કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ (ડીઆઈએલઆર) કચેરીનો આઉટ સોર્સિંગ સર્વેયર તેના ફોલ્ડર મારફતે ચાર હજાર રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. આરોપીઓએ માલિકીની જમીનના સર્વે નંબરની માપણી કરવા પેટે લાંચ માગી હતી. જેના પગલે એસીબીએ માંડવી તાલુકાના ગોધરા ગામે છટકું ગોઠવી બેઉ આરોપીને ઝડપી પાડ્યા છે. એસીબીએ જણાવ્યું કે, અરજદારે પોતાની માલિકીની જમીનનો સર્વે નંબર માપણી કરાવવા માટે ડીઆઈએલઆર કચેરીમાં ઓનલાઈન અરજી અને તેનું પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ માપણી માટે કચેરીએ આઉટ સોર્સિંગ સર્વેયર તરીકે વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજાને કામગીરી માટે નિયુક્ત કર્યો હતો. દરમિયાન, વિક્રમસિંહના વચેટીયા મઝહર હુસેન નસરુદ્દીન અંસારીએ અરજદારને ફોન કરી વિક્રમસિંહ વતી લાંચ પેટે ચાર હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ બાબતે અરજદારે ભુજ એસીબી કચેરીનો સંપર્ક કરતાં આજે એસીબીએ માંડવીના ગોધરા ગામે છટકું ગોઠવી વિક્રમસિંહ અને મઝહર હુસેનને લાંચની માંગણી કરી તેને સ્વિકારતાં રંગેહાથ પકડાઈ ગયા હતા. લાંબા સમય બાદ એસીબી પુનઃ સક્રિય થતાં ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Share it on
|