click here to go to advertiser's link
Visitors :  
21-May-2026, Thursday
Home -> Kutch -> Bhuj Court Orders 20 Years Rigorous Sentences to POCSO Convict
Thursday, 21-May-2026 - Bhuj 679 views
પોતાનાથી અડધી ઊંમરની કિશોરી સાથે દુષ્કર્મ કરનાર યુવકને પોક્સો તળે ૨૦ વર્ષની જેલ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૬ વર્ષ ૨ માસની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને, ધાક ધમકી આપી વારંવાર મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરનાર મુંદરાના લફરા ગામના યુવકને પોક્સો કૉર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે ૫૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બનાવ અંગે ૯-૧૨-૨૦૨૪ના રોજ ભરતસિંહ ભીખુભા જાડેજા નામના ૩૫ વર્ષિય યુવક સામે પ્રાગપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગુનાનો ભોગ બનનારે તેની જુબાનીમાં જણાવેલું કે ભરત તેની સાથે અવારનવાર ફોન પર વાતો કરતો હતો.

છેલ્લાં એક વર્ષ દરમિયાન ભરતે પીડિતાના ઘરે આવીને, તે જ્યાં સૂતી હતી ત્યાં અગાસી પર ત્રણથી ચાર વખત શારીરિક સંબંધ બાંધેલો. આરોપી પીડિતાને તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો રહ્યો હતો.

કૉર્ટે આ કલમો તળે ફટકારી સજા

આ ગુનામાં ૩૦ દસ્તાવેજી આધારો અને ૧૧ સાક્ષીઓની જુબાની, બંને પક્ષના ધારાશાસ્ત્રીઓની દલીલો, પોક્સો એક્ટની જોગવાઈઓને અનુલક્ષીને આજે ભુજની વિશેષ પોક્સો કૉર્ટના જજ જે.એ. ઠક્કરે પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે પચાસ હજારનો દંડ તથા બીએનએસની કલમ ૩૫૧ (૩) હેઠળ ૨ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કૉર્ટે આરોપીને પોક્સો એક્ટની કલમ ૬૪ (૨) (એમ) હેઠળ પણ દોષી ઠેરવેલો પરંતુ સજાનું પ્રાવધાન પોક્સો એક્ટની કલમ ૬ સમાંતર હોઈ અલગથી કોઈ સજા ફટકારી નથી.

દંડની રકમ વસૂલ થયે તે પીડિતાને વળતર તરીકે આપવા સાથે પીડિતાને કૉર્ટે ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા DLSAને હુકમ કર્યો છે.

ગુનાની તપાસ તત્કાલિન પીઆઈ હાર્દિક એસ. ત્રિવેદીએ કરેલી. પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

કિશોરીને પ્રેમ કરવો તે ગુનો નથી પણ...

૩૫ વર્ષિય ભરત ધરપકડ થઈ ત્યારથી જેલમાં કેદ છે. તે પરિણીત છે અને બે સંતાનો છે. પોતાનાથી અડધી ઊંમરની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આચરેલાં શારીરિક સંબંધને ગંભીર ગુનો લેખાવતા કૉર્ટે જણાવ્યું કે કિશોરી સાથે પ્રેમ સંબંધ કરવો તે ગુનો નથી પરંતુ શારીરિક સંબંધો બાંધવા તે ગુનો છે. ભરતે જે ગુનો આચર્યો તેમાં પીડિતાની સંમતિ હતી તેવું રેકર્ડ પર આવે છે પરંતુ કાનૂની જોગવાઈઓ જોતાં ૧૮ વર્ષથી નાની વયના કોઈ પણ બાળકની સંમતિથી પણ જો આવું કૃત્ય થયું હોય તો તે પોક્સો એક્ટની કલમ ૬ મુજબનો ગુનો બને છે. આવા કેસમાં કિશોરીની સંમતિ હોય તો પણ તે ગુનો બને છે.

Share it on
   

Recent News  
મોખાણાના ચકચારી જમીન કૌભાંડમાં સવા વર્ષે પકડાયેલાં આરોપીને જામીનનો ઈન્કાર
 
મોત આ રીતે ત્રાટકતું હશે? ભુજમાં બંધ ઘરમાંથી માતા અને વિકલાંગ પુત્રની લાશ મળી
 
વડોદરાના ગઠિયાએ રોકાણના નામે આદિપુરના સ્કુલ ક્લાર્કને ૧૦.૨૦ લાખનો ચૂનો ચોપડ્યો