click here to go to advertiser's link
Visitors :  
13-May-2026, Wednesday
Home -> Kandla -> Three laborers die after inhaling toxic gas during timber ship fumigation at Kandla Port
Wednesday, 13-May-2026 - Kandla 1281 views
કંડલામાં ટીમ્બર ભરેલાં જહાજમાં ફ્યુમિગેશન સમયે ઝેરી ગેસથી ત્રણ મજૂરનાં મોત
કચ્છખબરડૉટકોમ, કંડલાઃ કંડલા પોર્ટ પર લાંગરેલા ઈમારતી લાકડાં ભરેલાં જહાજમાં લાકડાંના જથ્થાને ઝેરી ગેસથી જીવજંતુરહિત બનાવવાની ફ્યુમિગેશનની પ્રક્રિયા દરમિયાન ઝેરી ગેસથી ત્રણ શ્રમિકના મૃત્યુ નીપજ્યાં છે. આજે બપોરે પોણા બારથી બાર વાગ્યાના અરસામાં પોર્ટની ૧૩ નંબરની બર્થ પર લાંગરેલા મર્ચન્ટ વેસલ (MV) ‘પાન ઓપ્ટિમમ’ નામના કાર્ગો શીપમાં દુર્ઘટના ઘટી હતી.

ટીમ્બર લૉગ્સનું ફ્યુમિગેશન કરી રહેલો એક શ્રમિક જહાજના ત્રણ નંબરના કમ્પાર્ટમેન્ટના મેનહોલ પાસે ઝેરી ગેસની અસરથી ઢળી પડ્યો હતો. તેની પાછળ ગયેલાં અન્ય બે શ્રમિકો પણ ઝેરી ગેસથી ઢળી પડેલાં.

સારવાર મળે તે પૂર્વે ત્રણેનાં મૃત્યુ નીપજ્યાં

દુર્ઘટનાની જાણ થતાં તુરંત ત્રણેને પોર્ટની એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલે ખસેડાયાં હતા પરંતુ સારવાર પૂર્વે તેમને મૃત્યુ પામેલાં જાહેર કરાયાં હતા. કંડલા મરિન પોલીસે જણાવ્યું કે મૃતકોમાં રાજકુમાર રામકિશોર કુમાર (ઉ.વ. ૩૬), માસુક અલી સુલતાન અલી (ઉ.વ. ૩૪) અને રાજેશ રામચંદ્ર (ઉ.વ. ૩૪)નો સમાવેશ થાય છે. ત્રણે શ્રમિકો ઉત્તર પ્રદેશના વતની હતા અને રીષી શિપીંગ લિમિટેડના તાબામાં કામ કરતી મીરાં કાર્ગો હેન્ડલિંગ કંપનીમાં મજૂરી કરતાં હતા.

પોર્ટલેન્ડથી દેવદારના લાકડાં લઈને આવ્યું છે જહાજ

દીનદયાલ કંડલા પોર્ટ ઑથોરીટીના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે આ જહાજ ઑસ્ટ્રેલિયાના પોર્ટલેન્ડથી દેવદારનાં લાકડાં (પાઈન લૉગ્સ)નો જથ્થો ભરીને આવેલું. દેવદારનું લાકડું ફર્નિચર બનાવવામાં, ફ્લૉરીંગમાં, પેનલ બનાવવામાં ઘણું ઉપયોગી છે.

ફ્યુમિગેશન શા માટે ફરજિયાત હોય છે?

સામાન્ય રીતે, વિદેશથી આવતાં ઈમારતી લાકડાંને જહાજમાં લોડ કરતી વખતે અને અનલોડ કરતી વખતે ફ્યુમિગેશન પ્રક્રિયા કરવી ફરજિયાત છે. જંગલોમાં કટીંગ થતાં ઈમારતી લાકડાંની સાથેસાથે ઘણીવાર ઝેરી સરિસૃપ અને ઉધઈ, લાર્વા, ફંગસ અને સૂક્ષ્મ જીવજંતુ પણ ભરાઈ જતાં હોય છે. તેથી શીપના એરટાઈટ કન્ટેઈનર કે કમ્પાર્ટમેન્ટની અંદર ઘાતક ઝેરી ગેસ છોડી, લાકડાંને જંતુમુક્ત કર્યાં બાદ જ અનલોડ કરાય છે. ફ્યુમિગેશન અથવા પેસ્ટ કંટ્રોલની પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ જ કસ્ટમ ક્લિયરન્સ ઈસ્યૂ થાય છે.

ફ્યુમિગેશનની પ્રક્રિયા છે અત્યંત જોખમી

ફ્યુમિગેશનની પ્રક્રિયા માટે નિયત આંતરરાષ્ટ્રીય ધારાધોરણ છે, જે ISPM 15 તરીકે પ્રચલિત છે.

સામાન્ય રીતે મિથાઈલ બ્રોમાઈડ નામનું ઝેરી જંતુનાશક રસાયણ વપરાય છે. આ જંતુનાશક માનવ જીવન માટે ઘાતક છે. ફ્યુમિગેશન સમયે તેનું પ્રમાણ, બાહ્ય વાતાવરણ અને તાપમાન પણ મહત્વનો ભાગ ભજવે છે.

ખાસ પેસ્ટીસાઈડ્સ એક્સપર્ટ કે એજન્સીના મોનિટરીંગ હેઠળ જ આ પ્રક્રિયા કરવામાં આવે છે. એકસાથે ત્રણ ત્રણ યુવકે જીવ ગુમાવ્યો છે ત્યારે ટીમ્બર લૉગ્સના ફ્યુમિગેશનની પ્રક્રિયા વખતે આ બધા ધારાધોરણનું પાલન થયું છે કે કેમ તેની ગહન તપાસ થાય તે આવશ્યક છે.

Share it on
   

Recent News  
રાપરમાં છરીની અણીએ પંગુ વેપારીને લૂંટનાર ત્રણ ઝડપાયાં: અંગત અદાવતમાં બન્યો બનાવ
 
બેન્કમાંથી બારોબાર ૬.૫૨ લાખ ઉપડી ગયાં! અંજારના વેપારી અને તેના ભાભી જોડે ઠગાઈ
 
સારાં ભાવની લાલચ આપી ખેડૂતોના ઘઉં ખરીદીને બે જણે ૪૭.૧૩ લાખની ‘ટોપી’ પહેરાવી