કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અંજારમાં રહેતા બે ભાઈઓ વચ્ચે ચાલતા અંગત ઝઘડામાં એક ભાઈએ તેના ત્રણ સાગરીતો જોડે મળીને ભાઈ રહેણાક પાસે આવેલા વંડામાં બનેલા ઝૂંપડામાં આગ ચાંપી દીધી હોવાનો બનાવ બન્યો છે. સોમવારે રાત્રે સાડા આઠના અરસામાં અંજાર રેલવે સ્ટેશન પાછળ જીઆઈડીસી પાસે આવેલા રામદેવનગરમાં બનાવ બન્યો હતો. ફરિયાદી મનસુખ પુંજાભાઈ દાફડાએ પોલીસને જણાવ્યું કે રહેણાક પાસે આવેલા વંડામાં પંદર દિવસ અગાઉ આવેલો માંગરોળનો મહેશ કેશાભાઈ વાઘેલા અને તેનો ભાઈ ઝૂંપડું બનાવીને રહે છે. બેઉ જણ માતાના મઢમાં રમકડાં વેચવા ગયાં છે અને તમામ ઘરવખરી ઝૂંપડામાં રાખેલી છે.
ગત રાત્રે ફરિયાદીના ભાઈ નારણે તેના સાગરીત રાજુ કમલેશ ગરવા, બાબુ (રહે. ખોખરા, અંજાર) અને શરીફ (રહે. રાધનપુર, પાટણ) જોડે અલ્ટો કારમાં આવીને ઝૂંપડાને આગ ચાંપી દીધી હતી.
આગના લીધે સિત્તેર હજારનું નુકસાન થયું છે.
ગાંધીધામમાં પડોશીઓએ વાહન સળગાવ્યાંનો શક
ગાંધીધામના મચ્છુનગરમાં રહેતા અરવિંદ હરખાભાઈ પરમારના ઘરના દરવાજાને બહારથી સ્ટોપર મારીને ઘર બહાર આંગણામાં પાર્ક એક્ટિવા અને સાયકલને આગ સળગાવી દેવાયા છે.
આગમાં બાથરૂમનો દરવાજો પણ સળગી ગયો છે. આગના લીધે ૭૫ હજારનું નુકસાન થયું હોવાનું અરવિંદે ફરિયાદમાં લખાવ્યું છે.
બનાવ અંગે પડોશમાં રહેતા જયપાલ મુકેશભાઈ વાઘેલા અને રાજુ જીવાભાઈ યાદવ પર શક દર્શાવતાં અરવિંદે જણાવ્યું છે કે તેની જોડે અગાઉ બોલાચાલી થયેલી તેની અદાવત રાખીને તેમણે આ કૃત્ય કર્યું હોઈ શકે છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
ઝરપરા પંચાયતને સળગાવી દેવાની ધમકી
મુંદરાના ઝરપરા ગામે રતન મંગાભાઈ ગઢવી નામના શખ્સે ગ્રામ પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો મામલે આરોપ કરીને પંચાયતમાં માથાકૂટ કરીને તલાટી તથા સહ તલાટીને પાંચ લીટર પેટ્રોલ લઈ પંચાયતને સળગાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ મુંદરા પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદી તલાટી રાજલ ગઢવીએ જણાવ્યું કે આરોપી રતન ગઢવી લાંબા સમયથી પંચાયતમાં વિવિધ મામલે વારંવાર અરજીઓ કરીને રૂબરૂ આવીને બોલાચાલી કર્યાં કરે છે. સોમવારે તે એક જણને સો ચોરસવારનો રહેણાક પ્લોટ મળ્યો ના હોવાની અરજી લઈને આવેલો અને માથાકૂટ કરી ધમકી આપેલી.
Share it on
|