કચ્છખબરડૉટકોમ, માંડવીઃ પાંચેક વર્ષ અગાઉ માંડવી પોલીસ સ્ટેશનમાં પીએસઓ પર હુમલો કરનાર પાંચોટિયા ગામના માથાભારે પુનશી આલા ગઢવી અને તેના ભાઈ સહિત ચાર જણે ગત મધરાત્રે પોલીસ સ્ટેશનમાં ઘાતક હથિયારોથી પીએસઓ અને હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો છે. જો કે,સતર્ક કર્મચારીઓએ આરોપીઓએ હથિયારથી કરેલાં વાર ચૂકાવી દેતાં તેમનો આબાદ બચાવ થયો હતો. હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશીને હુમલામાં સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય સ્ટાફે ચારે જણને ઝડપી લેતાં હત્યાનો પ્રયાસ નાકામ રહ્યો હતો. આરોપીઓએ બારીનો કાચ ફોડી નાખ્યો હતો.
ફ્રોડના આરોપી ના પકડાવા મુદ્દે ડખો કરેલો
માંડવી પોલીસે જણાવ્યું કે પુનશીના નાના ભાઈ હરિ ગઢવીના ખાતામાંથી થોડાંક સમય અગાઉ સાઠ સિત્તરે હજાર રૂપિયા ઉપડી ગયેલાં. તે અંગે સાયબર પોલીસે તુરંત કાર્યવાહી કરીને નાણાં તેના એકાઉન્ટમાં પરત જમા કરાવેલાં. પરંતુ, આરોપીઓ પકડાયાં નથી. તપાસમાં કેટલાંક આરોપીના મોબાઈલ નંબર વિદેશના હોવાનું પણ ખૂલેલું. ગુનાની તપાસ માંડવીના હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી કરી રહ્યા છે. હરિ અને પુનશી અવારનવાર ‘આરોપીઓને કેમ પકડ્યાં નથી?’ કહીને મેહુલ જોશી જોડે માથાકૂટ કરેલી.
હુમલા પૂર્વે પોલીસ કંટ્રોલમાં જાણ કરેલી!
નાઈટ ડ્યુટીમાં રહેલા હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી પોલીસ સ્ટેશને હાજર હતા ત્યારે આરોપીઓએ તેમને ફોન પર ગાળો ભાંડીને મારવાની ધમકી આપેલી. ત્યારબાદ અડધી રાત્રે સાડા બારના અરસામાં તલવાર, ફરસી, છરી અને ધોકા સાથે બેઉ ભાઈ તથા તેમના બે સાગરીત શામળા થારુ ગઢવી (મોટી ભુજપુર) અને ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) (ઝરપરા, મુંદરા) સાથે પોલીસ સ્ટેશને આવેલાં. માંડવી પોલીસ મથકે આવતાં અગાઉ તેમણે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતે માંડવી પોલીસ મથકે જતાં હોવાની જાણ કરેલી!
ઘાતક હથિયારોથી હત્યાના હેતુથી હુમલો કર્યો
પોલીસ કર્મચારીઓની હત્યાનું કાવતરું ઘડી, ઘાતક હથિયારો સાથે ચારે જણ પોલીસ સ્ટેશને આવીને ગાળાગાળી કરીને હુમલો કરેલો. પુનશી ગઢવીએ પોલીસ સ્ટેશન ઑફિસર સંતોષ રાઠોડ પર તલવાર ઝીંકવા પ્રયાસ કરેલો. તો, પુનશી સહિતના અન્ય આરોપીઓએ હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી પર પણ ઘાતક હુમલાનો પ્રયાસ કરેલો. આરોપીઓએ બારીનો કાચ ફોડી નાખ્યો હતો. જો કે, પોલીસ સ્ટેશનમાં હાજર સ્ટાફે ચારેને ઝડપી લઈ લૉક અપની ‘અંદર’ કરી દીધાં હતાં. ઘટના બાદ ભુજના DySP જાડેજા સહિતના અધિકારીઓ માંડવી દોડી ગયાં હતાં.
ભારેખમ કલમો તળે ફરિયાદ નોંધાઈ
હત્યાનું ષડયંત્ર ઘડીને ઘાતક હથિયારો સાથે પોલીસ સ્ટેશનમાં આવી ફરજમાં કાર્યરત પોલીસ કર્મચારીઓની હત્યાના પ્રયાસ હેતુ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા તથા બારીના કાચ ફોડીને પાંચ હજાર રૂપિયાનું જાહેર મિલકતમાં નુકસાન કરવા સહિતની વિવિધ ભારેખમ કલમો તળે પીએસઓ સંતોષ રાઠોડે ગુનો નોંધાવ્યો છે.
પાંચ વર્ષ અગાઉ પણ PSO પર હુમલો કરેલો
હુમલાખોરો પૈકી ૩૪ વર્ષિય પુનશી રીઢો આરોપી છે. તેની વિરુધ્ધ ૨૦૧૪થી લઈ અત્યારસુધીના દસ વર્ષમાં અપહરણ, ઘાતક હુમલો કરવો, દારૂબંધી, એટ્રોસીટી સહિતના ૧૬ જેટલાં ગુના નોંધાઈ ચૂકેલાં છે. આ ગુના માંડવી ઉપરાંત માનકૂવા, ભુજ, ગાંધીધામ સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં છે.
૦૩-૦૧-૨૦૨૦ના રોજ પુનશીએ માંડવી પોલીસ સ્ટેશનમાં પીએસઓ પર હુમલો કરી લોકઅપ સાથે માથું અથડાવીને બાદમાં પોલીસે પોતાના પર હુમલો કર્યો હોવાનું નાટક કરેલું. ઝનૂની સ્વભાવનો પુનશી અગાઉ પાસામાં પણ ફીટ થયેલો છે.
૧૪-૦૭-૨૦૨૧ના રોજ હરિયાણાથી ૨૭ હજાર ૬૮૦ રૂપિયાની દારૂની બાટલીઓ લાવી, ભુજથી કારમાં લઈ જતી વખતે પોલીસે તેને અન્ય બે સાગરીતો સાથે ઝડપ્યો હતો. ગત ૧૫-૧૦-૨૦૨૩ના રોજ ગાંધીધામ રેલવે સ્ટેશન બહાર સર્વિસ રોડ પર પુનશી અને તેના ત્રણ સાગરીતોએ એક યુવક પર લાકડી વડે હુમલો કરીને ઢોર માર મારી ડાબો ખભો ભાંગી નાખ્યો હતો. આ ગુનામાં નાસતાં ફરતાં પુનશીની ૨૫-૦૪-૨૦૨૪ના રોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. પુનશી ભૂતકાળમાં માંડવીના ફરાદી ગામે તલાટી તરીકે નોકરી કરતો હતો.
Share it on
|