કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉમાં છેલ્લાં થોડાંક દિવસોથી વોટસએપ પર વાયરલ થયેલી સ્ત્રી-પુરુષના અંગત સંબંધોની વિડિયો ક્લિપ મુદ્દે છેવટે મહિલાએ તેના પતિ-પુત્ર અને સમાજના દબાણ બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આઘાતજનક બાબત એ છે કે વિડિયો ક્લિપમાં દેખાતાં સ્ત્રી-પુરુષ સંબંધે સાસુ-જમાઈ છે અને બંને જણે છેલ્લાં અઢી વર્ષ દરમિયાન પરસ્પરની સહમતિથી વારંવાર શરીર સંબંધો બાંધ્યા હતા! જો વિડિયો ક્લિપ વાયરલ ના થઈ હોત તો નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા સમાન આ બનાવ કદાચ ક્યારેય બહાર જ ના આવ્યો હોત! આધેડ વયની સાસુએ ભચાઉ પોલીસ મથકે તેના જમાઈ વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, મારી દીકરીની સગાઈની વાતચીત ચાલતી હતી તે સમયથી તે જમાઈના સંપર્કમાં આવી હતી. જમાઈ તેને અવારનવાર મોબાઈલ પર ફોન કરી બોલાવતો હતો. મોટર સાયકલ પર બેઉ જણ ભચાઉ આસપાસના ગામડાઓના નિર્જન વગડામાં જઈ એકમેકની સહમતિથી શરીર સંબંધો બાંધતા. હદ તો ત્યાં થઈ કે થોડાંક દિવસ અગાઉ એક સંબંધીના મરણ નિમિત્તે આયોજીત રાત્રિભજન વખતે ભેગાં થઈ ગયેલાં સાસુ-જમાઈએ ભજનને પડતું મુકી ગામના સીમાડે જઈને એકમેકની હવસને સંતોષી લીધી હતી! જમાઈએ આવી કેટલીક અંગત પળોને ‘યાદગીરી’ ખાતર તેના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી દીધી હતી. જે ગામ-સમાજમાં વાયરલ થતાં સાસુ-જમાઈના અંગત સંબંધોનો પર્દાફાશ થયો હતો. વાયરલ વિડિયોના પગલે સમાજ અને મહિલાના પતિ-દીકરાએ મહિલાને ઠપકો આપી વિડિયો વાયરલ થવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. જેથી ગઈકાલે મહિલાએ તેના જમાઈ વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67-એ મુજબ ફરિયાદ નોંધાવી છે. ભચાઉ પીએસઆઈ એમ.કે.ચૌધરીએ જણાવ્યું કે, મોબાઈલ પર આ વિડિયો કેવી રીતે અને કોણે વાયરલ કર્યો તે અંગે અમે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આરોપી જમાઈની અટક હજુ કરાઈ નથી. સાસુ-જમાઈની સેક્સ ક્લિપ અને નૈતિક અધઃપતનના આ કિસ્સો કચ્છભરમાં ચર્ચાસ્પદ બન્યો છે.
Share it on
|