click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Kutch -> Community Election Turns Deadly 32 Charged in Armed Assassination Attempt at Samkhiyali
Friday, 27-Mar-2026 - Samkhiyali 73845 views
ભચાઉના રામપરમાં ૩૨ જણના ટોળાએ બંદૂકો, હથિયારો સાથે મધરાતે સરેઆમ આતંક મચાવ્યો
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ વાગડમાં પોલીસ તંત્રનું જાણે અસ્તિત્વ જ ના હોય તેવી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ધજાગરા ઊડાડતી વધુ એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. સમાજના પ્રમુખપદે બેસવાની હરીફાઈમાં એક જૂથે પ્રતિસ્પર્ધી જૂથના પરિવારને નિશાન બનાવી બંદૂક, પિસ્તોલ સહિતના ઘાતક હથિયારો સાથે રહેણાક મકાનો પર ધસી જઈને ફાયરીંગ, પથ્થરમારો, વાહનોમાં તોડફોડ કરી હુમલો હત્યાનો પ્રયાસ કર્યો છે.

બુધવારે મધરાત્રે બાર વાગ્યે ભચાઉ તાલુકાના રામપર ગામે હિંસક હુમલા સાથે તોડફોડનો બનાવ બન્યો હતો.

સમાજનો પ્રમુખ બનવા થનગનતાં શખ્સે કરાવ્યો હુમલો

રામપર ગામે રહેતા રામજી કેશરભાઈ મણકાએ સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના મોટાભાઈ લગધીરભાઈને સમાજના લોકો સમાજના પ્રમુખ બનાવવા માંગે છે. સામા પક્ષે નારણ રવા સંઘાર સમાજના પ્રમુખ બનવા થનગની રહ્યો છે. લગધીરભાઈનો ‘કાંટો’ કાઢી નાખવાના હેતુથી નારણ અને તેના મળતિયાઓએ હિંસક હુમલાનું કાવતરું ઘડ્યું હતું.

હિંસક હથિયારો સાથે ટોળાંનો આતંક, હત્યાનો પ્રયાસ

કાવતરાં મુજબ બુધવારે રાત્રે વિવિધ વાહનોમાં ત્રીસથી બત્રીસ જણનું ટોળું હાથમાં ધારિયા, ધોકા, તલવારો, કુહાડીઓ, જોટાવાળી દેશી બંદૂક, પિસ્તોલ, રિવોલ્વર વગેરે હથિયારો લઈને શિકરા ગામથી રામપર ગામ આવ્યું હતું. આ ટોળાંએ લગધીરભાઈની માતાને મુઢ માર મારી નારણભાઈ મઘાભાઈ સંઘારને પતાવી દેવાના ઈરાદે માથામાં ધારિયું મારી દીધું હતું.

ભૂંડી ગાળો ભાંડવા સાથે હાકલા પડકારા કરતાં લોહીતરસ્યાં ટોળાંને જોઈ સૌ ભયનાં માર્યાં ઘરના દરવાજા બંધ કરીને છૂપાઈ ગયાં હતા.

ટોળાંએ ચાર રાઉન્ડ ફાયરીંગ કરવા સાથે પથ્થરમારો કર્યો હતો. ઘરની બહાર પાર્ક કરેલી પાંચ કારોમાં પણ ભારે તોડફોડ કરી હતી. ટોળાંએ મચાવેલો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

આ ૨૮ જણ સામે ફરિયાદ દાખલ

બનાવ અંગે રામજી મણકાએ (૧) નારણ રવા સંઘાર (૨) વિરમ નારણ સંઘાર (૩) કરણ વેરા સંઘાર (૪) રામજી સના સંઘાર (૫) રાહુલ હોથી છુછીયા (૬) દિનેશ કાનજી સંઘાર (૭) જીગર રામજી સંઘાર (૮) સંજય લાખા શિણાય (૯) કિશન રાજેશ સંઘાર (૧૦) મનોજ જગા સંઘાર (૧૧) પપ્પુ ઊર્ફે દેશર રણમલ સંઘાર (૧૨) લાલજી ઊર્ફે ખીમજી સવા સંઘાર (૧૩) લાલજી કાનજી સંઘાર (૧૪) રાજેશ પપ્પુ ઊર્ફે દેશર સંઘાર (૧૫) અર્જુન પપ્પુ ઊર્ફે દેશર સંઘાર (૧૬) કરણ પપ્પુ ઊર્ફે દેશર સંઘાર (૧૭) નવીન પેથા શિયારીયા (૧૮) અલ્પેશ જગા સંઘાર (૧૯) વેરા ખીમા સંઘાર (૨૦) લખમણ સના સંઘાર (૨૧) આનંદ સુખદેવ મણકા (૨૨) ધનજી નારણ સંઘાર (૨૩) નરેન્દ્ર કાનજી સંઘાર (૨૪) હિરેન નારણ સંઘાર (૨૫) મહેશ વાઘા શિયારીયા (૨૬) વનરાજ વાઘા શિયારીયા (૨૭) સુરેશ જગા સંઘાર (૨૮) મયૂર રામજી સંઘાર (રહે. તમામ શિકરા, ભચાઉ) તથા અન્ય ત્રણથી ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

વિવિધ ભારેખમ કલમો તળે ગુનો દાખલ

ઘટના અંગે સામખિયાળી પોલીસે તમામ આરોપીઓ વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯ (૧) (હત્યાનો પ્રયાસ), ૧૧૫ (૨) અને ૧૧૮ (૧) (ઘાતક હથિયારો સાથે હુમલો કરવો, મહાવ્યથા), ૧૮૯ (૨) (સમાન હેતુ બર લાવવા ગેરકાયદે મંડળી બનાવવી, ૧૯૦, ૧૯૧ (૨) (૩) (ગેરકાયદે મંડળીમાં સામેલ થઈ હિંસક હથિયારો સાથે ધિંગાણું કરવું), ૩૨૪ (૪) પ્રોપર્ટીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવું, ૧૨૫ એ (બીજાનો જીવ જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક વાહનો હંકારવા), ૩૫૧ (૨) (૩) (મારી નાખવાની ધમકી આપવી), ૨૯૬ (ખ) (જાહેરમાં ભૂંડી ગાળો ભાંડવી), ૬૧ (૨) (ગુનાહિત કાવતરું રચવું), આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧-બી, એ) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

૨૧ હુમલાખોરોને દબોચી એક બંદૂક કબજે કરાઈ

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ૨૧ હુમલાખોરોને અટક કરી લેવાયાં છે, જેમાંથી ફાયરીંગ થયેલું તે જોટાવાળી બંદૂક કબ્જે કરાઈ છે. શેષ આરોપીઓ અને હથિયારો ઝડપી પાડવા પોલીસ ચોમેર દોડધામ કરી રહી છે. ઝડપાયેલાં આરોપીઓ પૈકી રામજી સના સંઘાર, રાહુલ હોથી છુછીયા, જીગર રામજી સંઘાર અને લખમણ સના સંઘાર વિરુધ્ધ અગાઉ મારામારી અને દેશી દારૂના વેચાણના વિવિધ ગુનાઓ દાખલ થયેલાં છે.

લોકલ ઈન્ટેલિજન્સ ફેઈલ્યોર, પ્રિવેન્ટીવ એક્શન ના લેવાયાં

સૂત્રોના મતે લાંબા સમયથી બેઉ જૂથ વચ્ચે પ્રમુખપદને લઈ ખેંચતાણ ચાલતી હતી અને ગમે ત્યારે હિંસક ઘટના આકાર પામે તેવી દહેશત હતી. ત્યારે આ ગંભીર ઘટનામાં પોલીસની લોકલ ઈન્ટેલિજન્સ ફેઈલ્યોર અને પ્રિવેન્ટીવ એક્શન લેવામાં પોલીસની નિષ્ફળતા છતી થઈ છે. આ બનાવ જ્યાં બન્યો તે આધોઈ ઓપીની હદમાં આવે છે. ગુનાની તપાસ સામખિયાળી પીઆઈ જે.એમ. ઝાલા કરી રહ્યા છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?