કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં આજે એ અને બી ડિવિઝન પોલીસે શહેરમાં દારૂનું છૂટક વેચાણ કરતાં છૂટકિયા પર તવાઈ ઉતારીને સાત જણાંને ઝડપી પાડ્યાં છે. બીજી તરફ, બી ડિવિઝન પોલીસે કિડાણાથી સપનાનગર ચાર રસ્તા સુધી જાહેર ટ્રાફિકને અડચણરૂપ બનતી ૧૬ ગેરકાયદે કાચી પાકી દુકાનોને જમીનદોસ્ત કરીને લગડી જેવી રોડ ટચ ૨૪૦૦ ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવી છે. એ ડિવિઝન પોલસે ચાર છૂટકિયા બૂટલેગર પકડ્યાં
ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે આજે બપોરે રેલવે સ્ટેશન બાજુથી દારૂની બાટલીઓ લઈને પગપાળા ચાવલા ચોક તરફ જવા નીકળેલા ચાર છૂટકિયા બૂટલેગરોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ઝડપી પાડ્યાં હતા. આદિપુરના ભરત લક્ષ્મણભાઈ મહેશ્વરીને ૮૪૦૦ રૂપિયાની કિંમતની ઈંગ્લિશ શરાબની ૧૨ નંગ બોટલો સાથે, રમેશ દેવજી મહેશ્વરીને ૯૧૦૦ની ૧૩ નંગ બોટલો સાથે, સંતોષ રાયધન સામતભાઈ ચાવડાને ૪૯૦૦ની ૭ નંગ બોટલો સાથે અને વિજય મૌર્યને ૭ હજારની ૧૦ નંગ બોટલો સાથે ઝડપી પાડ્યાં હતા.
બી ડિવિઝન પોલીસે ત્રણ છૂટકિયાને દબોચ્યાં
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન સામે આવે પુલિયા પાસેથી અજય કુશવાહા નામના બૂટલેગરને ૧૫૪૦૦ની કિંમતના વિવિધ બ્રાન્ડના શરાબની ૧૪ બોટલો સાથે, વિનોદ બાલકિશન ખરવાલને ૨૨૦૦ની બે નંગ બાટલીઓ સાથે અને ગોપાલકુમાર પંડિત નામના યુવકને ૧૬ બિયર ટીન અને એક બાટલી મળી ૪૬૪૦ના મૂલ્યના શરાબ સાથે ઝડપી પાડ્યા હતા. બે-ત્રણ દિવસ અગાઉ ગાંધીધામ સડક વચ્ચે નશામાં ધુત થઈને બેઠેલો યુવક ઈંગ્લિશ દારૂ ભરેલી બાટલી ગટગટાવતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કરેલી આ કામગીરી સૂચક છે.
કિડાણાથી સપનાનગર સુધીની ૧૬ દુકાનો તોડી પડાઈ
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કિડાણાથી લઈ સપનાનગર ચોકડી સુધી જાહેર માર્ગને અવરોધ કરતી કાચી પાકી ૧૬ દુકાનોને બુલડોઝ કરીને ૨૪૦૦ ચોરસ ફૂટ જેટલી કિંમતી જમીન ખુલ્લી કરાવી છે. એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.વી. ગોજીયાએ આ વિસ્તારમાં ગેરકાયદે બનેલી ચા નાસ્તા, મટન, ચિકન, પંચર રીપેરીંગ વગેરે સહિતની ૧૬ દુકાનો તોડી પડાવી હતી. અમુક ગેરકાયદે દબાણો ગફુર જાફર છુછીયા અને અસગર અયુબ કટીયા જેવા ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા શખ્સોના હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Share it on
|