કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટ પેઢી સાથે ધંધાના નામે તામિલનાડુ અને બેંગ્લોરની પેઢીઓએ મોટી રકમની છેતરપિંડી કરી હોવાની એ અને બી ડિવિઝનમાં બે જુદી જુદી ફરિયાદ દાખલ થઈ છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જસદીપસિંઘ ધનોતા નામના ટ્રાન્સપોર્ટરે તામિલનાડુની ટ્રાન્સપોર્ટ પેઢીના ચાર પાર્ટનરો સામે ૫૮.૩૪ લાખની ઉઘરાણીની રકમ ના ચૂકવીને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું કે તેઓ ગાંધીધામમાં કચ્છ ટ્રાન્સશિપીંગ નામથી મોટા ભાઈ સાથે પાર્ટનરશીપમાં ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે. ધંધા અંતર્ગત તામિલનાડુની બ્રાસ લોજિસ્ટીક નામની પેઢી સાથે પરિચય થયેલો.
આ પેઢી સાથેના ધંધાકીય વ્યવહારો ચોખ્ખા હોઈ તેમને વિશ્વાસ આવી જતા ઉધારમાં કામકાજ શરૂ કરેલું.
આ પેઢીએ ગત વર્ષે તેમની પેઢીની ટ્રકો અને ટ્રેલરો ભાડે મેળવેલા પરંતુ તે પેટે ચૂકવવાની થતી ૫૮.૩૪ લાખની રકમ આજ દિન સુધી ચૂકવી નથી અને કેવળ વાયદા કરે છે. ફરિયાદીએ બ્રાસ લોજિસ્ટીક્સના ચાર પાર્ટનર સંજીવકુમાર, રાજેશ કુમાર, હરેશ કુમાર અને બેન્સી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
પાંચ ટ્રક અને કન્ટેઈનર ભાડાના ૭.૫૮ લાખની ઠગાઈ
ગાંધીધામમાં સાર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રા.લિ. નામથી એક્સપોર્ટ ઈમ્પોર્ટ માટે કન્ટેઈનરો ભાડે આપવા/ અપાવવાનું કામ કરતી પેઢી સાથે બેંગ્લોરમાં હેડ ક્વાર્ટર ધરાવતી પરાગ એક્ઝિમ નામની પેઢીના માલિક પરાગ જોબનપુત્રા અને તેના ભાઈ તેજસ જોબનપુત્રાએ ૭.૫૮ લાખની ઠગાઈ કરી છે. પરાગ અને તેજસ બંને રાજકોટના મવડીમાં રહે છે. ફરિયાદી અમિત મેઘાણીએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે બેઉ ભાઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમણે મુંબઈના નાસિક અને નાગપુરથી ડુંગળી ભરીને ન્હાવાસેવા પોર્ટ પરથી દુબઈ એક્સપોર્ટ કરવાના નામે પાંચ કન્ટેઈનર ભાડે માગેલાં.
આરોપીઓના ભરોસે ફરિયાદીએ બ્રાઈન મેરિટાઈમ અને નિરજ એક્ઝિમ નામની પેઢીના સંચાલકોને વાત કરીને કન્ટેઈનરો ભાડે અપાવેલાં. કન્ટેઈનરો ન્હાવાસેવા સીએફએસમાં પડ્યાં હોઈ તેને નાસિક અને નાગપુર પણ મોકલી આપ્યા હતા.
માલ ભરીને કન્ટેઈનરો પોર્ટ પર આવેલા પરંતુ બેઉ પેઢીને ટ્રક ભાડા અને કન્ટેઈનર ભાડા પેટે ચૂકવવાનું થતું ૭.૫૮ લાખનું પેમેન્ટ કંપનીએ ના ચૂકવતાં પાંચ છ દિવસ બાદ વેપારીઓએ કન્ટેઈનરોમાંથી માલ ઉતારી લીધો હતો. પરાગ અને તેજસ બેઉ વાયદાબાજી કરે છે બીજી તરફ પોતાના બોલના આધારે પાંચ ટ્રકો અને કન્ટેઈનરો ભાડે આપનારી બે પેઢીઓને ‘ટોપી’ પહેરવાનો વારો આવ્યો હોવાનું ફરિયાદીએ લખાવ્યું છે.
Share it on
|