click here to go to advertiser's link
Visitors :  
16-Jul-2025, Wednesday
Home -> Other -> Mundra Custodial Death Case HC orders to bail out accused PI
Friday, 13-Jun-2025 - Ahmedabad 34185 views
મુંદરા ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી પીઆઈને જામીન પર છોડવા હાઈકૉર્ટનો હુકમ
કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ મુંદરાના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં સાડા ચાર વર્ષથી જેલમાં કેદ તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢિયારને ગુજરાત હાઈકૉર્ટે નિયમિત જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. ન્યાયમૂર્તિ હસમુખ સુથારે ટ્રાયલ કૉર્ટ અને ફરિયાદી પક્ષના વલણની ટીકા કરીને ‘બેઈલ ઈઝ ધ રુલ જેઈલ ઈઝ એન એક્સેપ્શન (જામીન એ નિયમ છે, જેલ અપવાદ છે)’ને ટાંકી આરોપી પીઆઈને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.
જાણો શો હતો એ ચકચારી બનાવ

જાન્યુઆરી ૨૦૨૧માં ઘરફોડ ચોરીના કથિત ગુનામાં મુંદરા પોલીસે ત્રણ નિર્દોષ યુવકોને ઉઠાવીને, પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખીને અમાનુષી અત્યાચાર ગુજારતાં બે જણનું મોત નીપજ્યું હતું, એક જણને ગંભીર ઈજાઓ પહોંચેલી. આ મામલે તત્કાલિન પીઆઈ પઢિયાર સહિત પાંચ પોલીસ કર્મી, જીઆરડીના બે જવાનો અને સમાઘોઘાના પૂર્વ સરપંચ સહિત દસ લોકોની ધરપકડ થયેલી.

પીઆઈએ ફરી કયા આધારે અરજી કરેલી?

જેલમાં કેદ પીઆઈ પઢિયારે ટ્રાયલમાં થઈ રહેલા વિલંબને આધાર બનાવી જાન્યુઆરી ૨૦૨૫માં જામીન પર છોડવા હાઈકૉર્ટમાં અરજી કરેલી. પરંતુ, ન્યાયમૂર્તિ હસમુખ સુથારે કેસની દૈનિક ધોરણે ટ્રાયલ ચલાવીને બે માસમાં ટ્રાયલ પૂરી કરી દેવાના હુકમ સાથે અરજી ફગાવી દીધી હતી. જો કે, ટ્રાયલ કૉર્ટે બે માસમાં ટ્રાયલ પૂરી ના કરતા પીઆઈએ હાઈકૉર્ટમાં ફરી અરજી દાખલ કરી હતી.

પેરિટીના ગ્રાઉન્ડ પર વિચાર કરવો પડે તેમ છે

બંને પક્ષના વકીલોની દલીલો સાંભળીને કૉર્ટે અરજદાર પીઆઈને જામીન પર મુક્ત કરવા હુકમ કરતાં જણાવ્યું કે અરજદાર ૨૦-૦૧-૨૦૨૧થી જેલમાં કેદ છે, તપાસ પૂરી થઈ ગઈ છે, તમામ સાક્ષી તપાસી લેવાયાં છે અને ટ્રાયલ પૂરી થવાના આરે છે. આરોપી પાસેથી કશી રીકવરી કે ડિસ્કવરી બાકી રહેતી નથી. તેથી આરોપી જામીન પર છૂટીને પુરાવા સાથે ચેડાં કરે તેનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આરોપી પક્ષે અસહકારથી ટ્રાયલમાં વિલંબ થયો નથી, ટ્રાયલ દરમિયાન સહકાર આપ્યો જ છે, આવા જ સંજોગોમાં અન્ય સહઆરોપીને સુપ્રીમ કૉર્ટે જામીન આપેલા છે તેથી અરજીમાં ‘સમાનતાના સિધ્ધાંત’નું રજૂ કરાયેલું ગ્રાઉન્ડ પણ વિચારણામાં લેવું પડે તેમ છે.

ટ્રાયલ કૉર્ટની નિષ્ક્રિયતાની કરી ટીકા

હાઈકૉર્ટે ટ્રાયલ કૉર્ટની ટીકા કરતા જણાવ્યું કે અગાઉની અરજી વખતે કૉર્ટે ડે-ટૂ-ડે બેઝીસ પર ટ્રાયલ ચલાવી બે માસમાં કેસ પૂરો કરવા સ્પેસિફીક નિર્દેશ આપ્યો હતો પરંતુ ટ્રાયલ હજુ પૂરી થઈ નથી. સેશન્સ જજ કૉર્ટના નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે. અરજદાર ક્યાંય વાંકમાં નથી અને કૉર્ટના પક્ષે દાખવાયેલી નિષ્ક્રિયતાનો એક નાગરિક આરોપી શું કામ ભોગ બને? ટ્રાયલ કૉર્ટનો અસંવેદનશીલ અભિગમ અને ભારતીય બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળ મળેલા વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા જીવન અને મુક્તિના અધિકારને જોતાં પણ અરજી પર વિચાર કરવો પડે તેમ છે.

ફરિયાદી આરોપીને સળિયા પાછળ જ જોવા ઈચ્છે છે

અરજદાર પીઆઈને જામીન પર મુક્ત કરવાના હુકમના અમલ પર સ્ટે મૂકવા ફરિયાદીના વકીલે કૉર્ટને વિનંતી કરતાં જસ્ટિસ ભડક્યાં હતા. તેમણે જણાવ્યું કે આ અરજી દર્શાવે છે કે ફરિયાદીને કેસની ટ્રાયલ ઝડપથી પૂરી થાય તેમાં રસ નથી બલ્કે આરોપી સળિયા પાછળ જ રહે તે જોવા ઈચ્છે છે. જે મેનરમાં જામીન મુક્તિના હુકમ પર સ્ટે કરવા વિનંતી કરી છે તે ગ્રાહ્ય રાખી શકાય નહીં. જસ્ટિસે Bail is the rule and jail is an exceptionના પ્રસ્થાપિત સિધ્ધાંતને ટાંકીને અરજદારને ૨૫ હજારના જાત મુચરકા પર જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.

ચકચારી કેસમાં ત્રીજો આરોપી જામીન મુક્ત

ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ ૨૦૨૪માં કેસના આરોપી એવા જીઆરડી જવાન શંભુ દેવરાજ જરુને સુપ્રીમ કૉર્ટે જામીન પર મુક્ત કર્યો હતો. જેના આધારે અન્ય એક જીઆરડી જવાન વિરલ જોશીએ હાઈકૉર્ટમાં જામીન અરજી દાખલ કરતા હાઈકૉર્ટે પેરિટીના આધાર પર જોશીને પણ જામીન મુક્ત કર્યો હતો.

Share it on
   

Recent News  
મહિને ૨૦ હજાર માંગતા VTV ને INDIA TVના બે તોડબાજ પત્રકારની ‘ચાકી’ LCBએ ઢીલી કરી
 
બુલેટ ટ્રેન શરૂ થાય ત્યારે ખરી પણ કંડલામાં દેશની પહેલી મેગ્નેટિક રેલ દોડશે
 
માંડવીઃ પિતા પુત્ર પર ઍસિડ એટેક બદલ આધેડને સેશન્સે પાંચ વર્ષનો કારાવાસ ફટકાર્યો