોલીસે ૧૧ બાટલી સાથે ‘છૂટકિયો’ ઝડપ્યો
ભચાઉ પોલીસે ગત રાત્રે ભવાનીપુર નાળા પાસે એક્ટિવા પર ૧૪ હજાર ૩૦૦ રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂની ૧૧ બાટલીઓ લઈ જઈ રહેલા બળવંત ભચુભાઈ મણકા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. બળવંતે શરાબનો જથ્થો મોરગરના આમદ ઊર્ફે ભટ્ટીડો હુસેન રાયમા પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા ભચાઉ પોલીસે બેઉ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.
Share it on
|