કચ્છખબરડૉટકોમ, માંડવીઃ ઠગાઈ સાથે નકલી કેસમાં ફસાવી દેવાનો દમ મારી ૯ લાખ રૂપિયાનો તોડ કરવાના માંડવીના સાડા છ વર્ષ જૂના કેસમાં માંડવી કૉર્ટે સ્ટેટ આઈબીના તત્કાલિન PSI સુનિલકુમાર દલસુખ વૈષ્ણવ સહિત ચાર આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. ચીટરે પડાવી લીધેલાં ત્રણ લાખ રૂપિયા પરત કઢાવવા જતાં માંડવીના નાગલપર વાડી વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષિય દેવરાજ ખીમજી હિરાણી (પટેલ)ને નકલી નોટના કેસમાં ફીટ કરવાની ધમકી આપીને પોસઈ સહિતના ત્રણ આરોપીએ નવ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ૨૦૧૫માં ગુનાની શરૂઆત થયેલી
વર્ષ ૨૦૧૫માં ફરિયાદી બિલ્ડર દેવરાજ હિરાણીની સાઈટ પર કામ કરતા ભરત મહેશ્વરીએ શેઠને જણાવેલું કે તે તેના ગામ કોડાયમાં રહેતા અકબરશા વલીશા સૈયદ નામના એક માણસને ઓળખે છે, અકબર એક મહિનામાં રૂપિયા ડબલ કરી આપે છે.
ભરતના કહેવાથી દેવરાજ અકબરશાને મળેલો અને તેને ડબલ કરવા માટે ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.
એક મહિનાની અવધિ બાદ અકબરશાએ દેવરાજને રૂપિયા પરત આપવાનો ઈન્કાર કરીને કહેલું કે તેણે જે માણસને રૂપિયા ડબલ કરવા આપેલા તે માણસ રૂપિયા લઈને નાસી ગયો છે, તેથી હવે તને રૂપિયા પાછાં નહીં મળે.
૨૦૧૮માં રૂપિયા પરત કઢાવવા બીજાને વાત કરી
અકબરશાએ રૂપિયા હજમ કરી ગયેલો અને પરત આપતો નહોતો. બે વર્ષ બાદ ૨૦૧૮માં દેવરાજે રૂપિયા પરત કઢાવવા માટે માંડવીના જતનગરમાં રહેતા મામદ જતનો સંપર્ક કર્યો હતો. મામદે 'તપાસ કરી જણાવું છું' કહી બે-ચાર દિવસ પછી દેવરાજને કહ્યું હતું કે 'અકબરશા અને તેની ગેંગ ચીટર ટોળકી છે. તે લોકો જાલી નોટનો ધંધો કરે છે. તારા પૈસા હવે તુ ભૂલી જા.' મામદની વાત સાંભળીને દેવરાજે 3 લાખ રૂપિયાનું ન્હાઈ નાખ્યું હતું.
અચાનક PSIના ધમકીભર્યાં ફોન ચાલું થયાં
દેવરાજ અકબરશાને આપેલા 3 લાખ રૂપિયા ભૂલી ગયો હતો. ત્યાં ૧૬-૧૦-૨૦૧૮ના રોજ સ્ટેટ આઈબીમાં માંડવી ખાતે PSI તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર દલસુખ વૈષ્ણવે અચાનક દેવરાજને મોબાઈલ પર ફોન કરી ૨૦૧૫ની જાલી નોટની અકબરશાવાળી ઈન્ક્વાયરી આવેલી છે તેમ કહી મળવા માટે પોલીસ મથકે બોલાવ્યો હતો.
પોલીસ અને નકલી નોટનું નામ સાંભળીને દેવરાજ ડરી ગયો હતો.
બે દિવસ બાદ મામદ જતે દેવરાજને ફોન કરીને પોતાની ઑફિસે વૈષ્ણવસાહેબ તપાસમાં આવ્યા છે કહીને તેને બોલાવ્યો હતો. જો કે, ડરી ગયેલો દેવરાજ મામદની ઓફિસે પણ ગયો નહોતો.
દેવરાજને ભીંસમાં લેવા બીજા દિવસે મામદ જતનો માણસ સલીમ તેના ઘેર ગયો હતો અને ત્યાંથી તે તેની સાઈટ પર આવ્યો હતો.
સલીમે મામદ જતની ઓફિસે વૈષ્ણવસાહેબ બેઠાં હોવાનું જણાવી ફરિયાદીને તેઓ તેને ત્યાં બોલાવતાં હોવાનું કહ્યું હતું. પરંતુ, દેવરાજ ગયો નહોતો.
બોલ તારે શું કરવું છે? તોડ કરવો છે કે જેલ જવું છે?
થોડીકવાર બાદ સાદા વેશમાં એક્ટિવા પર કમરે રિવોલ્વર લટકાવીને PSI વૈષ્ણવ દેવરાજની સાઈટ પર પહોંચી ગયો હતો. ત્યાં જઈ ‘મારા ફોન તું કેમ ઉપાડતો નથી’ તેમ કહી ગાળાગાળી કરી ધમકી આપી હતી કે ‘તારી પર ૨૦૧૫નો ત્રણ લાખ રૂપિયાની જાલી નોટનો કેસ છે અને આ દેશદ્રોહનો ગુનો છે. ૧૧ વર્ષની જેલ થશે. બોલ તારે શું કરવું છે? તોડ કરવો છે કે જેલ જવું છે?’ ફરિયાદીએ અકબરશાને આપેલી નોટો નકલી હતી તેવો વૈષ્ણવે દમ મારેલો અને ફરિયાદી જાલી નોટનો ધંધો કરતો હોવાનો આરોપ મુકીને ડરાવ્યો હતો.
PSIએ ૧૫ લાખની માંગણી કરી ૯ લાખમાં તોડ કરેલો
PSI વૈષ્ણવની વાતોથી ડરી ગયેલાં દેવરાજે તોડ કરી મામલો રફેદફે કરી દેવા જણાવતાં વૈષ્ણવે ૧૫ લાખ રૂપિયા માગ્યા હતા. જો કે, રકમ બહુ મોટી હોવાનું જણાવતાં રકઝક થઈ હતી.
છેવટે ૯ લાખ રૂપિયામાં પતાવટ કરવા નક્કી થયું હતું. નક્કી થયા બાદ દેવરાજે તેના ભાઈ અને પરિચિતો વતી વૈષ્ણવને ટૂકડે ટૂકડે ત્રણ વખત ત્રણ-ત્રણ લાખ રૂપિયા મળી નવ લાખ રૂપિયા અલગ અલગ સ્થળ અને સમયે આપ્યા હતા.
દેવરાજે તેના મિત્રો, વિદેશમાં રહેતા ભાઈ, તેના બનેવી વગેરે પાસેથી હાથઉછીના નાણાં મેળવી વૈષ્ણવને નવ લાખ રૂપિયા આપ્યા હતા.
તોડ બાદ PSIની ધમકીઃ વાત બહાર ગઈ તો બંદૂકથી મારી નાખીશ!
છેલ્લો ૩ લાખનો હપ્તો લેતી સમયે PSI વૈષ્ણવે દેવરાજને ધમકી આપી હતી કે ‘જો આ વાત બહાર નીકળી તો હું તને જાનથી મારી નાખીશ. બંદૂક તો મારી પાસે જ હોય છે. ધ્યાન રાખજે’ આ ઘટના કદી બહાર આવી ના હોત પરંતુ ફરિયાદના ત્રણેક દિવસ અગાઉ જમીનનો સોદો કેન્સલ થયા બાદ સુથીની રકમ કઢાવવા માટે મામદ જત અને તેના માણસ સાથે દેવરાજના સમાજના અન્ય એક શખ્સની થયેલી માથાકૂટમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
એક આરોપી હજુ સુધી નાસતો ફરતો રહ્યો છે
૧૭-૧૧-૨૦૧૮ના રોજ દેવરાજે ભરત મહેશ્વરી, અકબરશા સૈયદ, પો.સ.ઈ. વૈષ્ણવ, મામદ ઊર્ફે કિંગ ઉમર જત, મોહમ્મદ સલીમ કરીમ મામદ હિંગોરજા સહિત પાંચ લોકો સામે માંડવી પોલીસ મથકે વિશ્વાસઘાત, ઠગાઈ, જેલમાં જવાની ધમકી આપીને બળજબરીથી નાણાં પડાવવા, મારી નાખવાની ધમકી આપવી વગેરે આરોપ સબબ IPC કલમ ૪૦૬, ૪૨૦, ૩૮૯, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ભરત મહેશ્વરી આજ દિન સુધી નાસતો ફરતો રહ્યો છે.
માંડવીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સ્વાતિ રાજબીરે આજે પો.સ.ઈ. વૈષ્ણવ સહિત અન્ય ચારે જણને વિવિધ કલમો ત્રણ ત્રણ વર્ષની સાદી કેદ અને પાંચથી દસ હજાર રૂપિયાનો આર્થિક દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે એપીપી ડી.સી. ઠાકોરે સફળ પેરવી કરી હતી.
Share it on
|