કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની એક યુવાન મહિલાએ આણંદ જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ ઈન્સ્પેક્ટરે ફોન પરની વાતચીતમાં અશ્લીલ માંગણીઓ કરીને તમામ હદો વટાવી દીધી હોવાના આરોપ કરતી અરજી આપતાં ચકચાર મચી ગઈ છે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાને સંબોધીને કરેલી ૨૭ ઑગસ્ટના રોજ કરેલી અરજી તથા પહેલી સપ્ટેમ્બરના રોજ ગાંધીધામ એ ડિવિઝનમાં અપાયેલી અરજીની વિગતો ૨૦ દિવસ બાદ આજે બહાર આવી છે. આ રીતે મહિલા ફોનથી સંપર્કમાં આવેલી
અરજદાર મહિલાની અગાઉ બોરસદમાં રહેતી નાની બહેનની દીકરીના આધાર કાર્ડમાં કેટલાંક સુધારા વધારા કરવા નાની બહેન પોલીસ ઈન્સ્પેક્ટરને મળેલી. તે સમયે પીઆઈએ તેને કેટલાંક સૂચનો કરીને જો આધાર કાર્ડમાં સુધારો ના થાય તો મારા ઓળખીતા પાસે કરાવી આપીશ તેમ કહીને પોતાનો નંબર આપ્યો હતો. આધાર કાર્ડમાં સુધારો થયો નહોતો અને નાની બહેન સાથેની વાતચીત દરમિયાન પીઆઈ મોટી બહેનના ટેલિફોનિક સંપર્કમાં આવ્યા હતા.
પીઆઈની વીડિયો કૉલમાં અશ્લીલ વાતો અને માંગણીઓ
દિલફેંક પીઆઈએ ધીમે ધીમે વીડિયો કૉલમાં મોટી બહેન સાથે અંગત વાતચીત કરવાનું શરૂ કરેલું. પીઆઈએ આ મહિલાને બોરસદ આવવાનું જણાવીને અશ્લીલ વાતચીત શરૂ કરેલી. પોતાની બહેનનું કામ ના અટકે તે હેતુ મહિલા પણ પીઆઈ સાથે વાતો કરતી હતી.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પીઆઈ વીડિયો કૉલમાં અશ્લીલ વાતચીત કરવા સાથે પોતાના પ્રાઈવેટ પાર્ટ પણ બતાડતા હતા.
મહિલાએ આવી કેટલાંક વીડિયો કૉલ રેકોર્ડ કરીને પુરાવારૂપે પોલીસને આપ્યાં છે.
પીઆઈએ ધમકી આપવાનું શરૂ કરેલું
અરજીમાં આરોપ કરાયો છે કે પીઆઈએ પોતાની જોડે વાત ના કરે તો પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખવડાવવાની, ખોટાં કેસમાં ફીટ કરી દેવડાવવાની, બૂટલેગરો પાસે મહિલાને ઉપડાવી લઈને ભાળ પણ નહીં મળે તેવી ધમકીઓ આપીને માનસિક ત્રાસ તથા બ્લેકમેઈલીંગ કર્યું હતું.
બોલો, ૨૦ દિવસથી તપાસ કોણ કરે તે મુદ્દે વિલંબ થયો!
અરજી મળ્યાના વીસ દિવસ બાદ આ ચોંકાવનારી વિગતો આજે બહાર આવી છે. જો કે, એક પીઆઈ વિરુધ્ધની અરજી તેની સમકક્ષ ગણાય તેવા અન્ય પીઆઈ કરી શકે છે કે કેમ તે મુદ્દે મામલો અટવાયેલો રહ્યો છે. આગામી દિવસોમાં આ બનાવની તપાસ નાયબ પોલીસ અધીક્ષકને સોંપાય તેવી શક્યતા છે. અરજીમાં રજૂ થયેલી વિગતો સાથે ઘટનાની ભીતરમાં હજુ ઘણાં ભેદ છૂપાયાં હોવાનું મનાઈ રહ્યું છે.
Share it on
|