કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ જાહેર માર્ગો પર રખડતાં ઢોરના લીધે અવારનવાર માનવ મૃત્યુના બનાવો બને છે. કચ્છના લાકડીયામાં રખડતી ગાય આડી ઉતરતાં સર્જાયેલાં અકસ્માતમાં ૧૪ વર્ષના કિશોરનું અકાળે મૃત્યુ નીપજ્યું છે. દુર્ઘટના શુક્રવારે સવારે સવા નવના અરસામાં લાકડીયા નજીક સંધ્યાગિરિ બાપુના આશ્રમ પાસે બની હતી. મરણ જનાર દેવરાજ વિરમ કોલી નામનો હતભાગી બાળક તેના પરિચિત કિશોર રામજી કોલીની મોટર સાયકલ પાછળ બેસીને લાકડીયાથી સામખિયાળી શાકભાજી લેવા જતો હતો. રસ્તામાં બાપુના આશ્રમ નજીક રોડ પર અચાનક ગાય આડી ઉતરતા કિશોરે બાઈકને બ્રેક મારેલી અને બ્રેક મારતા જ બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં દેવરાજને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દેવરાજને સારવાર માટે સૌપ્રથમ સામખિયાળીની ખાનગી હોસ્પિટલ અને બાદમાં ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ભુજ લાવતી વખતે રસ્તામાં જ દેવરાજનું મૃત્યુ નીપજી ગયું હતું.
બનાવ અંગે દેવરાજના મામા પ્રકાશ કોલીએ લાકડીયા પોલીસ મથકે કિશોર કોલી વિરુધ્ધ બેદરકારીપૂર્વક પૂરઝડપે બાઈક હંકારી અકસ્માત સર્જીને ભાણિયાનું મોત નીપજાવવા સબબ આજે ફરિયાદ નોંધાવી છે.
રખડતાં ઢોર છે રાષ્ટ્રીય સમસ્યા, જનતાની આ જ નિયતિ
એક જમાનામાં મદારીઓના દેશ તરીકે વિદેશોમાં વગોવાતું ભારત આજે જાહેર માર્ગો પર રખડતાં ઢોરના લીધે વિશ્વભરમાં વગોવાઈ રહ્યું છે. ગાયને માતાનો દરજ્જો આપી તેના મળ મૂત્રના પૂજા અને સેવન કરનારા ભક્તો ગાયો અને આખલાઓ કેમ રસ્તે રખડતાં થાય છે, શા માટે પ્લાસ્ટિકના ઝબલાં આરોગે છે અને લોકો માટે જીવલેણ બને છે તેનો કોઈ જવાબ કે ઉકેલ આપી શકતા નથી. સોશિયલ મીડિયા પર અવારનવાર જીવલેણ આખલા યુધ્ધ અને ગૌવંશ દ્વારા માણસો પર કરાતાં જીવલેણ હુમલાની ઘટનાઓના વીડિયો ફૂટેજ વાયરલ થાય છે.
ગાયને માતા સમાન ગણાવીને ગૌવંશ હત્યાનો કડક કાયદો બનાવનારી ભાજપ સરકારોએ રખડતી ગાયો અને આખલાઓના લીધે થતાં માનવ મૃત્યુને નિવારવા માટે કોઈ જ કડક કાયદા બનાવ્યાં નથી.
આ રીતે રખડતાં ઢોરથી ફફડતાં રહેવાનું છે અને ભોગ બનતાં રહેવાનું છે તે આ દેશની આમજનતાની નિયતિ બની ગઈ છે.
Share it on
|