કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં રહેતાં ગાઢ મિત્રના યુવાન પુત્રના માર્ગ અકસ્માતમાં અકાળ મૃત્યુના પગલે બોલિવુડ અભિનેતા આમીર ખાન આજે કચ્છ દોડી આવ્યાં છે. આજે સવારે ચાર્ટર્ડ ફ્લાઈટમાં આમિર ખાને ભુજ દોડી આવી નજીકના કોટાય ગામે રહેતાં મિત્ર ધનજીભાઈ ચાડ (આહીર)ના પુત્ર મહાવીરના બેસણાંમાં હાજરી આપીને પ્રિય મિત્રના દુઃખમાં સહભાગી થયાં છે.
જૂન ૨૦૦૧માં રીલીઝ થયેલી આમીર ખાન નિર્મિત ફિલ્મ ‘લગાન’નું શૂટિંગ ભુજના કુનરીયા ગામે થયું હતું.
ફિલ્મના શૂટિંગ સમયે લાઈન પ્રોડ્યુસર તરીકે ધનજીભાઈએ આખો સેટ ઊભો કરવાથી લઈ સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. તે સમયથી ધનજીભાઈ આમીર ખાનના ખાસ પારિવારીક મિત્ર બની ગયા હતા. લગાનના નિર્માણ બાદ બેઉ વચ્ચેના સંબંધો ગાઢ બન્યાં હતાં.
ગત બુધવારે રાત્રે ધનજીભાઈ ચાડનો ૩૯ વર્ષિય પુત્ર મહાવીર સ્કોર્પિયો કાર લઈને માઉન્ટ આબુ જતો હતો ત્યારે ડીસા નજીક સોતમલા પાટિયા પાસે આગળના વાહનમાં કાર ટકરાતાં સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં મહાવીરનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. દુર્ઘટના અંગે જાણ થતાં ગત રાત્રે આમીર ખાને ફોન કરી ધનજીભાઈને આશ્વાસન આપ્યું હતું અને આજે સવારે મુંબઈથી ખાસ ચાર્ટર ફ્લાઈટમાં ભુજ આવી કોટાય ગામે પહોંચી બેસણાંમાં હાજરી આપી હતી.
Share it on
|