કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવી તાલુકાના જખણિયા ગામના ચોકમાં ભુજના ૩૬ વર્ષિય યુવકને છરીના સંખ્યાબંધ ઘા મારી ઘાતકી રીતે રહેંસી નાખનારા ભુજના સાળા બનેવીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે માધાપર પાસેથી ઝડપી પાડ્યા છે. ભુજની આરટીઓ સાઈટના મઢી ફળિયામાં રહેતા ચિંતને આરોપીને અગાઉ ઉછીના આપેલા ૨૫ હજાર રૂપિયાની ઉઘરાણી કરતા તેની અદાવતમાં ઘાતકી હત્યા કરાઈ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. મરણ જનારે આરોપીને ઉછીના ૨૫ હજાર આપેલા
ભુજની આરટીઓ સાઈટ ખાતે રહેતા ફરિયાદી પ્રિયેન મહેશભાઈ ગોરે કોડાય પોલીસને જણાવ્યું કે મરણ જનાર ૩૬ વર્ષિય ચિંતન કિશોરભાઈ ગોર (રહે. મઢી ફળિયું, આરટીઓ સાઈટ) તેનો માસિયાઈ ભાઈ થતો હતો. ગઈકાલે ચિંતને માંડવી ફરવા જવાનું કહેતાં ફરિયાદી અને તેનો મિત્ર પ્રશાંત રાજગોર એમ ત્રણે જણ સાડા બારના અરસામાં પ્રશાંતની સ્વિફ્ટ કારથી માંડવી બીચ ફરવા ગયેલાં. બપોરે સવા ત્રણ વાગ્યે ભુજથી જીગર દીપકભાઈ ગોર (રહે. મઢી ફળિયું, આરટીઓ સાઈટ)નો ચિંતનને ફોન આવેલો.
ચિંતને અગાઉ તેને ઉછીના ૨૫ હજાર રૂપિયા આપેલા હોઈ ચિંતને જીગરને ‘પોતાના ઘરે પ્રસંગ હોઈ પૈસાની જરૂર છે’ કહીને રૂપિયા પરત માગ્યા હતા.
ચિંતને તેનો ફોન સ્પીકર મોડ પર રાખ્યો હોઈ બંનેની વાતચીત ફરિયાદી અને પ્રશાંત પણ સાંભળતા હતા. થોડીકવાર બાદ જીગરે ચિંતનને ફરી ફોન કરેલો અને ૨૦ રૂપિયા આપવાનું કહીને તેને જખણિયા બોલાવ્યો હતો.
કાવતરું ઘડીને જખણિયા બોલાવાયો
પાંચ વાગ્યે જખણિયા પહોંચતા જાહેર રોડ પર ચાની હોટેલ પાસે જીગર અને તેનો સાળો જય દીપક ગોર (રહે. આશાપુરાનગર, સરપટ નાકા બહાર, ભુજ) બેઉ સફેદ હ્યુન્ડાઈ વેન્યૂ કાર લઈને ઉભેલાં નજરે ચઢેલાં. ચિંતને જીગરને મળી થોડી વાતચીત કરી, ફરીથી ગાડીમાં બેસીને ફરિયાદીને કહેલું કે જીગર ગામના વથાણમાં આવીને રૂપિયા આપવાનું કહે છે, આપણી ગાડી પાછળ પાછળ તે આવે છે.
ગામના ચોકમાં છરી વડે ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો
વથાણમાં પહોંચ્યા બાદ ચિંતન જેવો ગાડીમાંથી બહાર નીકળ્યો કે સાળો બનેવી બેઉ છરી વડે આડેધડ રીતે ચિંતન પર તૂટી પડ્યાં હતા. ગંભીર ઈજાથી ચિંતન નીચે ફસડાઈ પડ્યો ત્યારબાદ પણ બેઉ જણે છરીના ઘા મારવાનું ચાલું રાખેલું.
ફરિયાદી અને તેના મિત્ર પ્રશાંતે હુમલાથી બચાવવા ચિંતનને પ્રયાસ કરતાં બેઉ જણે તેમને છરી બતાડીને નજીક આવશો તો તમને પણ પતાવી દઈશું તેવી ધમકી આપેલી.
જીગરે ફરિયાદીને ગરદન પર ઝાપટ પણ મારી હતી. હુમલા બાદ બેઉ જણ કારમાં બેસી નાસી છૂટ્યાં હતાં. ચિંતનને ગંભીર હાલતમાં ગાડીમાં લઈ ફરિયાદી અને પ્રશાંત બેઉ ભુજ આવવા રવાના થયા હતાં. ૧૦૮ને ફોન કરી દીધો હોઈ પુનડી નજીક એમ્બ્યુલન્સ સામે મળતાં ફરિયાદી ચિંતનને લઈ તેમાં બેસી ગયો હતો. જો કે, દહીંસરા વટાવ્યાં બાદ ચિંતનનો શ્વાસ બંધ પડી ગયો હતો.
Share it on
|