click here to go to advertiser's link
Visitors :  
28-Jun-2026, Sunday
Home -> Kandla -> How Kandla police detects coal theft gang Read here
Wednesday, 25-May-2022 - Kandla 27212 views
કંડલામાં કોલસાચોર ગેંગનો પર્દાફાશઃ ABC અને હમજા પાર્કિંગના માલિક સહિત ૭ની ધરપકડ
કચ્છખબરડૉટકોમ, કંડલાઃ કંડલા પોર્ટના પ્લોટમાં પડેલો કોલસો (પેટકોક) ચોરીને જતાં પકડાયેલી ટ્રકના ગુનામાં કંડલા મરીન પોલીસે પોર્ટમાં આવતાં માલ-સામાનની ચોરી કરી વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગુનામાં પોલીસે ગાંધીધામની ABC પેઢી અને હમજા પાર્કિંગના માલિક ગુલામ હુસેન કેવર સહિત વધુ ૭ જણની ધરપકડ કરી છે.
ગત ૬ મેની બપોરે કંડલા પોર્ટના વે બ્રિજ નંબર ૧૫ પાસે CISFએ ૪.૩૭ લાખની કિંમતનો ૧૯ ટન પેટકોક ભરીને પોર્ટ બહાર જતી GJ-21 W-8003 નંબરની ટ્રક પકડી હતી. ટ્રકચાલક મનહર રામાભાઈ ગરાસીયા (રહે. ફતેપુરા, દાહોદ) કોઈ આધાર-પૂરાવા નહોતા.

બનાવ અંગે કંડલા મરીન પોલીસે તપાસ કરતાં ટ્રકચાલકે આ પેટકોક પોર્ટમાં આવેલાં ૨૩ નંબરના ખુલ્લાં પ્લોટમાંથી ભર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ પ્લોટ ACT ઈન્ફ્રાપોર્ટ લિમિટેડના કબ્જાનો હતો અને તેમાંથી પેટકોક ચોરવામાં આવ્યો હતો. બનાવ અંગે ACT ઈન્ફ્રાપોર્ટ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજરે મનહર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની ગહન તપાસમાં સ્થાનિક ગેંગનો પર્દાફાશ થયો છે. ચોરીનો કોલસો ગાંધીધામની ABC કંપનીનો સંચાલક ગુલામ હુસેન કેવર (રહે. ગાંધીધામના સેક્ટર ૨) ખરીદવાનો હતો.

સર્વા ઝુંપડામાં રહેતાં દિલીપ ઉગમારામ ચોરઠીયાએ ગેંગ સાથે કોન્ટેક્ટ કરાવ્યો હતો. ચોરીનો કોલસો પોર્ટની અંદર ભરાવી બહાર કઢાવી આપવાની જવાબદારી અલ્તાફ જુસબ કટીયાની હતી. આ માટે કુંદન ચૌહાણ નામના લોડરના ડ્રાઈવરને કામે રાખેલો. કોલસો પોર્ટ બહાર નીકળ્યાં બાદ ગુલામ પાસે હમજા પાર્કિંગમાં પહોંચાડવાની જવાબદારી નૂરમામદ ઊર્ફે નૂરી મામદ નિંગામરા (રહે. ઈફકો ઝુંપડા, નવા કંડલા)ની હતી. તેમની સાથે તેમના સાગરીતો આદમ ઊર્ફે ગઢ્ઢો બાવલા કોરેજા અને અબ્દુલ ઊર્ફે અભલો મામદ ભટ્ટી (ત્રણેય રહે. ખારીરોહર) સામેલ હતા.

અલ્તાફ કટીયા, આદમ ઊર્ફે ગઢ્ઢો સહિતના મોટાભાગના આરોપી અગાઉ કંડલામાંથી પસાર થતી ઓઈલ પાઈપલાઈનમાંથી તેલ ચોરી કરવી, મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલાં છે.

સફળ ડિટેક્શનમાં કંડલાના પીઆઈ એમ. એમ. જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, જયપાલસિંહ પરમાર, ઉદયસિંહ સોલંકી, દેવરાજ પટેલની ટૂકડીએ મહેનત કરી હતી.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!