કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છમાં આડેસરથી લઈ અબડાસાને જોડતાં મોટાભાગના નેશનલ હાઈવેની હાલત ગાડાવાટથી પણ બદતર છે. ચોમાસાના કારણે આ ધોરી માર્ગો પર વાહન ચલાવવું વધુ પડકારજનક બન્યું છે. તેમ છતાં નેશનલ હાઈવે ઑથોરીટીએ માલ સામાનનું પરિવહન કરતા ટ્રક, ટ્રેલર, ડમ્પર, ટેન્કર વગેરે જેવા હેવી કોમર્સિયલ વાહનો પાસેથી કમ્મરતોડ ટોલ ટેક્સની લૂંટ ઉઘાડેછોગ ચાલું રાખી છે. NHAIનો વાયદો અધૂરો રહેતા ટ્રાન્સપોર્ટરો બગડ્યાં
બે માસ અગાઉ ‘નો રોડ, નો ટોલ’નું આંદોલન છેડાતાં નેશનલ હાઈવે ઑથોરીટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર કચ્છ દોડી આવેલા અને ટ્રાન્સપોર્ટરોની માંગણીને અનુલક્ષીને તાકીદના ધોરણે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સુધારણા કરવા વાયદો કરતાં આંદોલન પરત ખેંચાયું હતું.
બે મહિના બાદ પણ પરિસ્થિતિ યથાવત્ રહેતા ટ્રાન્સપોર્ટરોએ ફરી દસમી સપ્ટેમ્બરથી ‘નો રોડ નો ટોલ’નું આંદોલન શરૂ કરવાનું એલાન કર્યું છે.
કચ્છ ડમ્પર એસોસિએશનના પ્રમુખ શિવજીભાઈ એચ. આહીરે જણાવ્યું કે આજે અમે ગાંધીધામ ખાતે જિલ્લાના વિવિધ કોમર્સિયલ હેવી ગુડ્ઝ વેહિકલના સંગઠનોના પદાધિકારીઓની બેઠક યોજી હતી. જેમાં કન્ટેઈનર એસોસિએશન, ટ્રક એસોસિએશન, ટેન્કર એસોસિએશન, બાય રોડ એસોસિએશન, લોકલ ગુડ્ઝ એસોસિએશન, ન્યૂ જી. જી. ટી. એ., જી. જી. ટી. એ. સહિતના વિવિધ સંગઠનોના પદાધિકારીઓ જોડાયાં હતા. બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે.
કચ્છમાં એક લાખથી વધુ હેવી કોમર્સિયલ વાહનો
કચ્છમાં નેશનલ હાઈવે ઑથોરીટી હસ્તકના સૂરજબારી, સામખિયાળી, મોખા અને ભિરંડીયારા ટોલ પ્લાઝા આવેલા છે. કંડલા અને મુંદરા જેવા બંદરો ઉપરાંત ખનીજ, નમક, સિમેન્ટ, સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ જિલ્લાના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન બની ગયો છે.
જિલ્લામાં અંદાજે એક લાખથી વધુ હેવી કોમર્સિયલ વાહનો નોંધાયેલાં છે.
આહીરે ઉમેર્યું કે સામખિયાળીથી સાંતલપુરને જોડતો નેશનલ હાઈવે હાલ નિર્માણાધીન છે. હાલ ઠેર ઠેર ડાયવર્ઝન અપાયેલા છે અને અનેક સ્થળે ગાડાવાટથી બદતર રસ્તો છે. છતાં નેશનલ હાઈવે ઑથોરીટી કોઈ જ વાજબી કારણ વગર પલાંસવા ટોલ પ્લાઝા પર કમ્મરતોડ ટોલ ટેક્સ વસૂલે છે તેની સામે પણ અમારો ગંભીર વાંધો છે.
Share it on
|