click here to go to advertiser's link
Visitors :  
24-Apr-2026, Friday
Home -> Kutch -> Bhuj NDPS Court Awards 20 year RI to Six Pakistani Nationals in 77 KG Drugs Case
Friday, 24-Apr-2026 - Bhuj 4222 views
જખૌ પાસે ૩૮૪.૬૮ કરોડના ૭૭ કિલો હેરોઈન સાથે ઝડપાયેલા ૬ પાકિસ્તાનીને ૨૦ વર્ષની કેદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા વતી ફિશીંગ બોટમાં ભારતમાં ૩૮૪ કરોડ ૬૮ લાખની કિંમતના ૭૭ કિલો હેરોઈનની ડિલિવરી આપવા આવતાં ATSના હાથે ઝડપાઈ ગયેલાં ૬ પાકિસ્તાનીને ભુજ NDPS કૉર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કૉર્ટે જણાવ્યું કે ભારતના યુવાનોને નિશાન બનાવી ડ્રગ્ઝના ગંભીર વ્યસનમાં ધકેલવાનું કાર્ય સામાન્ય કૃત્ય ગણી શકાય નહીં. ભારતમાં મોટાં પ્રમાણમાં ડ્રગ્ઝનો સપ્લાય કરી રાષ્ટ્રીય માળખાને નબળું પાડવાના સુનિયોજીત વ્યૂહના ભાગરૂપે આ કાવતરું રચાયું હતું.

કૉર્ટે ઉમેર્યું કે નશાનું દૂષણ વ્યક્તિગત સ્તરે નહીં પણ રાષ્ટ્રીય સ્તરે સંકટ બની શકે તેમ છે અને તે દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરે છે. સજા પામનારાં તમામને કૉર્ટે વ્યક્તિદીઠ બે-બે લાખનો દંડ ફટકાર્યો છે.

જખૌ નજીક ATSએ દરિયામાં ઓપરેશન હાથ ધરેલું 

પાકિસ્તાની ડ્રગ્ઝ માફિયા હાજી હસન અને હાજી હાસમ કરાચીથી હેરોઈનનું કન્સાઈન્મેન્ટ જળમાર્ગે જખૌ નજીક ભારતમાં સપ્લાય કરવાના હોવાની ગુજરાત ત્રાસવાદ વિરોધી દળના તત્કાલિન DySP ભાવેશ પી. રોજીયાને બાતમી મળેલી. બાતમીના પગલે ATSએ ભારતીય કોસ્ટગાર્ડની મદદથી જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં વૉચ ગોઠવેલી.

બાતમી અનુસાર ૧૯ અને ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ની મધરાતે જખૌથી ૩૫ નૉટિકલ માઈલ દૂર, ભારતીય જળસીમામાં કરાચીની ‘અલ હુસેની’ નામની ફિશીંગ બોટ પ્લાસ્ટિકના પાંચ કોથળાઓમાં હેરોઈન ભરીને આવેલી.

બોટમાં ડ્રગ્ઝ માફિયા હાજી હસનનો પુત્ર સાજીદ અને જમાઈ ઈમરાન તારીક વાધેર સહિત ૬ પાકિસ્તાની સવાર હતા. પાકિસ્તાનીઓ VHF પર હરી-1 અને હરી-2 કોડવર્ડથી ભારતીય બોટનો સંપર્ક કરી હેરોઈન ડિલિવર કરવાના હતા. જો કે, ATS અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમે બોટ સાથે તમામ પાકિસ્તાની કેરિયર્સને રંગેહાથ ઝડપી પાડ્યાં હતા. બોટમાંથી ૩૮૪ કરોડ ૬૮ લાખની કિંમતનું ૭૬ કિલો ૯૩૬ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. બનાવ અંગે આરોપીઓ સામે ATS પોલીસ સ્ટેશનનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

દ્વારકાના જામ સલાયાનો અમીન કરીમ સુરાણી આ કાવતરામાં સામેલ હોવાના આરોપસર પાછળથી ૧૪ માર્ચે ATSએ અમીન સુરાણીની ધરપકડ કરી હતી..હેરોઈનનો જથ્થો રાજસ્થાનથી પંજાબ મોકલવાનો હતો.

આ ગુનામાં ૪ વર્ષ અને ૪ મહિના બાદ ભુજની વિશેષ NDPS કૉર્ટના સ્પેશિયલ જજ વિરાટ એ. બુધ્ધે આજે તમામ ૬ પાકિસ્તાનીને NDPS Actની કલમ ૮ (સી), ૨૨ (સી), ૨૩ (સી), ૨૫ અને ૨૯ હેઠળ દોષી ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને બે-બે લાખનો દંડ ફટકાર્યો છે.

કૉર્ટે જામ સલાયાના અમીન કરીમ સુરાણીને નિર્દોષ ઠેરવી છોડી મુક્યો છે.

ગુનો બન્યો ત્યારથી જ તમામ આરોપી જેલમાં કેદ છે. આ કેસમાં ATS તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

સજા મેળવનાર પાકિસ્તાનીઓના નામ

(૧) મોહમદ ઇમરાન મોહમ્મદ તારીક વાઘેર (ઉં.વ. ૩૧)

(ર) દાનિસ મોહમ્મદ હુસેન કચ્છી વાઘેર (ઉં. વ. ર૪)

(૩) સાગર મોહમ્મદ કચ્છી વાઘેર (ઉં.વ. ર૩)

(૪) ઇસ્માઇલ ઇબ્રાહિમ બડાલા (ઉં. વ. ૭પ)

(પ) મોહમદ સાજીદ મોહમ્મદ હુસેન યાકુબલાલા કુંગરા (ઉ. વ. ર૪)

(૬) અશ્ફાક મોહમ્મદ ઇશાક વાઘેર (ઉ.વ. ર૬) (તમામ રહે. કરાચી)

કૉર્ટના ચુકાદાના મહત્વના તારણો

કૉર્ટે ચુકાદો આપતાં જણાવ્યું કે ઝડપાયેલો ડ્રગ્ઝનો જથ્થો ફક્ત કૉમર્સિયલ ક્વૉન્ટિટી જ નથી પરંતુ સમાજના આરોગ્ય, સલામતી અને ભવિષ્ય માટે ઘાતક થતી એક અત્યંત ગંભીર માત્રા છે. આરોપીઓ દ્વારા વિશાળ પ્રમાણમાં ભારતમાં નશીલા પદાર્થોની ગેરકાયદે રીતે આવક જાવક કરવાની પ્રવૃત્તિ એ સુનિયોજિત અને સચેતન રીતે ઘડવામાં આવેલું કાવતરું છે, જેનો સીધો પ્રભાવ દેશના યુવાનો પર પડે છે.

પાકિસ્તાન દ્વારા આચરવામાં આવતી આ પ્રવૃત્તિનો હેતુ યુવા પેઢીની માનસિક, શારીરિક અને નૈતિક શક્તિને ક્ષીણ કરીને સમાજમાં અસ્થિરતા ફેલાવવાનો છે.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મળતાં નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે થાય છે, જે દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરે છે. ત્યારે, આવા દેશવિરોધી કૃત્યને જરાપણ હળવાશથી લઈ શકાય તેમ નથી.

આવા કેસમાં કડક સજા આપવી એ માત્ર આરોપીઓને દંડિત કરવાનો પ્રશ્ન નથી પરંતુ તે સમગ્ર સમાજને સુરક્ષિત રાખવાનો અને યુવાનોના ભવિષ્યને સંરક્ષિત કરવાનું એક મહત્વપૂર્ણ પગલું છે.

આ કઠોર સજા ફટકારી અદાલત એ સ્પષ્ટ સંદેશ આપે છે કે નશીલા પદાર્થોની હેરાફેરી, ખાસ કરીને વિદેશી તત્વો દ્વારા સંચાલિત, કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

Share it on
   

Recent News  
ભચાઉના ખૂંખાર લતીફને હત્યાના પ્રયાસના ગુનામાં ૭ વર્ષનો સખ્ત કારાવાસ
 
રાપરમાં બાઈક પર ચાર જણે કર્યું યુવકનું અપહરણઃ પોલીસે ગણતરીના કલાકોમાં છોડાવ્યો
 
ભુજની કોલેજગર્લ સાક્ષીનું ગળું કાપી હત્યા કરનારાં એકતરફી પ્રેમી સહિત બેને જનમટીપ