click here to go to advertiser's link
Visitors :  
24-May-2026, Sunday
Home -> Kutch -> AAP Kutch Zone President arrested in robbery and extortion at Pragpar
Sunday, 24-May-2026 - Mundra 864 views
આમ આદમી પાર્ટીનો કચ્છ ઝોનના પ્રમુખ સહિત ત્રણ જણ ખંડણી અને લૂંટના ગુનામાં ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ આમ આદમી પાર્ટીનો કચ્છ ઝોનનો પ્રમુખ સંજય બાપટ અને તેના બે સાગરીતો ગંભીર ફોજદારી ગુનામાં ‘અંદર’ થયાં છે. મુંદરા રહેતો સંજય બાપટ છેલ્લાં ઘણાં સમયથી ગુંદાલા પાસે પ્લાસ્ટિકના ઓઈલ બેરલને સાફ કરી વેચવાનો ધંધો કરતા આદિપુરના વેપારી પાસે શાંતિથી ધંધો કરવો હોય તો મને રૂપિયા આપવા પડશે તેમ કહીને ખંડણી માગતો હતો.

વેપારીએ ખંડણી આપવા ઈન્કાર કરતા બાપટે પત્રકારના નામે ફરતાં તેના બે માણસોને વેપારીના ધંધાના સ્થળે મોકલી મારકૂટ કરાવી ૪૫ હજારની લૂંટ કરાવી હતી. જો કે, વેપારી પણ માથાનો નીકળ્યો. બાપટના એક માણસને પકડીને સરખો કૂટી નાખી બાપટની ખંડણી લીલાની કહાણીનું વીડિયો રેકોર્ડીંગ કરી લઈ તેને પોલીસ હવાલે કરાવી ચાર સામે પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બાપટ આદિપુરના ધંધાર્થી પાસે ખંડણી માગતો હતો

આદિપુરમાં રહેતા ૫૦ વર્ષિય અબ્દુલા ગફૂર હાલેપોત્રા ટ્રાન્સપોર્ટની સાથે ગુંદાલા સીમમાં પ્લાસ્ટિકના ખાલી ઓઈલ બેરલ ગાંધીધામથી મગાવી સાફ કરીને વેચવાનો ધંધો કરે છે. ગત ૨૫ એપ્રિલના રોજ વવાર ગામનો માણેક ગઢવી નામનો શખ્સ અબ્દુલાને રૂબરૂ મળવા આવેલો અને સંજય બાપટનો નંબર આપી ફોન પર વાત કરવા જણાવેલું. અબ્દુલાએ બીજા દિવસે બાપટ જોડે મોબાઈલ વોટસએપ પર કૉલ કરતા બાપટે તેને પોતાની ઑફિસે રૂબરૂ મળવા બોલાવેલો.

અબ્દુલા તેને રૂબરૂ મળ્યો ત્યારે બાપટે ધમકી આપેલી કે ‘તારે મુંદરા તાલુકામાં કોઈ ધંધો કરવો હોય તો મને દર મહિને રૂપિયા આપવા પડશે’ અબ્દુલાએ પોતે કોઈ આડો ધંધો કરતો ના હોવાનું જણાવીને રૂપિયા આપવાનો સાફ ઈન્કાર કરી દીધેલો.

માણેક ગઢવી અવારનવાર અબ્દુલાને રૂબરૂ મળી અથવા ફોન કરી હપ્તા માગતો રહેતો.

ઘરે ૩૫ હજારનું એસી નખાવ્યું છે, તું રૂપિયા આપી દેજે!

ગત બુધવારે સંજય બાપટે અબ્દુલાને ફોન કરીને જણાવેલું કે ‘મેં મારા ઘરે નવું એસી લગાડેલું છે, જેની કિંમત ૩૫ હજાર રૂપિયા થઈ છે. હું કહું તે દુકાનવાળાને રૂપિયા આપી દેજે’ અબ્દુલાએ રૂપિયા આપવા ના પાડતાં બાપટે ધમકી આપતા જણાવેલું કે ‘મારે તને વારંવાર કહેવાનું ના હોય, તારે ધંધો કરવો હોય તો મને રૂપિયા આપવા પડશે. હું બધી જગ્યાએથી રૂપિયા લઉં છું, નહીં આપે તો તારો ધંધો ચાલવા નહીં દઉં. એક દિવસ રાહ જોઈશ નહીંતર તારી જગ્યા પર મારાં માણસો મોકલીશ’

રૂપિયા ના આપ્યાં બે જણને મોકલી હુમલા સાથે લૂંટ આચરી

અબ્દુલાએ રૂપિયા ના આપતા બાપટે મુંદરામાં પત્રકાર બનીને ફરતાં આરીફ કાસમ ખલીફા અને હરિ સુમાર ગઢવીને ગઈકાલે તેના ધંધાના સ્થળે મોકલેલાં. બેઉ જણ બુલેટ લઈને આવેલા. બેઉ જણે બેરલ સાફ કરી રહેલા મનોહરસિંહ સોઢા અને અવિનાશ નામના કર્મચારીઓ જોડે ઝઘડો, મારકૂટ કરેલી.

હરિ ગઢવીએ મનોહરસિંહના પેન્ટના ખિસ્સામાં હાથ નાખીને ધંધાની આવકના ૪૫૦૦ રૂપિયા લૂંટી લઈને બુલેટ પડાવી લીધી હોવાની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપેલી. અબ્દુલ્લા અને અન્ય માણસો સ્થળ પર દોડી આવતા હરિ ગઢવી નાસી ગયેલો પણ આરીફ ખલીફા પકડાઈ ગયેલો.

મજૂરોએ આરીફને સરખો કૂટી નાખેલો. પોતાને અને હરિ ગઢવીને સંજય બાપટે મોકલ્યાં હોવાની આરીફની કબૂલાતનું વીડિયો રેકોર્ડીંગ કરીને અબ્દુલા તેને પોલીસ સ્ટેશને લઈ ગયો હતો. બનાવ અંગે પ્રાગપર પોલીસે સંજય બાપટ, માણેક ગઢવી, હરિ ગઢવી અને આરીફ ખલીફા વિરુધ્ધ લૂંટ, ખંડણીની માંગણી સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને સંજય બાપટ, આરીફ અને માણેક ગઢવીની ધરપકડ કરી લીધી છે.

બીજી તરફ, આરીફ ખલીફાએ ઓઈલ ચોરીનું રેકેટ ચાલતું હોવાની આશંકાએ સમાચાર માટે વીડિયો રેકોર્ડીંગ કરતા હતા ત્યારે ગફુર સહિતના માણસોએ પકડીને મારકૂટ કરી પરાણે ખોટી કબૂલાત કરાવતો વીડિયો રેકોર્ડ કર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે.

આપના કચ્છ એકમની ખરડાઈ રહી છે ઈમેજ

આમ આદમી પાર્ટીમાં અગાઉ મહામંત્રી રહી ચૂકેલા સંજય બાપટ સામે અગાઉ લેન્ડગ્રેબિંગ સહિતની ફરિયાદો નોંધાયેલી છે. આખું મુંદરા બાપટની કરમકુંડળીથી સુપેરે વાકેફ છે. કચ્છમાં આમ આદમી પાર્ટીમાં ડૉ. કાયનાત અન્સારી, ડૉ. નેહલ વૈદ્ય, સીએ કૈલાસદાન ગઢવી કે પ્રદેશ સ્તરે પૂર્વ પત્રકાર ઈશુદાન અને ગોપાલ ઈટાલિયા જેવા સુશિક્ષિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતાં લોકો સંકળાયેલા છે ત્યારે ગુનાહિત ઈતિહાસ અને માનસિક્તા ધરાવતાં લોકોથી પાર્ટીની ઈમેજને કલંક લાગી રહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Share it on
   

Recent News  
અંજારમાં અડધી રાતે રહેણાકમાં ત્રાટકી પોલીસે ૨.૫૦ લાખનો ૫ કિલો ગાંજો જપ્ત કર્યો
 
હરિદ્વારની મફત યાત્રા સાથે ભાગવતનો લ્હાવો લેવાના બહાને આદિપુરમાં વડીલો સાથે ઠગાઈ
 
ગાંધીધામઃ બે દિવસ અગાઉ રજા પરથી આવેલા BSF જવાનનો માથામાં ગોળી મારી આપઘાત