click here to go to advertiser's link
Visitors :  
02-Apr-2026, Thursday
Home -> Kandla -> Mega Demolition Drive at Kandla DPA removes 5p year old 600 huts
Thursday, 05-Sep-2024 - Kandla 64003 views
કંડલા પોર્ટની મેગા ડિમોલીશન ડ્રાઈવઃ એકઝાટકે ૫૦ વર્ષ જૂનાં ૬૦૦ ઝૂંપડા હટાવાયાં
કચ્છખબરડૉટકોમ, કંડલાઃ કંડલા દિનદયાળ પોર્ટ ઑથોરીટી દ્વારા આજે વહેલી પરોઢે પાંચ વાગ્યાથી સમુદ્રી ખાડીને સમાંતર કોસ્ટલ લેન પર અંદાજે ૨૦૦ એકર જમીન પર ગેરકાયદે બની ગયેલી બન્ના ઝૂંપડપટ્ટીને હટાવવા મેગા ડિમોલીશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી.
Video :
એક જ દિવસની અંદર પોર્ટ પ્રશાસને ૬૦૦ જેટલાં ઝૂંપડા હટાવી દીધાં છે. ડિમોલીશનના પગલે ઝૂંપડપટ્ટીમાં રહેતાં અંદાજે સાડા પાંચેક હજાર લોકોને રાતોરાત ઉચાળા ભરવાનો વારો આવ્યો છે.

પોર્ટ પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે પોર્ટ ઑથોરીટી હસ્તકની આ જમીન છેલ્લાં સાડા ચાર કે પાંચ દાયકાથી ધીમે ધીમે ગેરકાયદે દબાણો થવાનું શરૂ થઈ ગયેલું અને બસ્સો એકરમાં ફેલાઈ ગયાં હતાં. એક વર્ષ અગાઉ પોર્ટ પ્રશાસને દબાણકારોને દબાણો હટાવી લેવા સૂચના આપેલી અને બે અઢી માસ અગાઉ પણ એનાઉન્સમેન્ટ કરી દબાણો ખાલી કરી દેવા જાહેર સૂચના અપાઈ હતી. બન્ના ઝૂંપડપટ્ટીના નામે ઓળખાતા આ સ્લમ વિસ્તારમાં મોટાભાગે પોર્ટ પર કામ કરતાં શ્રમિકો અને માછીમારો રહેતા હતા.

૭૫૦ કર્મચારીઓ અને વાહનોનો કાફલો

આજે સવારે પોર્ટ પ્રશાસન અને સીઆઈએસએફના ૨૦૦ કર્મચારીઓ, સાડા પાંચસો જેટલાં પોલીસ કર્મચારીઓ, પચ્ચીસેક જેસીબી, બાર જેટલાં હિટાચી હાઈડ્રા મશીનો, કાટમાળ હટાવવા ૨૦૦ જેટલી ટ્રક અને ડમ્પરોની મદદથી મેગા ડિમોલીશન ડ્રાઈવ શરૂ કરાઈ હતી. પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંઘ, ડેપ્યુટી ચેરમેન નંદિશ શુક્લા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની ઉપસ્થિતિમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ હતી.

વાવાઝોડાં વખતે સૌનું સ્થળાંતર કરવું પડતું

દાયકાઓથી સ્થાયી થયેલી ઝૂંપડપટ્ટી વાવાઝોડાં જેવી કુદરતી આફતો વખતે પોર્ટ પ્રશાસન અને વહીવટી તંત્ર માટે ચિંતાજનક બની જતી હતી. કારણ કે સમુદ્રી ખાડીના નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી હોઈ કુદરતી આફત વખતે તમામનું માનવતાના ધોરણે સ્થળાંતર કરવું પડતું.

રાષ્ટ્રીય સલામતિ માટે પણ જરૂરી હતી ઝુંબેશ

પોર્ટ પ્રશાસને જણાવ્યું કે બંદર નજીક આવેલી આ ગેરકાયદે વસાહત આસપાસ કેમિકલ, ઓઈલ, તેલના સ્ટોરેજ ટેન્ક્સ અને પાઈપલાઈન સહિતના સંવેદનશીલ ઈન્સ્ટોલેશન્સ આવેલાં છે. જહાજોમાંથી ટીમ્બર લૉગ સહિતની ચીજવસ્તુઓની ચોરી પણ અવારનવાર થયાં કરતી હતી. ભૂતકાળમાં ખાડી આસપાસના વિસ્તારમાંથી ડ્રગ્ઝ ઝડપાયાંના બનાવો પણ બની ચૂકેલાં છે. ત્યારે આ ડિમોલીશન ડ્રાઈવ રાષ્ટ્રીય સલામતિ માટે પણ અનિવાર્ય બની ગઈ હતી.

માનવીય અભિગમ સાથે હટાવાયાં દબાણો

પોર્ટ પ્રશાસને માનવીય અભિગમ સાથે ડિમોલીશન ડ્રાઈવ હાથ ધરી હતી તેમ જણાવતાં દાદલાણીએ ઉમેર્યું કે દબાણ હટાવના કારણે અસરગ્રસ્તોને સવારે પૌંઆ અને બટાકા-પૂરીનો નાસ્તો તથા બપોરે ભોજન માટે છ હજાર ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે લોકોને તેમની ઘરવખરી અન્યત્ર લઈ જવી હોય તેમને વિનામૂલ્યે ટ્રેક્ટરની સુવિધા અપાઈ હતી. આ માટે ૨૦૦ જેટલાં લેબર અને ૮૦ ટ્રેક્ટર તૈનાત કરવામાં આવ્યાં હતાં.

ડિમોલીશન ડ્રાઈવ અન્યાયપૂર્ણ અને માનવતાહિન

પોર્ટ પ્રશાસનની મેગા ડિમોલીશન ડ્રાઈવને પ્રદેશ કોંગ્રેસના આગેવાન હાજી જુમા રાયમાએ અન્યાયપૂર્ણ અને માનવ અધિકારોના હનનરૂપ ગણાવી છે. વૈકલ્પિક વ્યવસ્થા કર્યાં વગર હજારો લોકોને બેધર કરવાની આ કામગીરી અન્યાયરૂપ હોવાનું જણાવતાં જુમા રાયમાએ જણાવ્યું કે પચાસ વર્ષથી વધુ સમયથી રહીને માછીમારનો વ્યવસાય કરતાં પાંચસો પરિવારોના ઝૂંપડા પર અચાનક બુલડોઝર ચલાવી દેવાયું તે માનવતાહિન કૃત્ય છે અને લોકોના મૂળભૂત અધિકારી પર તરાપ છે. માછીમારોને ગુજરાત સરકાર પાસ ઈસ્યૂ કરે છે. જો તેમને હટાવવા હોય તો તેમના આવાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. તેમને વિશ્વાસમાં લેવા જોઈએ. આ રીતે હજારો લોકોને બેઘર કરવા તે ક્યાંનો ન્યાય છે? પરોઢે પાંચ વાગ્યે લોકો સૂતાં હોય અને તંત્ર કાર્યવાહી કરે, લોકોને તેમનો સરસામાન કાઢવા માટે સમય આપ્યો નથી અને નોટિસ પણ પાઠવાઈ નથી.

Share it on
   

Recent News  
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી
 
અદાણી પોર્ટ & SEZએ ૫૦૦ MMT કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો
 
૩૧ માર્ચે પોલીસે સરવૈયું સરભર કર્યું! કચ્છ પોલીસે ૧૮.૧૬ લાખનો શરાબ ઝડપ્યો