click here to go to advertiser's link
Visitors :  
02-Apr-2026, Thursday
Home -> Kandla -> New Major Port Authorities Act notified in gazette
Sunday, 21-Feb-2021 - Kandla 25384 views
કંડલા સહિત 11 મહાબંદરોનું સંચાલન હવે ટ્રસ્ટ નહીં ઑથોરીટી કરશેઃ ગેઝેટ પ્રગટ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ 1963ના મેજર પોર્ટ ટ્રસ્ટ્સ એક્ટના સ્થાને હવે મેજર પોર્ટ ઑથોરીટીઝ એક્ટ અમલી થઈ ગયો છે. રાજ્યસભામાં બહુમતિથી ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેના પર સહી કર્યાં બાદ કેન્દ્રએ ગેઝેટ જારી કરી દીધું છે. કાયદાથી ખાનગી બંદરો સાથેની સ્પર્ધામાં સરકારી બંદરોને સમાન તક (લેવલ પ્લેઈંગ ફિલ્ડ) ઉપલબ્ધ થશે. એટલું જ નહીં, પોર્ટ ટર્મિનલ અને પીપીપી ટર્મિનલને પણ લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળશે. અત્યારસુધી આ બંદરોનું સંચાલન મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ હેઠળ થતું હતું.

નવા કાયદા હેઠળ હવે દિનદયાલ પોર્ટ, કંડલા, ચેન્નાઈ પોર્ટ, કોચીન પોર્ટ, જવાહરલાલ નેહરુ પોર્ટ (મુંબઈ), શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ (કોલકતા), મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, ન્યૂ મેંગ્લોર પોર્ટ ટ્રસ્ટ, મોર્મુગાંવ પોર્ટ ટ્રસ્ટ, પારાદિપ પોર્ટ, વી.ઓ. ચીદમ્બરનાર પોર્ટ ટ્રસ્ટ (તુતુકુડી) અને વિશાખાપટ્ટનામ પોર્ટ એમ દેશના 12માંથી 11 મહાબંદર આવરી લેવાયાં છે.

સ્પર્ધાત્મક યુગમાં સરકારી બંદરોની સ્વાયત્તા વધશે

ખાનગી બંદરો સાથે ગળાકાપ સ્પર્ધાનો સામનો કરતાં સરકારી બંદરોના સંચાલન, વ્યવસ્થાપન અને નિયંત્રણમાં વધુ વ્યાવસાયિક્તા (પ્રોફેશનલિઝમ) તેમજ સ્વાયત્તતા (ઑટોનોમી) આણવાના હેતુથી 2020માં કેન્દ્ર સરકાર મેજર પોર્ટ  ઑથોરીટી બીલ લાવી હતી. ખાનગી બંદરો સાથેની સ્પર્ધામાં ટકી રહેવા આ કાયદા તળે બંદરોની નિર્ણય લેવાની ક્ષમતા વિકેન્દ્રીત અને ઝડપી થશે તેમ સરકારનું માનવું છે. જો કે, વિપક્ષે અગાઉ આરોપ કર્યા હતા કે નવા કાયદાથી બંદરોનું ખાનગીકરણ થશે અને લેન્ડયુઝ અંગે રાજ્ય સરકારની સત્તાઓ પર કાપ આવશે.

જાણો નવા કાયદાની મહત્વની જોગવાઈઓ

♦મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ હેઠળ અગાઉ ટ્રસ્ટી મંડળમાં 17થી 19 સભ્યોનો સમાવેશ કરવો પડતો હતો. નવા કાયદા તળે બનનાર બૉર્ડમાં 11થી 14 સભ્યોનો સમાવેશ થશે

♦મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટમાં 134 સેક્શન હતા. કાયદાકીય જોગવાઈઓનું ઓવલેપીંગ અને ગુંચવાડા દૂર કરવા નવા કાયદામાં માત્ર 76 સેક્શન છે

♦પોર્ટના બોર્ડમાં ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, સંબંધિત રાજ્યનો એક મેમ્બર, રેલવે, સંરક્ષણ, મહેસુલ વિભાગ વતી કસ્ટમના સભ્યની નિમણૂક થશે. બેથી ઓછા નહીં અને ચારથી વધુ નહીં તે રીતે સ્વતંત્ર સભ્યની નિમણૂક કરી શકાશે. એક સભ્ય કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટ કરાશે. કર્મચારીઓનું પ્રતિધિનિત્વ કરતાં મહત્તમ બે સભ્યનો બોર્ડમાં સમાવેશ કરી શકાશે.

♦ઑથોરીટી બોર્ડને પોર્ટની મિલકતો અને ફંડનો પોર્ટના વિકાસમાં ઉપયોગ કરવાની સત્તા સાથે વિવિધ પોર્ટ સર્વિસીઝ માટેના દર નિર્ધારિત કરવાની સત્તા મળશે.

♦ઑથોરોટી બોર્ડ એક એડ્જ્યુકેટરી બોર્ડની રચના કરશે. જે ટેરીફ ઑથોરીટીનું સ્થાન લેશે. બોર્ડમાં એક પ્રિસાઈડીંગ ઑફિસર અને બે સભ્યો હશે. સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિનો સમાવેશ કરતી સિલેક્શન કમિટિની ભલામણોના આધારે અથવા પોતાની રીતે યા  શિપીંગ સેક્રેટરી સૂચવે તે રીતે બે સભ્યની કેન્દ્ર નિમણૂક કરશે. એડજ્યુકેટરી બૉર્ડને ટેરીફ ઑથોરીટી ઑફ મેજર પોર્ટ (TAMP)ની જેમ પોર્ટની વિવિધ સેવાના દરના નિર્ધારણ, પીપીપી મોડ પરના પ્રોજેક્ટ્સ, કેપ્ટિવ યુઝર્સની સમીક્ષાનો અધિકાર રહેશે. કોઈ વિવાદ થાય તો તેનો ઉકેલ લાવશે. પોર્ટ યુઝર્સની સમસ્યાઓને સાંભળી યોગ્ય ચુકાદો આપવાની સત્તા હશે.

♦નવા કાયદા તળે બંદરોને કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલીટી હેઠળ ફંડ ફાળવવાની જોગવાઈ કરાઈ છે

Share it on
   

Recent News  
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી
 
અદાણી પોર્ટ & SEZએ ૫૦૦ MMT કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો
 
૩૧ માર્ચે પોલીસે સરવૈયું સરભર કર્યું! કચ્છ પોલીસે ૧૮.૧૬ લાખનો શરાબ ઝડપ્યો