કચ્છખબરડૉટકોમ, ભુજઃ પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાન સહાયનો હપ્તો મંજૂર કરવાની અવેજમાં ૪૦ હજારની લાંચ લેતા પકડાયેલા કરાર આધારીત બે સરકારી કર્મચારીઓની જામીન અરજી ભુજની એસીબી ખાસ કૉર્ટે ફગાવી દીધી છે. ગત ૩૧-૦૭-૨૦૨૫ના રોજ ભુજ એસીબીએ ભુજ તાલુકા પંચાયતમાં છટકું ગોઠવીને ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલને અરજદાર પાસેથી ૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પીએમ આવાસ યોજના તળે અરજદાર અને તેના અન્ય ત્રણ સંબંધીના મકાનો દીઠ દસ દસ હજાર રૂપિયા લેખે ટેકનિકલ આસિસ્ટન્ટ વિશાલ ભરતભાઈ જોશીએ ૪૦ હજાર રૂપિયાની લાંચની માંગણી કરેલી અને પોતાની ગેરહાજરીમાં દર્શનને રૂપિયા આપી દેવા કહેલું.
ભુજ એસીબી કૉર્ટના સ્પેશિયલ જજ એન.પી. રાડિઆએ ગુનાની તપાસ નાજૂક તબક્કે હોવાનું, જામીન મળે તો આરોપીઓ ફરિયાદી અને સાક્ષીઓ પર દબાણ ઊભું કરે કે ધાકધમકી કરે તેવી સંભાવના હોવાનું, ફોન પરની રેકોર્ડેડ વાતચીતની ટ્રાન્સસ્ક્રિપ્ટ વાંચતા તેમજ લાંચની માંગણી, સ્વીકૃતિ અને નાણાંની રિકવરી જોતા આરોપીઓ સામે પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાનું, ૧૦ વર્ષની સજાને પાત્ર સ્પેશિયલ કૉર્ટ ટ્રાયેબલ ગંભીર ગુનો હોવાના અવલોકનો વ્યક્ત કરીને બેઉની અરજી ફગાવી દીધી છે. કેસમાં એસીબી તરફે જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|