click here to go to advertiser's link
Visitors :  
27-Jun-2026, Saturday
Home -> Gandhidham -> Woman hitches ride calls boyfriend to rob car driver in Aadipur
Wednesday, 29-Apr-2026 - Aadipur 42169 views
ચાલતી કાર અટકાવી સ્ત્રી બોલીઃ મને લિફ્ટ આપો! પછી બોયફ્રેન્ડ સાથે મળી લૂંટ ચલાવી
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ વરસામેડી રોડ પર રહેતા અને ગાંધીધામમાં પ્લાયવૂડનો વેપાર કરતા ૩૯ વર્ષિય શનિ ગુપ્તા (રહે. મૂળ કરનાલ, હરિયાણા)ને જે રીતે ટ્રેપ કરી લૂંટ આચરાઈ છે તે જાણીને તમે ચોંકી ઉઠશો. દસ દિવસ જૂના બનાવ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે તત્કાળ મુખ્ય આરોપીને દબોચી લીધો છે. શનિ ગુપ્તા ૧૯મી એપ્રિલની બપોરે ૨.૧૫ વાગ્યે હ્યુન્ડાઈ કારથી ગાંધીધામથી પરત આદિપુર જતા હતા.

રામબાગ રોડ પર નર્મદા ભવન પાસે અચાનક તેમની કાર આગળ એક સ્ત્રી આવીને ઊભી રહી ગયેલી. શનિએ કાર અટકાવીને તે સ્ત્રીને પૂછ્યું કે કેમ બેન રસ્તામાં ગાડી અટકાવો છો? તો તે સ્ત્રી જોરજોરથી રોવા માંડેલી.

આ સ્ત્રીએ ફરિયાદીને કહેલું કે ‘મને ઘરેથી કાઢી મૂકી છે, મારે જુમા પીર ફાટક પાસે જવું છે પણ ભાડાના પૈસા નથી. બહુ પરેશાન છું, મને ફાટક પાસે ઉતારી દો’ તેની વાતોથી ભોળવાઈને ફરિયાદીએ કારમાં તેને લિફ્ટ આપેલી.

કારમાં બેઠાં બાદ આ સ્ત્રીએ કોઈ અજાણ્યા શખ્સને ફોન કરેલો. થોડીકવાર બાદ સ્ત્રીના કહેવા મુજબ જુમા પીર ફાટકથી આગળ ગ્રાઉન્ડ પાસે ફરિયાદીએ ગાડી અટકાવી ત્યાં એક યુવક બાઈક લઈને ત્યાં આવેલો.

અજાણી સ્ત્રીએ ગાડીમાંથી નીચે ઉતરવાના બદલે ગાડીનો દરવાજો ખોલીને પાછલી સીટ પર તે અજાણ્યા યુવકને બેસાડી દીધો હતો.

શનિ કંઈ સમજે તે પહેલાં અજાણ્યા યુવકે છરી કાઢીને તેના ગળા પર મૂકી દઈને ગળામાં પહેરેલી ૨.૩૦ લાખની સોનાની ચેઈન ખેંચીને ઝૂંટવી લીધી હતી. ડરી ગયેલા શનિએ ગાડીને ફૂલ રેસ આપીને આગળ જવા પ્રયાસ કરેલો. બાદમાં દરવાજો ખોલીને ગાડીની બહાર કૂદી પડી બૂમાબૂમ કરી મૂકેલી. તે સમયે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતાં છોકરાંઓ ત્યાં દોડી આવેલાં.

ટોળું દોડી આવતાં કારમાં બેસેલો યુવક અને સ્ત્રી ગાડીમાંથી બહાર નીકળી આવેલા અને કારમાંથી લીધેલો શનિનો ફોન તેની તરફ ફેંકી પાછો આપતાં ધમકી આપેલી કે ‘મારા વિશે કોઈને પણ કિડાણામાં પૂછી લેજે કે કાસમ ચાવડા કોણ છે? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈશ તો તને પતાવી દઈશ, મારા પર કેટલાંય ગુના દાખલ થયેલાં છે’

બેઉના ગયા બાદ ફરિયાદીએ કારમાં બેસીને ચેક કરતાં કારમાં રાખેલાં પંદર હજાર રોકડાં રૂપિયા તેઓ લઈ ગયાં હોવાનું માલૂમ થયેલું.કાસમથી ફફડતાં શનિએ દસ દિવસ બાદ ૨.૪૫ લાખની લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે કાસમને દબોચી લીધો છે.

ગુનામાં તેને મદદ કરનાર બાઈ હજુ હાથમાં આવી નથી. કાસમ હિસ્ટ્રીશીટર છે. તેની સામે ગુજસીટોક સહિત લૂંટના અનેક ગુના દાખલ થયેલાં છે.

આદિપુર પીએસઆઈ આર.એમ. ડુવા અને પીઆઈ એમ.સી. વાળાએ આગળની તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!