કચ્છખબરડૉટકોમ, રાપરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપે રાપર નગરપાલિકાના 13 બળવાખોર સદસ્યોને મનાવી લઈ આજે નગરપાલિકામાં પુનઃ કેસરીયો લહેરાવ્યો છે. ઑગસ્ટમાં જે અમૃતબેન વાલજીભાઈ વાવિયાને પ્રમુખ તરીકે ચૂંટવાના બદલે ભાજપના સભ્યોએ બળવો કરેલો તે જ અમૃતબેનની આજે તેમણે 15 મતની બહુમતિથી પ્રમુખ તરીકે પસંદગી કરી હતી. એ જ રીતે, બળવાખોરોના ટેકાથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાં અને બાદમાં રાજીનામું ધરી દેનારાં મહેશ્વરીબા જામસિંહ સોઢા પણ 15 મતે ઉપ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં હતા. કોંગ્રેસે પ્રમુખ-ઉપ પ્રમુખપદે પોતાના ઉમેદવારો ઉભાં રાખ્યા હતા પરંતુ તેમને કેવળ બાર-બાર મત મળ્યાં હતા. પ્રમુખ અને ઉપ પ્રમુખપદ મહિલાઓના હાથમાં સોંપાયા બાદ કારોબારી ચેરમેન અને શાસકપક્ષના નેતા તરીકે પણ મહિલાઓની વરણી કરાઈ છે. કારોબારી ચેરમેન તરીકે કાનીબેન રામજીભાઈ પિરાણા અને શાસક પક્ષના નેતા તરીકે હેતલબેન નિલેશભાઈ માલીની વરણી થઈ હતી. કચ્છ ભાજપે જણાવ્યું કે મહેશ્વરીબા સોઢા અને હેતલબેન માલીએ થોડાંક સમય અગાઉ મેન્ડેટનો અનાદર કરતાં પક્ષે તેમને સસ્પેન્ડ કર્યાં હતા. પરંતુ, બેઉ સદસ્યોએ તેમની ભૂલ સ્વિકારી ભવિષ્યમાં આવી ગેરશિસ્ત નહીં થાય તેવી ખાતરી આપતાં પક્ષે તેમને સૌપ્રથમ તેમના હોદ્દાઓ પરથી રાજીનામું આપી પક્ષ નવેસરથી જે નિર્ણય કરે તે સ્વિકારવા તાકીદ કરી હતી. બેઉ પદાધિકારીઓ અને તેમના પરિવાર વર્ષોથી પક્ષ સાથે સંકળાયેલાં હોવાથી તેમજ ભૂલ અંગે નિખાલસતાપૂર્વકની કબૂલાતને ધ્યાને લેતાં આજે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે મેન્ડેટ મોકલાવી નવી વરણી પ્રક્રિયા સંપન્ન કરી હતી. ઉલ્લેખનીય છે કે પાલિકામાં ભાજપના 15 સદસ્યો અને કોંગ્રેસના 13 સદસ્યો ચૂંટાઈ આવેલાં છે.
ભાજપના પૂર્વ ઉપપ્રમુખે નગરસેવકપદેથી રાજીનામું ધરી દીધું
પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી યોજાયા બાદ ભાજપના સદસ્ય પ્રવિણભાઈ દયારામભાઈ ઠક્કરે નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરી નગરસેવક તરીકે રાજીનામું ધરી દેતાં ભાજપના ઓપરેશનમાં ક્યાંક કચાશ રહી હોવાની અટકળો ઉઠી છે. પ્રવિણભાઈ બળવાખોરોના ટેકાથી ઉપ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં હતા. મોટાભાગના બળવાખોરોનો ભાજપમાં ઘરવાપસીનો તખ્તો તૈયાર થઈ ગયા બાદ ઉપ પ્રમુખપદેથી તેમનું રાજીનામું નહીં પડતાં અનેક તર્કવિતર્ક વહેતાં થયા હતા. જો કે, પાછળથી તેમણે ઉપપ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું.
પાંચ માસમાં ફરી ‘ઘીના ઠામમાં ઘી’ પડી ગયું
ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખની પ્રથમ ટર્મ પૂરી થતાં ગત 24 ઑગસ્ટ 2020નાં રોજ પાલિકામાં બેઉ હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપે પ્રમુખ તરીકે અમૃતબેન વાવિયાને મેન્ડેન્ટ આપ્યો હતો. પરંતુ, અમૃતબેનને પ્રમુખ તરીકે ચૂંટવા સામે ભાજપના 13 સદસ્યોએ બળવો પોકારી કોંગ્રેસના બે સદસ્યોના ટેકાથી પોતાની મરજીના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટી કાઢ્યા હતા. ભાજપે લાજ બચાવવા 13 બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાતનું નાટક કરી અંદરખાને તેમને યેનકેન પ્રકારે મનાવવા પ્રયાસો ચાલું રાખ્યાં હતા. ખાસ કરીને જિલ્લા પ્રમુખપદે રીપીટ થયા બાદ કેશુભાઈ પટેલના માર્ગદર્શનમાં બળવાખોર સદસ્યોની ઘરવાપસીનો તખ્તો તૈયાર થઈ ગયો હતો અને તે મુજબ ગત 31 ડિસેમ્બરે પાલિકાના પ્રમુખ મહેશ્વરીબા સોઢાએ રાજીનામું ધરી દીધું હતું. તેના થોડાંક દિવસો બાદ ઉપપ્રમુખ પ્રવિણભાઈ ઠક્કરે પણ રાજીનામું આપી દીધું હતું.
Share it on
|