કચ્છખબરડૉટકોમ, ભુજઃ જમીન માલિકીના વિવાદમાં અરજીઓ કરીને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવાના આરોપ સબબ પોલીસે ખંડણીની કલમો હેઠળ ફીટ કરેલા ભુજના પત્રકાર નવીનગીરી દેવગીરી ગોસ્વામીને ભુજની લૉઅર કૉર્ટે આજે જામીન પર છોડી મૂક્યો છે. જામીન અગાઉ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવા પોલીસે કરેલી અરજી પણ કૉર્ટે ફગાવી દીધી છે. આમ, ૨૪ કલાકની અંદર આરોપી જામીન પર મુક્ત થઈ ગયો છે. આરોપી વતી એડવોકેટ કે.પી. ગઢવીએ દલીલો કરી હતી કે આખો કેસ સિવિલ (દિવાની) પ્રકારનો છે. ફરિયાદમાં કેવળ મૌખિક આરોપ છે, કૉલ રેકોર્ડિંગ જેવા કોઈ પુરાવા નથી.
આરોપીએ કરેલી અરજી સબબ મામલતદારે ફરિયાદીને ૩૦મીએ હાજર રહેવા નોટીસ આપેલી. તે મામલે આરોપી પર દબાણ લાવવા માટે તેને ખોટી ફરિયાદમાં ફીટ કરી દેવાયો છે.
જે કલમો લગાડાઈ છે તે કલમો હેઠળ ગુનો જ બનતો નથી. એક લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ જૂનો છે અને આરોપીએ કોઈ રૂપિયા મેળવ્યાં જ નથી કે માગ્યા નથી.
રૂપિયા મેળવ્યા હોવાના કે માંગણી કર્યા હોવાના આરોપોમાં બનાવનો કોઈ સમયગાળો દર્શાવ્યો નથી. બંને પક્ષની દલીલો સાંભળીને ભુજના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટે આરોપી નવીન ગોસ્વામીને ૧૫ હજારના જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ કે.પી. ગઢવી, વિપુલ ભાનુશાલી, ભાવિકા ભાનુશાલી અને પ્રિયા આહીર હાજર રહ્યા હતા.
Share it on
|