કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ થવાના પ્રસંગે સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ૧૮થી ૨૬ એપ્રિલ દરમિયાન ઉજવાનારાં ૯ દિવસીય ધર્મોત્સવમાં દેશ અને વિદેશમાંથી લાખ્ખો હરિભક્તો ઉમટી પડશે.
મંદિર દ્વારા મહોત્સવની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવશે. મંદિરના મીડિયા કન્વિનર સંતશ્રી દેવચરણદાસજીએ જણાવ્યું કે જગતગુરુ રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયની સ્થાપના કર્યાં બાદ ક્યારેય પણ અમદાવાદ કે વડતાલમાં આટલો મોટો ઉત્સવ થયો નથી. ઉજવણીમાં આફ્રિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશો અને ભારતના દરેક રાજ્યમાંથી હરિભક્તો ઉમટી પડશે.
ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી, પૂરાણી સદગુરૂ સ્વામી પ્રેમ પ્રકાશદાસજી, પાર્ષદ જાદવજી ભગત, આદિ વડીલ સંતોની આજ્ઞા અને તેમના સાંનિધ્યમાં દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે.
દરરોજ ૩ લાખ લોકો જમી શકે તેવું વિશાળ રસોડું બનશે
મહોત્સવમાં અંદાજે બે લાખથી વધુ હરિભક્તો જોડાશે. દરરોજ ત્રણ લાખથી વધુ હરિભક્તો પ્રસાદ લઈ શકે તે માટે ૧૧ વિશાળ ડોમ બનશે. કાર્યક્રમ માટે ભુજ માંડવી રોડ પર સ્વામિનારાયણ કન્યા મંદિર પાસે ૨૨૨ એકરમાં ખાસ ‘બદ્રિકાશ્રમ’ સભાખંડ આકાર લઈ રહ્યો છે. જેમાં ૪૫ હજાર લોકો માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું છે. દરરોજ શ્રીમદ્ સત્સંગી જીવન પારાયણ યોજાશે. ટેકનોલોજી સાથે ભવ્ય પ્રદર્શન યોજાશે જેમાં 3D થી લઈને 8D સુધીની ટેકનિકનો ઉપયોગ કરી સંપ્રદાયનો ઇતિહાસ વર્ણવાશે. નવ દિવસના કાર્યક્રમમાં કુલ ૩૦ લાખ લોકો પ્રસાદ લઈ શકે તેવા વિશાળ રસોડા અને જમણનું આયોજન કરાયું છે.
રવિવારે મેડિકલ કેમ્પથી ઉજવણીનો પ્રારંભ
૧૨ ફેબ્રુઆરીએ નખત્રાણાના રવાપરમાં મેગા મેડિકલ કેમ્પથી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે. આગામી દિવસોમાં માંડવી, અંજાર, રાપર અને ભુજમાં મેડિકલ કેમ્પો યોજાશે. સાથે કચ્છમાં હરતું ફરતું દવાખાનું શરૂ કરાશે.
જાણો કેવી રીતે ભવ્ય મહોત્સવની ઉજવણી કરાશે
આ છે વર્ષ દરમિયાન સંપ્રદાય દ્વારા થનારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો ની વિશેષ માહિતી આપતાં ભુજમાંદિરના કોઠારી સ્વામી શ્રી. દેવપ્રકાશદાસજી તથા મિડીયા કન્વીનર સંત શ્રી સુકદેવસ્વરૂપદાસજી જણાવ્યું હતું કે , આ મહોત્સવના અનુસંધાને યોજાનાર કાર્યક્રમોમાં વિજય સ્તંભ તથા ધ્વજ પૂજન, શ્રીમદ્ સત્સંગી જીવન ગ્રંથરાજની ભવ્ય પોથીયાત્રા નીકળશે.
♦મહોત્સવ નિમિત્તે વિવિધ પ્રકારના ૨૦૦ સુશોભિત વાહનો અને રથ, હાથી-ઘોડાથી સજ્જ ભવ્ય નગરયાત્રા નીકળશે
♦નરનારાયણ દેવની ઉત્સવ મૂર્તિ પર નિત્ય મહાભિષેક થશે. આ પ્રસંગે હિંદુ સનાતન ધર્મગુરુઓનુ ધર્મ સંમેલન યોજાશે
♦બાળકો માટે વિશેષ બાલ પારાયણ અને વિવિધ સાંસ્કૃતિક આયોજનો કરાયાં છે
♦પાટોત્સવના દિવસે ૨૦૦ કળશ દ્વારા નરનારાયણ દેવનો મહા અભિષેક, ૨૦૦ કુંડી મહા વિષ્ણુયાગ એવમ્ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર,
♦ભુજ મંદિર દ્વારા સંચાલિત ગુરુકુલો, વિશ્રાંતિ ભવનો, સત્સંગ ભવનો અને યુવક-યુવતી મંડળોની પ્રવૃત્તિઓનું પ્રદર્શન, ભુજનાં પ્રસાદીભૂત સ્થાનોએ દર્શન સુવિધા,
♦નરનારાયણ દેવની ભવ્યાતિભવ્ય રાજોપચારપૂજા, ચતુર્વેદ પારાયણ તથા વિવિધ પૂજનો, નિજ મંદિરમાં લાઈટીંગ શો, બે માસ સુધી મંદિર પટાંગણમાં મહાપૂજા અનુષ્ઠાન કરવામાં આવશે. જેની પૂર્ણાહુતિ કચ્છ સત્સંગના ગામોમાં સંતો, સાંખ્યયોગી બહેનો અને હરિભક્તો દ્વારા ૨૦૦ કલાક સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે કરવામાં આવશે
♦મહોત્સવની કાયમી યાદગીરીરૂપે ભગવાન સ્વામિનારાયણના પાવન પગલાઓથી અંકિત પ્રસાદીભૂત તળાવોનો જીર્ણોદ્વાર કરાશે
♦ભુજ મંદિર આફ્રિકા ખંડમાં જરુરિયાત મુજબ સ્કુલ નિર્માણ અને પાઠ્યપુસ્તકની સહાય અર્પણ કરશે
♦ભુજ નગરપાલિકાને સ્વચ્છતા અભિયાન માટે વાહન અને સાધનોની સહાય આપશે
♦કચ્છમાં વિવિધ સ્થળોએ બે લાખ જેટલાં વૃક્ષોનું વાવેતર કરાશે, એક સ્થાનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરી સુંદર ‘બદ્રીવન’નું નિર્માણ કરાશે
♦સમગ્ર કચ્છના અનાથાલયો અને વૃધ્ધાશ્રમોમાં અન્નદાન તેમજ વસ્ત્રદાન કરવામાં આવશે.
Share it on
|