કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ૨૩.૫૯ લાખના મૂલ્યના ૨૩.૫૯૦ ગ્રામ કોકેઈન સાથે ઝડપાયેલાં આરોપી સામે નિયત સમયમાં ચાર્જશીટ ફાઈલ ના થતાં આરોપીને જામીન મળી જવાના કિસ્સામાં કંડલા મરીનના પોલીસ ઈન્સ્પેક્ટર હિના કે. હુંબલને સસ્પેન્ડ કરી દેવાયાં છે. કલંકિત ભૂતકાળ ધરાવતાં પીઆઈને સાયબર સેલમાં પોસ્ટિંગ આપી ચાર જિલ્લામાં ચકચાર સર્જનાર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના હુકમથી હુંબલને સસ્પેન્ડ કરાયાં છે તે વળી ઓર નવાઈની વાત છે!! પૂર્વ કચ્છ SOGએ ૦૩-૦૨-૨૦૨૪ના રોજ ૨૩.૫૯ લાખના મૂલ્યના ૨૩.૫૯૦ ગ્રામ કોકેઈન સાથે પંજાબના કુલવિન્દરસિંઘ હરદેવસિંઘ (૪૩, તરનતાનર, પંજાબ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ટ્રક ડ્રાઈવર છે અને અગાઉ પણ છથી સાત વખત તે આ રીતે ગાંધીધામમાં ડ્રગ્ઝની ખેપ મારી ચૂક્યો છે. તેની વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ તળે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ કંડલા મરીન પીઆઈને સોંપાઈ હતી.
ધરપકડના ૭૬મા દિવસે જામીન અરજી થઈ
ફોજદારી ન્યાય સંહિતા મુજબ સામાન્ય રીતે આરોપીની ધરપકડ થયાના ૬૦ દિવસની અંદર તેની સામેની તપાસ પૂરી કરી જરૂરી પૂરાવા, નિવેદનો સાથે કૉર્ટમાં તહોમતનામું (ચાર્જશીટ) દાખલ કરવું આવશ્યક છે. આ કેસમાં પોલીસે ૬૦ દિવસ બાદ પણ ચાર્જશીટ દાખલ ના કરતાં આરોપીએ ધરપકડના ૭૬મા દિવસે ૧૯-૦૪-૨૦૨૪ના રોજ કૉર્ટમાં ડિફોલ્ટ બેઈલ મેળવવા અરજી કરી હતી. આરોપીની જામીન અરજી દાખલ થયાં બાદ પીઆઈ હુંબલે તુરંત બીજા દિવસે ચાર્જશીટ ફાઈલ કરી હતી જે કૉર્ટના રેકર્ડ પર ૨૪-૦૪-૨૦૨૪ના રોજ લેવાઈ હતી. કૉર્ટે બંને પક્ષની દલીલો બાદ ઝડપાયેલું ડ્રગ્ઝ મધ્યમ પ્રમાણનું હોવાનું જણાવી પોલીસે નિયત સમયમાં ચાર્જશીટ ના કરી હોવાનું ઠેરવી આરોપીને જામીન પર છોડી મૂક્યો હતો.
પત્રકારો સાથે તોછડાઈ માટે કુખ્યાત છે હિના હુંબલ
પીઆઈ હિના હુંબલ તેની તોછડાઈ માટે કુખ્યાત છે. સામાન્ય માણસ તો ઠીક પત્રકારોને ફોન પર ઉધ્ધતાઈથી જવાબ આપવો, તેમના નંબર બ્લોક કરી દેવા માટે આ પીઆઈ કુખ્યાત છે.
Share it on
|