click here to go to advertiser's link
Visitors :  
26-Jul-2026, Sunday
Home -> Kutch -> Cruel Parents Burn Bite and Slam Daughters Head Child Suffers Hemorrhage
Thursday, 14-May-2026 - Bhuj 53091 views
હે ભગવાન! સગી જનેતા અને સાવકા પિતાએ માસૂમ દીકરીને બીડીના ડામ આપી બચકાં ભર્યાં
કચ્છખબરડૉટકોમ, માધાપરઃ માધાપર જૂનાવાસની એક સોસાયટીમાં બહાર આવેલી ઘટનાએ સૌ કોઈના હૃદય હચમચાવી દીધાં છે. સગી જનેતા અને સાવકો પિતા બે વર્ષની માસૂમ દીકરીને મારી નાખવા છેલ્લાં પાંચ માસથી ઘરના દરવાજા બંધ કરીને અસહ્ય ત્રાસ આપી રહ્યાં હતા. પડોશીઓને બંધ દરવાજા પાછળથી કેવળ માસૂમ બાળકીનો ચિત્કાર અને બૂમો જ સંભાળાતાં હતા. જો કે, બુધવારે બપોરે માસૂમનો આર્તનાદ સાંભળીને પડોશીઓથી ના રહેવાયું. ફોન કરીને પોલીસ અને એમ્યુલન્સને બોલાવ્યાં બાદ હચમચાવી નાખે તેવી ઘટના બહાર આવી.
મેરી બેટી હૈ, મેં જો ચાહે કરું, આપકો ક્યા?

માધાપરની આ સોસાયટીમાં છેલ્લાં પાંચ-છ માસથી ઉત્તરપ્રદેશનું એક યુગલ બે વર્ષની બાળકી સાથે રહેવા આવેલું. પતિ ટ્રક ડ્રાઈવીંગ કરે છે. થોડાંક દિવસો બાદ અવારનવાર ઘરના બંધ દરવાજા પાછળથી પડોશીઓને માસૂમ બાળકીની દર્દનાક ચીસો અને રૂદનના અવાજો સંભળાવા માંડ્યા હતા. પડોશીઓ પૂછે તો માતા ‘મેરી બેટી હૈ, મેં ઔર મેરા શૌહર જો ચાહે કરેં, આપ કો ક્યા?’ કહીને મોઢું તોડી લેતી.

માસૂમના ચિત્કારો સાંભળી પડોશીઓથી ના રહેવાયું

બુધવારની બપોરે બે વાગ્યાના અરસામાં તો જાણે હદ થઈ ગઈ. માસૂમ દીકરીના ચિત્કારો સાંભળીને પડોશીઓથી રહેવાયું નહીં. સૌએ એકઠાં થઈને ઘરનો દરવાજો ખોલ્યો તો અંદર માસૂમ બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં અસહ્ય પીડાથી રડતી કણસતી જોવા મળેલી. પડોશીઓએ પોલીસને જાણ કરતાં માધાપરના મહિલા પીઆઈ એ.કે. જાડેજા તેમની ટીમ સાથે પહોંચી ગયાં. બાળકીને જોઈને જ સૌ પામી ગયાં કે દીકરી પર અસહ્ય ત્રાસ ગુજારાયો છે. તેને તત્કાળ એમ્બ્યુલન્સમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ.

શરીરે ઠેર ઠેર બીડીના ડામ, બચકાં ભરાયેલાં

બાળકીની હાલત જોઈને સારવાર કરનાર નર્સો અને તબીબોના હાથ પણ ધૃજી ઉઠ્યાં. બાળકીને જમીન પર સૂવડાવીને થાપા અને પીઠમાં ઠેર ઠેર બીડીના ડામ અપાયેલાં. થાપા અને હોઠ પર બચકાં ભરાયેલાં. માતાએ બાળકીનું માથું દિવાલમાં ભટકાવતાં કપાળના ભાગે હેમરેજ થઈ ગયેલું. બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પિતા વિકૃત માનસનો છે, મા પણ સાથ આપતી

ઘટના અંગે પડોશમાં રહેતી મહિલાએ હિંમતપૂર્વક બાળકીના માતા પિતા સામે ફરિયાદ નોંધાવી છે. ગુનાની તપાસ કરી રહેલાં પીઆઈ એ.કે. જાડેજાએ જણાવ્યું કે બાળકીની માતાએ બીજા લગ્ન કરેલાં છે. આગલા પતિથી તેને ત્રણ બાળકીઓ થયેલી છે. બે મોટી બાળકીઓ યુપીમાં મહિલાની માતા પાસે રહે છે અને ત્રીજી સૌથી નાની બાળકીને તે સાથે લઈને આવી છે. તેના પતિને પણ અગાઉના લગ્નથી ત્રણ સંતાનો છે અને આગલા ઘરની પત્ની-બાળકો સૌ યુપી રહે છે.

વિકૃત સ્વભાવના સાવકા પિતાને માસૂમ બાળકી આંખમાં કણાંની જેમ ખટકતી રહેતી હતી. જેથી તે અવારનવાર બાળકી પર નિર્દયતાથી અત્યાચાર ગુજારતો હતો. પતિને દીકરી ગમતી ના હોઈ સગી જનેતા પણ દીકરી પર ત્રાસ ગુજારતી હતી.

પોલીસે યુગલ વિરુધ્ધ સગી દીકરીની હત્યાના પ્રયાસ, પોક્સો એક્ટની કલમ ૯ (એમ) (એન) (આર) તથા ૧૦ તેમજ બાળ ન્યાય બાબત અધિનિયમની કલમ ૭૫ હેઠળ ગુનો નોંધીને બેઉની ધરપકડ કરી લીધી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામના મચ્છુનગર પુલિયા નજીક અડધા કરોડનો ઈંગ્લિશ દારૂ ભરેલું ટેન્કર પકડાયું
 
ભુજમાં ગેરકાયદે સગીર બાળકોને આશ્રય આપતી કેરળની સંસ્થાના સંચાલકને કૉર્ટનો ઝટકો
 
૧૪ વર્ષની બાળા પર દુષ્કર્મના ગુનામાં સામત્રાના યુવકને અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદ