કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઈંગ્લિશ દારૂના સંગ્રહ અને વેચાણના પોલીસ ચોપડે ગણાતા ‘ક્વૉલિટી કેસ’માં ઝડપાયેલાં બે મહત્વના આરોપીની નિયમિત જામીન અરજીઓ ભુજ અને ગાંધીધામ સેશન્સ કૉર્ટે નામંજૂર કરી દીધી છે. ગાંધીધામના કિડાણાની શ્રીરામ સોસાયટીના રહેણાંક મકાનમાં દારૂની પેટીઓનું કટીંગ કરનાર રીઢા આરોપી ધીરજ પ્રેમજી ધેડા (૩૨)એ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ૧૭-૧૮ ઓક્ટોબર ૨૦૨૩ની રાત્રે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે શ્રીરામ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર કરમશી ધેડાના રહેણાંક મકાનમાં રેઈડ કરી ૧૭.૯૦ લાખ રૂપિયાના મૂલ્યની શરાબની પેટીઓ જપ્ત કરી હતી.
સ્થળ પરથી પોલીસે મહેન્દ્રને પકડ્યો હતો. તેની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે કન્ટેઈનર ભરેલો શરાબ લઈને તેનો પિતરાઈ ભાઈ ધીરજ પ્રેમજી ધેડા (ઉ.વ. ૩૨. રહે. સેક્ટર ૭, ગાંધીધામ) આવ્યો હતો. ગાંધીધામના કુખ્યાત શિવરાજસિંહ મદનસિંહ શેખાવતે આ માલ મગાવ્યો હતો અને ધીરજે મહેન્દ્રના ઘરમાં કટીંગ કરાવ્યો હતો.
રેઈડ સમયે ધીરજ અને પેટીઓ ઉતારનાર બે છોકરાં નાસી ગયાં હતાં જેમને પાછળથી પોલીસે પકડી પાડ્યાં હતાં. ધીરજ સામે અગાઉ પણ દારુબંધીના અનેક ગુના નોંધાયેલાં હોવાનું અને આ સમાજવિરોધી ગંભીર ગુનો હોવાનું જણાવી ગાંધીધામના બીજા અધિક સેશન્સ જજ બી.જી. ગોલાણીએ તેને જામીન પર છોડવાનો સાફ ઈન્કાર કરીને અરજી ફગાવી દીધી હતી.
ગઢશીશાના બૂટલેગરની જામીન અરજી રદ્દ
ગઢશીશા પોલીસે ૬ દિવસ અગાઉ ગત ત્રીજી જાન્યુઆરીએ ગામના મફતનગર વિસ્તારમાં આવેલા ગાયોના વાડામાં ઘાસની ગંજીઓની ઓથે ૩૮ હજારના મૂલ્યના વિવિધ બ્રાન્ડના ઈંગ્લિશ શરાબની ૯ પેટીઓ જપ્ત કરી હતી. વાડાનો કબજો ભોગવટો ધરાવતો મનીષગીરી મંગલગર ગુંસાઈ (રહે. શક્તિનગર, ગઢશીશા) સ્થળ પરથી પકડાઈ ગયો હતો. મનીષની પૂછતાછમાં માંડવીના દુજાપરનો દિવ્યરાજ મહેન્દ્રસિંહ ગોહિલ માલ આપી ગયો હોવાનું ખૂલ્યું હતું. મનીષે કરેલી રેગ્યુલર બેઈલ એપ્લિકેશન ભુજના આઠમા અધિક સેશન્સ જજ એસ.એમ. કાનાબારે ફગાવી દીધી છે.
Share it on
|