|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેશના ગ્રામિણ વિસ્તારોમાં રોજગારનો અધિકાર આપતા ‘મનરેગા’ના સ્થાને ભારત સરકાર નવો કાયદો લાવતા કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન છેડ્યું છે. આજે કચ્છના પાટનગર ભુજમાં કોંગ્રેસે ધરણાં યોજ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ (મનરેગા)ના સ્થાને કેન્દ્રની મોદી સરકારે સંસદમાં વિકસીત ભારત (વીબી) ગેરન્ટી ફૉર રોજગાર એન્ડ આજીવિકા મિશન (જી રામજી) બહુમતિથી પસાર કર્યો છે. નવા કાયદામાં લોકોને વર્ષમાં ૧૨૫ દિવસ રોજગાર મળશે, જૂના કાયદામાં ફક્ત ૧૦૦ દિવસ રોજગારની ગેરન્ટી હતી તેવો કેન્દ્રનો દાવો છે.
જાણો કેમ કોંગ્રેસ કરી રહી છે વિરોધ
કોંગ્રેસે નવા કાયદામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવા સામે વિરોધ કરતાં જણાવ્યું છે કે મનરેગા હેઠળ તમામ ફંડ કેન્દ્ર સરકાર ચૂકવતી હતી પરંતુ નવા કાયદામાં હવે ૪૦ ટકા ફંડ રાજ્ય સરકારોને ચૂકવવાનું રહેશે.
પહેલાંથી જ મોટાભાગના રાજ્યો દેવાના બોજ તળે દબાયેલાં છે ત્યારે રાજ્ય સરકાર તરફથી ફંડ નહીં મળવાના સંજોગોમાં આ યોજના જ અમલી નહીં બને.
રાજ્ય સરકારો પર આર્થિક બોજ લાદવાનો હોય તેવા સંજોગોમાં બંધારણના આર્ટિકલ ૨૫૮ તળે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો સાથે પહેલાંથી પરામર્શ કરી તેમને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. પરંતુ, કેન્દ્ર સરકારે નવો કાયદો લાવતા અગાઉ કોઈ રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યો નથી અને બંધારણીય અધિકારનો પણ સરેઆમ ભંગ કર્યો છે.
સૌ માટે સમાન આજીવિકા છીનવાશેઃ હુંબલ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે મનસ્વી રીતે નવો કાયદો લાવીને ગરીબો, ખેડૂતો, મહિલાઓ, કામદારો, આદિવાસીઓ અને અન્ય સમુદાયના લોકોને મળતો રોજગાર છીનવવા પ્રયાસ કર્યો છે. દેશમાં દુષ્કાળ, અછત, પૂર જેવી આફતો સમયે મનરેગા કાયદામાં સૌ માટે સમાન આજીવિકા હતી જે છીનવાઈ જશે. ભાજપને ભ્રષ્ટાચારનું મોકળું મેદાન મળશે.
કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોએ સૂચક બેનરો રજૂ કરી પ્રજાને તેમની વાત પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.
Share it on
|