કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના સુખપર ગામના ૬૨ વર્ષિય પટેલ વૃધ્ધને હની ટ્રેપ કરી, નકલી પોલીસ બનીને ડરાવી ધમકાવી ૬૦ હજાર રુપિયા પડાવી લેવાના ગુનામાં એક મહિલા સહિત બે નકલી પોલીસની ધરપકડ થઈ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા કમલેશ દયાપ્રસાદ વર્મા, ભગવતકુમાર ઓમપ્રકાશ રાણા અને મુસરાબેન મજીદખાન પઠાણની ધરપકડ કરી છે. ત્રણે આરોપીના કૉર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દહિસરાની હેમલતા ગઢવી ઊર્ફે સોનુ અગાઉ માંડવી પોલીસ મથકે નોંધાયેલા હની ટ્રેપના ગુનામાં ઝડપાઈ ચૂકી છે ત્યારે હવે પોલીસ બનેલી બોબ્ડ કટવાળી મહિલાની પોલીસને તલાશ છે.
હેમલતા વૃધ્ધને મુસરાના ઘેર લઈ ગયેલી. બેઉ એકાંતમા હતા ત્યારે કમલેશ અને ભગવતે પોલીસ બનીને ત્રાટકીને વૃધ્ધને ડંડાથી માર મારીને રિવોલ્વર બતાડી ધમકાવીને પતાવટ કરવા પેટે ત્રણ લાખ રૂપિયા માગ્યા હતા. ઝડપાયેલા ત્રણે આરોપી ભુજના આશાપુરા નગર, ગીતા કોટેજીસ વિસ્તારમાં નજીક નજીકમાં રહે છે. આરોપીઓની ગહન પૂછપરછમાં તેમણે આ રીતે અગાઉ અન્ય કેટલાં ગુના આચર્યા છે તે સહિતની બાબતો બહાર આવી શકે છે.
Share it on
|