|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેશના મહાબંદર કંડલામાં કેન્દ્ર સરકારે તાજેતરમાં નિયમિત ચેરમેન તરીકે જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એવા એસ.કે. મહેતાની નિમણૂંક કરી છે. મુંદરા જેવા ખાનગી બંદર સાથે ગળાકાપ સ્પર્ધા કરતા કંડલા પોર્ટને નવનિયુક્ત ચેરમેન તેમની દૂરંદેશીભર્યાં નિર્ણયોથી વિકાસની નવી રાહ પર લઈ જશે તેવી સરકાર સાથે પોર્ટના કર્મચારીઓ અને જનતાને અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. જો કે, પોર્ટના કર્મચારીઓને હાલ પોર્ટના વિકાસના બદલે ચેરમેન એક વિચિત્ર સમસ્યામાંથી જરૂર મુક્તિ અપાવશે તેની અપેક્ષા વધુ છે. આ સમસ્યા છે બંદરમાં વધી ગયેલો વાનરોનો ત્રાસ. છેલ્લાં ઘણા સમયથી કંડલા બંદર પર વાનરોએ રીતસર ઉપાડો લીધો છે. સેંકડો કપિરાજના ટોળા ગમે ત્યાં અને ગમે ત્યારે ત્રાટકીને બંદર પ્રશાસનના કર્મચારીઓને પરેશાન કરે છે. ઘણીવાર તો વાનરોએ કર્મચારીઓને બચકાં પણ ભરી લીધા હોવાના બનાવો બનેલાં છે. વાનરોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા પોર્ટ દ્વારા થોડા સમય અગાઉ વનતંત્રને રજૂઆત પણ કરાઈ હતી. વનતંત્ર દ્વારા એક પાંજરુ પણ મુકવામાં આવ્યું હતું. પરંતુ માનવના પૂર્વજો સમજદાર નીકળ્યાં! એકે’ય કપિરાજ પાંજરે ના પૂરાયો. ત્યારે, વનતંત્રમાં દીર્ઘ સેવાઓ આપનારાં નવનિયુક્ત ચેરમેન કમસે કમ વાનરોની સમસ્યાથી ઝટ મુક્તિ અપાવશે તેવી સૌ કર્મચારીઓને આશા છે. જો કે, મહેતાએ હજુ કાર્યભાર સંભાળ્યો નથી.
Share it on
|